• ગઈકાલે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ટ્રોમા સેન્ટરનાં વોર્ડમાં ‘લીલા નારિયેળ અંદર લાવવા નહીં’નું બોર્ડ લગાવ્યું
  • સિવિલ હોસ્પિટલના સત્તાધીશોનાં વિચિત્ર નિર્ણયને લઈ ફરી એકવાર ફજેતો થયો
  • ‘લીલા નારિયેળ હેલ્ધી છે, પણ હેવી વસ્તુ છે, વોર્ડમાં કોઇની ઉપર પડે કે કોઇ ફેંકે તો ઈજા થઈ શકે – સુપ્રિટેનડેન્ટ ડો. આર. એસ. ત્રિવેદી

Watchgujarat. શહેરની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. અહીં દર્દી માટે ગુણકારી ગણાતા ‘લીલા નાળિયર અંદર લાવવા નહીં’ તેવા બોર્ડ લાગ્યા હતા. એટલું જ નહીં સિવિલ અધિક્ષકે પણ તેનાથી ઇજા થવાની શક્યતાને કારણે આવો પ્રતિબંધ મૂક્યો હોવાનું જણાવ્યું હતું. જો કે આ અંગેના અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થતા જ આ બોર્ડ ઉતારી લેવામાં આવ્યા હતા.

જાણવા મળતી વિગત અનુસાર, ગઈકાલે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ટ્રોમા સેન્ટરનાં વોર્ડમાં ‘લીલા નારિયેળ અંદર લાવવા નહીં’નું બોર્ડ લગાવ્યું હતું. આ અંગે રાજકોટની સિવિલએકમાત્ર એવી હોસ્પિટલ છે, જેણે લીલા નારિયેળ પર પ્રતિબંધ લગાવવાનો વિચિત્ર નિર્ણય લીધો હતો. જેને લઈને મીડિયા દ્વારા આ અંગે અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હતાં. અને વાત વાયુવેગે ફેલાઈ હતી. જેને લઈને હોસ્પિટલનાં તંત્રની સામે અનેક સવાલો ઉભા થયા હતા. અને તાત્કાલિક આ બોર્ડ ઉતારી લેવાની ફરજ પડી હતી.

આ અંગે સિવિલ સુપ્રિટેનડેન્ટ ડો. આર. એસ. ત્રિવેદી દ્વારા જણાવાયું હતું કે, ‘લીલા નારિયેળ હેલ્ધી છે, પણ હેવી વસ્તુ છે, વોર્ડમાં કોઇની ઉપર પડે કે કોઇ ફેંકે તો ઈજા થઈ શકે. આ કારણે દર્દીઓની સુરક્ષાને ધ્યાને લઈને લીલા નારિયેળ ન લઈ જવા કહેવાયું છે.’ લીલા નારિયેળનો ઉપયોગ ફેંકીને કોઈને મારવા પણ થઈ શકે છે. જેને લઈને સુરક્ષાનાં કારણે આ નિર્ણય લેવાયો હોવાનું રટણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સિવિલ ખાતે ચુસ્ત સિક્યુરિટી બંદોબસ્ત 24 કલાક હોય છે. તેમજ આ માટે એજન્સીને વર્ષે કરોડો રૂપિયા ચૂકવાય છે. તો પછી સુરક્ષા માટે આવા તર્ક વગરનાં નિર્ણય લેવાની શું જરૂર પડી જેવા સવાલો લોકોમાં ઉઠયા હતા. બાદમાં આ બોર્ડ કાઢી લેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, નારિયેળ અત્યંત ગુણકારી ફળ છે એનો ઉપયોગ જુદી-જુદી રીતે થાય છે જેમાં સૌથી વધુ ગુણકારી નારિયેળનું પાણી છે. અને નારિયેળ પાણીને ધરતીનું અમૃત કહેવાય છે. તેમાં ઇલેક્ટ્રોલાઇટ્સ પણ ભરપૂર માત્રામાં હોવાથી શરીરને પૂરતું હાઇડ્રેટ રાખીને જરૂરી મિનરલ્સ પૂરાં પાડે છે. જે શરીરના હલનચલન અને મગજની કામગીરી માટે અત્યંત આવશ્યક હોય છે. ત્યારે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોનાં વિચિત્ર નિર્ણયને લઈ ફરી એકવાર ફજેતો થયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud