• શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ત્રીજી લહેરને રોકવા માટે વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ પ્રયાસો શરૂ
  • આગામી તારીખ 30 સુધી જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર નગરપાલિકા સહિતનાં જિલ્લાના તમામ તાલુકામાં કલેકટર અને નગરપાલિકાની ટીમો ચેકીંગ કરશે
  • એઈમ્સમાં રાજયભરમાંથી દર્દીઓ આવે તે સંદર્ભે રેલ્વે સાથે મળી મહત્વનું પ્લાનીંગ ચાલી રહ્યું છે

Watchgujarat. શહેર અને જિલ્લામાં વેકસીનેશન વધારવા કલેક્ટરે એક્શન પ્લાન ઘડયો છે. જે અંતર્ગત એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામામાં જણાવ્યા મુજબ જિલ્લાની તમામ 6 પાલિકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વેપાર ધંધો કરવા માટે નાના-મોટા વેપારીઓએ રસી લેવાનું ફરજીયાત કરાયું છે. તેમજ જે વેપારી રસી નહીં લે તેણે દર 10 દિવસે RTPCR ટેસ્ટ કરાવવો ફરજીયાત હોવાનું જણાવાયું છે.

આ અંગે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ત્રીજી લહેરને રોકવા માટે વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ પ્રયાસો કરવામાં આવે છે. સંક્રમણ રોકવા વેકસીનેશન અત્યંત જરૂરી હોવાથી હવે શાકભાજીના છુટક તેમજ જથ્થાબંધ વિક્રેતા અને ખાણીપીણીનાં લારી-ગલ્લાવાળા, હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરતા કર્મચારી, રીક્ષા-ટેક્ષી-કેબ ઉપરાંત ભાડેથી ફરતા વાહનોના ડ્રાઈવર-કલીનર, પાનના ગલ્લા,’ચા’ની દુકાન, હેરસલુન,બ્યુટીપાર્લર, ખાનગી સિકયુરીટી એજન્સીનો સ્ટાફ, સ્વરોજગાર મેળવતા સુથાર, લુહાર, ઈલેકટ્રીશીયન, પલંબર, ટેકનીશયનો, સાથે જ શોપીંગમોલ કે કોમ્પલેક્ષમાં ધંધો-નોકરી કરતા વેપારી માટે વેકસીન ફરજીયાત કરવામાં આવી છે. એમ છતાં કોઈને વેકસીન ન લેવી હોય તો ગ્રામ્ય વિસ્તારમાં 10 દિવસે તેઓએ કોવીડ નેગેટીવ હોવાનો રીપોર્ટ આપવો પડશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજથી લઈ આગામી તારીખ 30 સુધી જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર નગરપાલિકા સહિતનાં જિલ્લાના તમામ તાલુકામાં કલેકટર અને નગરપાલિકાની ટીમો ચેકીંગમાં ઉતારવામાં આવશે. અને જે વેપારીઓ પાસે રસીનું પ્રમાણપત્ર નહી હોય તેવા વેપારીઓને ધંધો કરવા દેવામાં આવશે નહી. તેમજ આ ચેકીંગની ટીમો સાથે માથાકુટ કરનાર વેપારીઓ સામે એપેડેમીક ડીસીઝ કોવીડ એકટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ કાર્યવાહી કરવા પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

કોરોનાની ત્રીજી લહેર રોકવાનાં પ્રયાસ અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, આ માટે નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા ખાસ રાજકોટ આવી રહ્યા છે. આ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા સરકારી અને પ્રાઈવેટ ડોકટરો સાથે દિવસભર મીટીંગ યોજવામાં આવશે. આ મીટીંગમાં બેડ – ઓક્સિજન સહિતની જરૂરિયાતો અંગે તૈયારી કરવામાં આવનાર છે. તો AIIMS વિશે તેમણે કહ્યું હતું કે, એઈમ્સમાં રાજયભરમાંથી દર્દીઓ આવે તે સંદર્ભે રેલ્વે સાથે મળી મહત્વનું પ્લાનીંગ કરાઈ રહ્યું છે. ખંઢેરી રેલ્વે સ્ટેશનને વધુ સુવિધાયુકત બનાવવા માટે વહીવટી તંત્ર અને રેલ્વે વચ્ચે મીટીંગ યોજાઈ છે. જે અંતર્ગત એઈમ્સ માટે જ પરાપીપળીયાનો 7 મીટરનો રોડ 10 મીટરનો કરવા કવાયત શરૂ કરવામાં આવી છે. તેમજ રૂડાનો ડી.પી. રોડ પણ ડેવલપ કરવા અંગે આજે માર્ગ – મકાનના સુપ્રિટેન્ડેન્ટ અને એજ્યુકેટીવ ઈજનેર સાથે મિટિંગ યોજાનાર હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud