• લોકડાઉન થતા 3 મહિના રેલવે સ્ટેશન સહિત બધું જ બંધ હતું
  • લોકડાઉન અગાઉ દરરોજ 30થી વધારે ટ્રેનો રાજકોટ રેલવે સ્ટેશન પર આવતી હતી. જેમાં કુલીઓને દૈનિક 500થી 600 રૂપિયા મહેનતાણું મળી જતું
  • અમારે સગા સંબંધીઓ તેમજ મિત્ર સર્કલ પાસેથી ઉછીના પૈસા લઈને ઘરનું ગુજરાન ચલાવું પડી રહ્યું – સુરેશભાઇ, કુલી

Watchgujarat. ભારતમાં કોરોનાની પરિસ્થિતિએ અર્થતંત્રને ખુબ જ નુકશાન પહોંચાડયું છે. અને છેલ્લા બે વર્ષમાં અનેક લોકોના કામ ધંધા બંધ થયા છે. જ્યારે મોટા ભાગની ઇન્ડસ્ટ્રીઓ પણ હાલ ઓછા કર્મચારીઓથી ચાલી રહી છે. મધ્યમ તેમજ સામાન્ય વર્ગના લોકોની હાલ જીવવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે. એવામાં રેલવે સ્ટેશન પર કામ કરતાં કુલીઓની સ્થિતિ પણ ખૂબ જ કફોડી બની છે. અગાઉ રેલવે સ્ટેશન પર 45 જેટલા કુલીઓ કામ કરતા હતા. પરંતુ લોકડાઉન થયા બાદ હાલ માત્ર 18થી 20 જ કુલીઓ કામ પર આવી રહ્યા છે. બાકીનાં કુલીઓએ અલગ અલગ જગ્યાએ કામ કરવાનું શરૂ કરી દીધું છે. હાલ લોકોનો સામાન ઉપાડનારા કુલીઓ ઘરનો બોજ ઉઠાવી શકતા નથી. અને વ્યાજે રૂપિયા લઈ ગુજરાન ચલાવવા મજબૂર બનતા પોતાને વર્ગ-4માં સમાવવા તેઓએ માંગ કરી છે.

લોકડાઉન થતા 3 મહિના રેલવે સ્ટેશન સહિત બધું જ બંધ હતું. ત્યારે આ કુલીઓને ઘર ચલાવવા ખૂબ જ મુશ્કેલ બન્યા હતા. લોકડાઉન અગાઉ દરરોજ 30થી વધારે ટ્રેનો રાજકોટ રેલવે સ્ટેશન પર આવતી હતી. જેમાં કુલીઓને દૈનિક 500થી 600 રૂપિયા મહેનતાણું મળી જતું હતું, પરંતુ સંપૂર્ણ લોકડાઉન થયું ત્યારે ત્રણથી ચાર મહિના તો રેલવે સ્ટેશન બંધ રહ્યું હતું અને ત્યારબાદ હાલ મીની લોકડાઉન જેવી પરિસ્થિતિમાં રાજકોટ રેલવે સ્ટેશન પર માત્ર 8થી 10 જેટલી ટ્રેન આવે છે. જેમાં કુલીઓ માત્ર 200થી 300 રૂપિયા દૈનિક મહેનતાણું મળે છે. એટલે કે કહી શકાય છે કે અડધાથી પણ વધુ મહેનતાણું લઈને હાલ કુલીઓ પોતાનું ઘર ચલાવી રહ્યા છે.

રાજકોટ રેલવે સ્ટેશન પર છેલ્લા દસ વર્ષથી કામ કરતા મૂળ રાજસ્થાનના સુરેશભાઇ નામના કુલીએ જણાવ્યું હતું કે, કોરોનાને લઈને કુલીઓને પરિસ્થિતિ કફોડી બની છે. હાલ કંઈ ધંધો ન હોવાના કારણે મોટાભાગના કુલીઓ અલગ અલગ જગ્યાએ કામ પર લાગી ગયા છે. ત્યારે અગાઉ વર્ષ 2008માં કેન્દ્રીય પ્રધાન રેલવેપ્રધાન લાલુ પ્રસાદ યાદવે જે કુલીઓને ગ્રુપ ડીમાં સમાવેશ કર્યો હતો. તેવો જ હાલની કોરોનાની પરિસ્થિતિમાં અમારો પણ સમાવેશ કરે તો અમારી રોજગારી કાયમી થઈ શકે છે. જ્યારે અત્યારે પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે અમારે સગા સંબંધીઓ તેમજ મિત્ર સર્કલ પાસેથી ઉછીના પૈસા લઈને ઘરનું ગુજરાન ચલાવું પડી રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud