• પાલિકા દ્વારા તાજેતરમાં મોટી કિંમતે પ્લોટની હરાજી કરવામાં આવી હતી
  • લગડી જેવો અનામત પ્લોટ માત્ર રૂ. 118 કરોડમાં વેંચાયો હતો. જેને લઈને જે-તે સમયે બિલ્ડરને ફાયદો કરાવ્યો હોવાની ચર્ચા
  • પાલિકા દ્વારા વેચી મારવામાં આવેલા પ્લોટના મુળ માલિકે નોટીસ ફટકારતા મામલો સામે આવ્યો
  • મનપાએ ભારે સિફતપુર્વક અને ઉતાવળે વેંચી મારેલા પ્લોટનો આ ‘સોદો’ કાનૂની વિવાદમાં આવી ગયો

WatchGujarat. શહેરનાં પોષ વિસ્તાર ગણાતા નાનામૌવા ચોકના કોર્નર પર આવેલા કથિત મહાનગરપાલિકાનાં એક પ્લોટની ત્રણેક મહિના પહેલા ઓનલાઈન હરાજી કરવામાં આવી હતી. જેમાં અંદાજે 250 કરોડથી વધુ બજાર કિંમતનો ગણાતો 9,438 ચો.મીટરનો લગડી જેવો અનામત પ્લોટ માત્ર રૂ. 118 કરોડમાં વેંચાયો હતો. જેને લઈને જે-તે સમયે બિલ્ડરને ફાયદો કરાવ્યો હોવાની ચર્ચા ચાલી હતી. ત્યારે હવે આ પ્લોટ મનપાની મલિકીનો જ નહીં હોવાનો આક્ષેપ કરાયો છે. એટલું જ નહીં આ જમીન રિર્ઝવેશનના હેતુસર મુળ ખાતેદારે સરકારને આપી હતી. જે હેતુથી આપી હતી તેમા ચેડાં કરીને કોમર્શિયલ હેતુથી વેંચી મારવાની સતા કે માલિકી હક્ક મનપા પાસે નહીં હોવાનું જણાવાયું છે. આ માટે મુળ ખાતેદારના વારસદારોએ કાનૂની જંગના મંડાણ કર્યા છે. આ પ્રકરણમાં અન્ય એક આસામીએ પણ વેંચાણ કરેલા પ્લોટમાં 800 મીટર પોતાની માલિકીની હોય મનપા આ રીતે રિઝર્વેશન હેતુનો પ્લોટ વેંચી ન શકે તેવી દાદ અદાલતમાં માંગી મનપાને નોટિસ ફટકારવામાં આવી છે.

જાણવા મળતી વિગત અનુસાર, નાનામૌવા ચોકમાં પેટ્રોલ પમ્પની બાજુમાં આવેલો 9,438 ચો.મીટરનાં લગડી જેવા પ્લોટનાં વેંચાણમાં વિવાદ થયો છે. કુલ રૂ.118.16 કરોડની કિંમતની આ જમીનની ઓનલાઇન હરાજી રાખવામા આવી હતી. જેમાં ‘ઓમ નાઇન સ્ક્વેર એલ.એલ.પી, ગોપાલ’ નામથી રજીસ્ટર્ડ બિલ્ડર પેઢીએ આ કિંમતી પ્લોટ ખરીદ્યો છે. કુલ 11, 444 ચો.મી. પ્લોટ એરિયામાંથી મનપાએ વેંચેલી જમીન પૈકી 800 ચો.મી.ની માલિકી સંજયસિંહ ઇન્દ્રવિજયસિંહ જાડેજા વગેરેની માલિકીની હોવાનું કહીને આસામીએ પોતાના વકિલ રાઘવજી ઘેલાણી મારફતે અદાલતમાં દાદ માગી છે. ગુજરાત અર્બન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ 1976 હેઠળ કાયદાના ઓટા અર્થઘટન કરીને રિઝર્વેશન પ્લોટની હરાજીથી વેંચાણની સતા મનપા પાસે ન હોવાનું કહીને કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.

ત્રણેક મહિના પહેલા જ્યારે આ જમીન હરાજીથી વેંચવામા આવી ત્યાંરે મુળ ખાતેદારના વારસદારો રાજેશભાઇ ઠાકરશીભાઇ પરસાણા, જયેશભાઇ ઠાકરશીભાઇ પરસાણા, વિજયભાઇ ઠાકરશીભાઇ પરસાણા અને અલ્કાબેન ઠાકરશીભાઇ પરસાણાએ એવો દાવો કર્યો હતો કે, નાના મવા રેવન્યુ સર્વે નં.30 પૈકીની 28-05 ગુંઠ જમીન પરિવારના દેવશીભાઇ વશરામભાઇ પરસાણા વગેરે પ્રમોલગેસનગથી ધરાવતા હતા. ઉક્ત વારસદારોના પિતા સ્વ. ઠાકરશીભાઇ દેવશીભાઇ પરસાણા તથા કુંટુંબના અન્ય વડિલો વચ્ચે ઘરમેળેથી વહેચણી સમજૂતી થઇ હતી.

તેના દસ્તાવેજી પુરાવા અને કાચી નોંધ સાથે વાંધા ઉપસ્થિત કરવામા આવતા મામલતદાર દ્વારા તકરારી કેસ નં.2/1996ના કામમાં તા.10-4-2000ના રોજ પસાર કરવામા આવેલ હુકમ અન્વયે સર્વે નંબર 30 પૈકી 7-01 ગુંઠા જમીન મુળ ખાતેદારના વારસદાર રાજેશભાઇ, જયેશભાઇ, વિજયભાઇ તેમજ અલ્કાબેન પરસાણા અને સ્વ.મંગળાગૌરી ઠાકરશીભાઇ પરસાણાની માલિકીની ઠરાવી આપવામા આવી હતી. ત્યારબાદ ટાઉન પ્લાનીંગ સ્કીમ નં.3(નાના મવા) હેઠળ આ જમીન આવરી લેવામા આવ્યા બાદ તેને ઓરીજીનલ પ્લોટ નં.1 અને ફાઇનલ પ્લોટ નં.2 આપવામા આવ્યો હતો.

કુલ જમીન 113819 ચો.મી.માંથી 7763 ચો.મી. સ્વ. દેવશીભાઇ વશરામભાઇના સઘળા વારસદાર અને ખાતેદારની માલિકીની ગણવામા આવેલ. મનપાએ જે પ્લોટનું વેંચાણ કર્યુ છે તે ગુજરાત હાઉસીંગ બોર્ડ માટે રિઝર્વેશન રાખવામા આવેલી હતી. જે આજદિન સુધી એ હેતુ માટે ઉપયોગ ન થયો. અને કોમર્શિયલ હેતુનો ગણાવીને વેંચી મારવાનો કારસો થયો હતો. આમ નાના મૌવા જમીન વેંચાણને લઇ મનપા ચારે બાજુથી ઘેરાઇ ગઇ છે. બે આસામીએ મનપાને કોર્ટમાં ઢસડી જવાનો ઇરાદો વ્યક્ત કરતા વિવાદ વધુ વકર્યો છે.

બીજીતરફ મનપાનાં ટીપીઓ સાગઠીયાનાં જણાવ્યા મુજબ, આ જમીન વેચાણમાં કોઇ કાર્યવાહી નિયમ વિરૂઘ્ધ નથી. મનપાએ ચોકના ખૂણા પરના 11,444 ચો.મી.ના વિશાળ પ્લોટનું ઇ-ઓકશન કર્યુ હતું. જેમાં ઇતિહાસની સૌથી મોટી આવક થઇ હતી. જયારે નાનામૌવા રૂડામાં આવતુ હતું ત્યારની સ્થિતિએ આ પ્લોટ સરકારે જ સોંપ્યો હતો. બાદ મનપાને જગ્યા મળતા કાયદેસર હરાજી કરી છે. તેમાં કોઇ વિવાદ નથી અને જગ્યા ખરીદનાર પાર્ટીએ 10 ટકા લેખે પ્રથમ હપ્તો પણ ભરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે, બિલ્ડર લોબીના કહેવા મુજબ 150 ફૂટ રિંગરોડ ટચ એવો આ મોંઘેરો પ્લોટ સસ્તામાં જ ફૂંકી મારવામા આવ્યો છે. પ્લોટની અપસેટ પ્રાઇઝ જ પહેલેથી બજાર ભાવથી 50 ટકા જેટલી સસ્તી રખાઈ હતી. અહીં વારનો ભાવ ઓછામાં ઓછા રૂ.બે થી સવા બે લાખ ગણી શકાય. જેની સામે એક વારના માત્ર  રૂ.1 લાખમાં જ વેંચાયો છે. મનપાએ ભારે સિફતપુર્વક અને ઉતાવળે વેંચી મારેલા પ્લોટનો આ ‘સોદો’ કાનૂની વિવાદમાં આવી ગયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud