• નકલી પોલીસ દ્વારા પ્રેમી પંખીડાઓને પરેશાન કરવાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે
  • ગતરોજ નિરાંત જીવે બેઠેલા લવબર્ડ પાસે અધિક કલેકટરના પીએ મહેન્દ્રભાઈ લુણાગરીયાનો પુત્ર રક્ષીત આવી પહોંચ્યો
  • રક્ષિતે પોતે પોલીસ હોવાની ઓળખ આપી અહીં શું બેઠા છો? કેમ બેઠા છો? કયા રહે છો? જેવા પોલીસની ભાષાના શબ્દો દ્વારા યુગલને ધમકાવ્યા
  • જો કે, સમગ્ર ઘટનાક્રમમાં પોલીસે એન્ટ્રી મારતા ભાંડો ફુટ્યો

WatchGujarat. રેસકોર્સ સ્થિત લવ ગાર્ડનમાં અસલી કરતા વધુ નકલી પોલીસ પ્રેમી યુગલોને ડરાવી-ધમકાવી તોડ કરતી હોવાના કિસ્સાઓ વારંવાર સામે આવી ચુક્યા છે. ત્યારે શુક્રવારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં રેસકોર્સમાં લવ બર્ડ બેઠા હતા અને અધિક કલેકટરના પીએનો પુત્ર PI બનીને પહોંચ્યો હતો. સાથે જ પ્રેમીયુગલને પોલીસનાં નામે ડરાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે આ દરમિયાન કોઈએ જાણ કરતા જ પ્રદ્યુમ્નનગર પોલીસ દોડી ગઈ હતી. અને નકલી પોલીસ બની રોફ જમાવતા આ યુવકને ઝડપી લઈને પોલીસ મથકે લઈ જઈ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

જાણવા મળી રહેલી વિગત અનુસાર શુક્રવારે રેસકોર્સ સ્થિત લવ ગાર્ડનમાં નિરાંત જીવે બેઠેલા લવબર્ડ પાસે અધિક કલેકટરના પીએ મહેન્દ્રભાઈ લુણાગરીયાનો પુત્ર રક્ષીત આવી પહોંચ્યો હતો. અને પ્રેમી પંખીડાને ડરાવી રહ્યો હતો. રક્ષિતે પોતે પોલીસ હોવાની ઓળખ આપી અહીં શું બેઠા છો? કેમ બેઠા છો? કયા રહે છો? જેવા પોલીસની ભાષાના શબ્દો દ્વારા યુગલને ધમકાવ્યું હતું. પ્રેમી યુગલ પણ તેને પોલીસ સમજીને ફફડી ઉઠયું હતું. જો કે, હોહા થતા ગાર્ડની બહારની સાઈડમાં બેઠેલા કેટલાક વ્યકિતઓ દોડી આવ્યા હતા.

બાદમાં પોલીસનો સ્વાંગ રચનાર આ શખ્સ પોલીસ નહીં પણ પોલીસના નામે રોફ જમાવતો હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈને તરત જ પોલીસને જાણ કરતા પ્રદ્યુમનનગર પોલીસ કાફલો દોડી આવ્યો હતો. તેમજ પોલીસના નામે રોફ જમાવનાર યુવકને પોલીસ મથકે લઈ જવાયો હતો. અને ત્યાં પહોંચતા જ રક્ષિત પોતે જ ફફડવા લાગ્યો હતો. પોલીસ સમક્ષ તોડ કે આવો ઈરાદો ન હોવાનું પણ માત્ર ધમકાવવા જ પોલીસનો સ્વાગં રચ્યાનું કથન કર્યુ હતું. પીઆઈ એલ.એલ. ચાવડાના કહેવા મુજબ રક્ષિતે પોતાના પિતા અધિક કલેકટરના પીએ હોવાનું અને પોતે સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતો હોવાનું જણાવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud