• જાગ્રત દેત્રોજા યુરોપમાં ફોર્મ્યૂલા કોર્ટ રેસિંગ ઉપર 120 Km પ્રતિ કલાકની ઝડપે કાર દોડાવે છે
  • 7 વર્ષની નાની ઉંમરથી પ્રેક્ટિસ શરૂ કરનાર જાગ્રત વર્ષનાં 294 દિવસ રેસિંગ સર્કિટ પર વિતાવે છે
  • જાગ્રતનું એક માત્ર સ્વપ્ન પોતાનું અને પોતાના દેશનું નામ ફોર્મુલા રેસિંગ ક્ષેત્રે રોશન કરવાનું છે

WatchGujarat. રંગીલા રાજકોટનું નામ વિશ્વભરમાં ઝળકી રહ્યું છે. ત્યારે માત્ર 10 વર્ષનાં ટેણીયા જાગ્રત દેત્રોજાએ રાજકોટની ખ્યાતિમાં ચાર ચાંદ લગાવી દીધા છે. હાલ રમવાની ઉંમરે આ ટેણીયો યુરોપમાં ફોર્મ્યૂલા કોર્ટ રેસિંગ ઉપર 120 Km પ્રતિ કલાકની ઝડપે કાર દોડાવે છે. 7 વર્ષની નાની ઉંમરથી પ્રેક્ટિસ શરૂ કરનાર જાગ્રત વર્ષનાં 294 દિવસ રેસિંગ સર્કિટ પર વિતાવે છે. અને જાગ્રત દેત્રોજાએ ભારતનું નામ યુરોપમાં ફોર્મુલા કાર્ટ રેસિંગમાં રોશન કરતા દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. જાગ્રતનું માનવું છે કે રિસ્ક સાથે જીવવાની મજા અલગ જ હોય છે.

આ મુદ્દે જાગ્રતનાં પિતા મયુર દેત્રોજાએ જણાવ્યું હતું કે, તેમના પુત્રને 7 વર્ષની ઉંમરથી રેસિંગમાં રસ પડતા તેને સ્પેનના વેલેનસિયામાં સ્થાયી કર્યો હતો. અને સાથે સમગ્ર પરિવાર પણ સ્પેન રવાના થયો હતો. તેણે 7 વર્ષની ઉંમરે નેશનલ રોટેક્ષ કાર રેસિંગમાં ભાગ લીધો હતો, અને ઉત્કૃષ્ટ પદ પ્રાપ્ત કર્યું હતું. હાલ તો સમગ્ર યુરોપમાં જાગ્રત એક માત્ર ભારતીય કાર્ટ ડ્રાઈવર છે. અને અહીં યોજાતી દરેક ચેમ્પિયનશિપમાં ભાગ લઇ રહ્યો છે.

વધુમાં તેમના પિતાએ કહ્યું હતું કે, બાળકમાં રેસિંગ અંગે લગાવ જોવા મળતા અમે તેને આ ક્ષેત્રે આગળ વધારવા માટે સતત પ્રોત્સાહિત કરીએ છીએ. જાગ્રત પણ હંમેશા કહે છે કે જ્યાં પેશન અને શોખ જોડાયેલો હોઈ, ત્યાં કોઈ પ્રકારનું રિસ્ક રહેતું નથી અને જો રિસ્ક પણ હોય તો તેની સાથે જીવવાની મજા પણ અલગ જ હોય છે. દરેક રેસ ઓછામાં ઓછા 35 પ્રતિદ્વંદી સાથે યોજાય છે, જેમાં અકસ્માત થવાનો સતત ભય રહે છે. પરંતુ રેસિંગને પોતાનું કર્મ બનાવી લેનાર જાગ્રત દરેક રેસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યો છે.

માત્ર 10 વર્ષની નાની ઉંમર હોવા છતાં તે કાર્ટ પર 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવે છે. ભારત દેશમાં કાર્ટ રેસિંગ અંગે ખૂબજ ઓછી જાગૃતતા જોવા મળી રહી છે, અને જે પ્રકારે ટ્રેકનું નિર્માણ થવું જોઈએ તે પણ યોગ્ય રીતે જોવા મળતું નથી. વિદેશમાં સ્થાયી કરવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે, બાળક જે ક્ષેત્રે આગળ વધવા માગતો હોય તેને પુરતું સ્થાન મળી રહે છે. હાલ જાગ્રત વર્ષના 52 સપ્તાહમાંથી 42 સપ્તાહ એટલે કે 294 દિવસ માતા સાથે રેસિંગ સર્કિટ ઉપર જ વિતાવે છે. અને રેસ માટે તેણે યુરોપના દરેક છેડે જવું પડે છે. જાગ્રતનું એક માત્ર સ્વપ્ન પોતાનું અને પોતાના દેશનું નામ ફોર્મુલા રેસિંગ ક્ષેત્રે રોશન કરવાનું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud