• લોન માટે ફોન કરી ટેક્સનાઉ તેમજ 8*8 મોબાઇલ એપ્લિકેશન મારફતે ઇન્ટરનેટનાં માધ્યમથી કોલ અને મેસેજ કરી ચિટિંગ કરતા હતા
  • આરોપીઓએ હજારો ડોલરની છેતરપિંડી કર્યાનું તપાસમાં ખૂલ્યું છે.
  • તમામે અંગ્રેજી માધ્યમમાં ધોરણ 11 થી બી. કોમ સુધીનો અભ્યાસ કર્યો છે

WatchGujarat શહેરનાં ભાવનગર રોડ પરના સરધાર પાસે આવેલા નાનકડા હરીપર ગામમાં ચાલતા કોલ સેન્ટરનો એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે. અને અમેરિકાના નાગરિકોને લોન માટે ફોન કરી ટેક્સનાઉ તેમજ 8*8 મોબાઇલ એપ્લિકેશન મારફતે ઇન્ટરનેટનાં માધ્યમથી કોલ અને મેસેજ કરી ચિટિંગ કરતા ચાર શખ્સોને પણ ઝડપી લીધા છે. પોલીસે આ કોલ સેન્ટરમાંથી લેપટોપ, રાઉટર અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ઝડપાયેલા આરોપીઓમાં 20 વર્ષીય મનોજ સત્યરામ શર્મા, 20 વર્ષીય રતન શત્રુઘ્ન, 20 વર્ષીય વીકી સંજય સિંહ અને 21 વર્ષીય સાહિલ અરવિંદ ઓડનો સમાવેશ થાય છે. ચારેયે અંગ્રેજી માધ્યમમાં ધોરણ 11 થી બી. કોમ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેમજ અગાઉ કોલ સેન્ટરમાં નોકરીનો અનુભવ લઇ ચૂક્યા હોવાનું પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે. ઉપરાંત આરોપીઓએ હજારો ડોલરની છેતરપિંડી કર્યાનું તપાસમાં ખૂલ્યું છે.

જાણો કેવી હતી આરોપીઓની મોડસ ઓપરેન્ડી

SOG પીઆઇનાં જણાવ્યા પ્રમાણે આરોપીઓ પહેલા અમેરિકન નાગરિકોના મોબાઇલ નંબર અને ડેટા મેળવી લેતા. બાદમાં આ ડેટાની સ્ક્રિપ્ટ તૈયાર કરીને અમેરિકન નાગરિકોને પર્સનલ વિગત વેરીફાય કરી અમેરિકાની એસ.કેશ.એક્સપ્રેસ તથા સ્પીડકેશ નામની કંપનીના નામે લોન લેવા જણાવતા હતા. અને આવા નાગરિકોને ભારતમાંથી ટેક્સનાઉ તથા 8*8 વર્ક નામની મોબાઇલ એપ્લિકેશન મારફતે ઇન્ટરનેટની મદદથી કોલ તેમજ મેસેજ કરી લોન આપવાનો વિશ્વાસ આપતા હતા. બાદમાં તેમનાં પાસેના કાર્ડનો છેલ્લા ચાર આંકડાનો નંબર મેળવી વોલમાર્ટ તથા રાઇટએડના ગીફ્ટ વાઉચર ખરીદી હજારો ડોલરની છેતરપિંડી કરતા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે હાલ ચારેય આરોપીઓના કોવિડ ટેસ્ટ બાકી હોય તેનો રિપોર્ટ આવ્યા બાદ વધુ પૂછપરછ કરવામાં આવશે. જેમાં તેઓ આ કોલ સેન્ટર કેટલા સમયથી ચલાવતા હતા ? અને અત્યાર સુધીમાં કેટલા અમેરિકન નાગરિકોને શિકાર બનાવી ચુક્યા છે? તેમજ આ કૌભાંડમાં તેમની સાથે અન્ય કોની સંડોવણી છે ? સહિતના મુદ્દે વધુ પૂછપરછ કરવા માટે તમામનાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ પૂછપરછ બાદ પ્રેસ કોન્ફરન્સ યોજીને મીડિયાને વિગતો આપવામાં આવનાર હોવાનું પણ પોલીસ દ્વારા જણાવાયું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud