• ગત મોડીરાત્રે કુવાડવા રોડ પરથી પેટ્રોલ ભરેલું એક ટેન્કર પસાર થઈ રહ્યું હતું
  • સામેથી આવી રહેલા એક ટ્રક સાથે આ ટેન્કરની ધડાકાભેર ટક્કર થતા આગ ભભૂકી ઉઠી
  • ફાયર ફાઈટરો મહામહેનતે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો

WatchGujarat. શહેરનાં કુવાડવા રોડ પરનાં સાત હનુમાન મંદિર નજીક અકસ્માતની એક ઘટના સામે આવી છે. જેમાં પેટ્રોલથી ભરેલા એક ટેન્કર સાથે ટ્રકની જોરદાર ટક્કર થઈ હતી. તેમજ અકસ્માત થતા જ ધડાકાભેર આગ ભભૂકી ઉઠી હતી. જેમાં ટ્રક અને ટેન્કર બંને આ આગની લપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો દોડી ગયો હતો. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આ દરમિયાન ટ્રકમાં રહેલા ક્લીનર સહિત બે લોકો ગંભીર રીતે દાઝી જતા તેઓને સારવાર માટે ખસેડાયા હતા. આ પૈકી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય વ્યક્તિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળી રહેલી વિગતો અનુસાર ગત મોડીરાત્રે કુવાડવા રોડ પરથી પેટ્રોલ ભરેલું એક ટેન્કર પસાર થઈ રહ્યું હતું. દરમિયાન સામેથી આવી રહેલા એક ટ્રક સાથે આ ટેન્કરની ધડાકાભેર ટક્કર થતા આગ ભભૂકી ઉઠી હતી. ટેન્કરમાં પેટ્રોલ હોવાને કારણે જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. જો કે આ સમયે ત્યાં હાજર લોકો પૈકી કોઈએ જાણ કરતા જ ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને મહામહેનતે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.

જો કે આ દરમિયાન ટ્રકનાં ક્લીનર સહિત બે વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેને લઈને 108 મારફત બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલનાં બર્ન્સ વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ટૂંકી સારવાર બાદ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલનાં તબીબોએ જણાવ્યું છે. બીજીતરફ આ અકસ્માત કઈ રીતે સર્જાયો તેની વિગતો મેળવવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. અને પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ જ આ અકસ્માતનું સાચું કારણ જાણી શકાશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud