• રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને તૈયારીઓ થઈ ચૂકી છે
  • વેકસિનેશન અંગે જિલ્લામાં કાર્યરત તમામ ઉદ્યોગોનાં કામદારોને વેકસીન મળે તે વ્યવસ્થા માટે ઉદ્યોગકારો સાથે બેઠક યોજવામાં આવી
  • કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને વધુ ખતરો હોવાથી શહેર-જિલ્લામાં બાળ રોગ નિષ્ણાંત તબીબોની યાદી તૈયાર કરવામાં આવી

Watchgujarat. કોરોનાની ત્રીજી લહેર અને વેકસીનેશન માટે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીઓ મુદ્દે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરને લઈને જિલ્લામાં કયા પ્રકારની તૈયારીઓ છે તે અંગેનો અહેવાલ સીએમ રૂપાણીને સોંપવામાં આવશે. સાથે જ દિવ્યાંગો સહિતનાં વેકસીનેશન મામલે પણ મહત્વની જાણકારી આપી હતી. ઉપરાંત કોરોનાથી બચવા માટે વેકસીનેશન એકમાત્ર ઉપાય હોવાનું કહી વધુમાં વધુ લોકોને રસીકરણ કરાવવા અપીલ કરી છે.

કલેક્ટર રેમ્યા મોહનનાં જણાવ્યા મુજબ, રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને તૈયારીઓ થઈ ચૂકી છે. કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને વધુ ખતરો હોવાથી શહેર-જિલ્લામાં બાળ રોગ નિષ્ણાંત તબીબોની યાદી તૈયાર કરવામાં આવી છે. બેડની વ્યવસ્થા અને ખાનગી અને સરકારી તબીબો માટેની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. તો સાથે જ વેકસિનેશન અંગે જિલ્લામાં કાર્યરત તમામ ઉદ્યોગોનાં કામદારોને વેકસીન મળે તે વ્યવસ્થા માટે ઉદ્યોગકારો સાથે બેઠક યોજવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

જિલ્લા કલેકટર સાથે ઉદ્યોગકારો અને સાથે નહેરુ યુવા કેન્દ્રની બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ઔદ્યોગિક એકમમાં કામ કરતાં કામદારો અને સાથે યુવાનોમાં વેક્સિન અંગે જાગૃતિ આવે તે માટેની ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરનાં જણાવ્યા અનુસાર હાલ જિલ્લામાં કોરોના વેકસીનેશનને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જેને લઈને જિલ્લામાં કાર્યરત ઉદ્યોગોનાં એક લાખ જેટલા કામદારોને વેકસીન મળે તે વ્યવસ્થા માટે ઉદ્યોગકારો સાથે આ બેઠક યોજવામાં આવી છે. બેઠકમાં તમામને નોકરીના સ્થળે જ વેકસીનેશન મળે તેવી ગોઠવણ કરવામાં આવી હોવાનું પણ તેમણે કહ્યું છે.

આ ઉપરાંત ઇન્ટરનેશનલ એરપોર્ટ નું કામ ગતિમાં છે. અને નિયત સમયમાં કામ પુરૂ થવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે. સાથે વોકળા ઉપર બ્રિજ માટે જરૂરી કામ ઓથોરિટી દ્વારા કરવામાં આવનાર હોવાનું કહી એરપોર્ટનાં ફંડ માટે રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud