• રાજકોટ શહેરની સરકારી જમીનોમાં ગેરકાયદેસર ખડકાયેલા બાંધકામો તોડી પાડવા તંત્ર દ્વારા પ્રક્રિયા હાથ ધરાઇ
  • કોઠારીયામાં મેગા ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરીને રૂ. 17 કરોડની સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી
  • એક સામાન્ય માણસને વીજ કનેક્શન લેવા માટે એક મહિના સુધી ધક્કે ચડાવતા વીજ તંત્રને એવી તો શું મજબૂરી હશે કે દબાણવાળી જગ્યામાં જ વીજ કનેક્શન આપવા પડ્યા ?

WatchGujarat.  શહેરનાં કોઠારીયા સોલ્વન્ટ નજીક સરકારી જમીન પર દબાણ થતા જિલ્લા વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. અને આજે મેગા ડીમોલેશન હાથ ધરાયું હતું. જેમાં સરકારી પર કરવામાં આવેલા દબાણો દૂર કરી 5,000 ચોરસ મીટર જમીન ખુલી કરવામાં આવી હતી. આ અંગની તપાસમાં બે ભૂ માફિયાઓ દ્વારા સરકારી જમીનમાં કારખાના માટે શેડ-દુકાનો બનાવી વેંચી નાખી હોવાનું સામે આવ્યું છે. જેને લઈને બંને ભુમાફિયા સામે તપાસનાં આદેશ અપાયા છે.

આ અંગે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોઠારીયા ગામનાં સરકારી ખરાબાના સર્વે. 352 પૈની જમીનમાં રાજકોટ તાલુકાના કોઠારીયા ગામની યુ.એલ.સી. ફાજલ જમીન સ.નં. 262 પૈકીની જમીન આશરે 5245 ચો.મી. પૈકી જમીનોમાં 29 જેટલા શેડ તૈયાર કરવામાં આવ્યા હતા. હાલ કોઠારીયામાં મેગા ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરીને રૂ. 17 કરોડની સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. રાજકોટ શહેરની સરકારી જમીનોમાં ગેરકાયદેસર ખડકાયેલા બાંધકામો તોડી પાડવા તંત્ર દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત હાલ શહેરના વિવિધ વિસ્તારોમાં આવા ગેરકાયદે બાંધકામના આઇડેન્ટિફિકેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તબક્કાવાર ડીમોલીશન હાથ ધરી સરકારી જમીનો ખુલ્લી કરવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બે ભુમાફિયાઓ આ પ્રકારે સરકારી જમીનમાં દબાણો કરી 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી વેંચી નાખતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓની આ મોડસ ઓપરેન્ડી હોય હાલ તેમના વિરુદ્ધ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા આ પ્રકરણમાં વિજબીલ સહિતના પુરાવાઓ હસ્તગત કરીને નિવેદનો નોંધવાની પ્રક્રિયા ચાલુ છે. અને ટૂંક સમયમાં ફોજદારી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ આ મામલે એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ થાય તેવી પૂરતી શક્યતા હોવાનું તેમણે કહ્યું છે. જો કે તેઓએ ભુમાફિયાનાં નામ કહેવાનું ટાળ્યું હતું. પણ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ચંદુભાઈ કોઠીયા અને સુખાભાઈ ટીલાળા નામના બે શખ્સો દ્વારા આ કારસ્તાન થયું હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કોઠારીયામાં સરકારી જમીન ઉપર દબાણ ખડકીને તેમાં શેડ બનાવવામાં આવ્યા હતા. જો કે આશ્ચર્યની વાત  એ હતી કે, શેડમાં વીજ કનેક્શન પણ હતા. એક સામાન્ય માણસને વીજ કનેક્શન લેવા માટે એક મહિના સુધી ધક્કે ચડાવતા વીજ તંત્રને એવી તો શું મજબૂરી હશે કે દબાણવાળી જગ્યામાં જ વીજ કનેક્શન આપવા પડ્યા ? જો કે આ બનાવથી એવી પણ ચર્ચા જાગી છે કે વીજ તંત્ર પણ ફૂટેલુ છે. આ દબાણકર્તાઓએ તેઓને રાજી કર્યા હોય તો જ ત્યાં કનેક્શન લાગી શકે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud