• 400 દર્દીઓ પૈકી 20 ટકા દર્દીઓને એસ્પરઝિલસ ફૂગથી ફેફસાંમાં ઇન્ફેક્શન થયું હોવાનું સામે આવ્યું
  • એસ્પરઝિલસ ફૂગના રોગની સારવાર મોટા ભાગે હોરિકોનાઝોલ ટેબ્લેટથી થાય છે
  • એસ્પરઝિલસ ફૂગમાં ન્યુમોનિયા જેવાં જ લક્ષણો જોવા મળતાં હોય છે

Watchgujarat. શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટયા બાદથી એક પછી એક નવા રોગનાં દર્દીઓ સામે આવી રહ્યા છે. ત્યારે મ્યુકરમાઇકોસીસ તેમજ ગેંગરીન બાદ હવે એસ્પરઝિલસનું જોખમ વધતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં આ ફૂગનાં 100થી વધુ દર્દીઓ નોંધાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે તો કોરોના બાદ 20થી 40 દિવસ પછી દર્દીઓને આ ફૂગ થવાની શક્યતા છે. જોકે તેની સારવારનો ખર્ચ મ્યુકર કરતા ઘણો ઓછો હોય છે.

જાણવા મળતી વિગત મુજબ, હાલમાં એસ્પરઝિલસ ફૂગનાં સિવિલમાં 100થી વધુ કેસ છે. 400 દર્દીઓ પૈકી 20 ટકા દર્દીઓને એસ્પરઝિલસ ફૂગથી ફેફસાંમાં ઇન્ફેક્શન થયું હોવાનું સામે આવ્યું છે. એસ્પરઝિલસ ફૂગથી ફેફસાંમાં ફેલાતા પોસ્ટ કોવિડ ઈન્ફેક્શનું પ્રમાણ ડબલ થયું હોવાનું પણ સામે આવ્યું છે.  નિષ્ણાતોનું કહેવું છે કે, આ રોગ મ્યુકોરમાઇકોસિસ જેટલો ઘાતક નથી. પરંતુ એની વહેલી તકે સારવાર કરાવવી જરૂરી છે, નહિ તો એસ્પરઝિલસ પણ ઘાતક સાબિત થઇ શકે છે.

જો કે તબીબી સૂત્રો અનુસાર આવા રોગની સારવાર મોટાભાગે ટેબ્લેટથી જ થઈ જતી હોય છે. પરંતુ આ ટેબ્લેટ પણ મોંઘીદાટ આવે છે. એસ્પરઝિલસ ફૂગના રોગની સારવાર મોટા ભાગે હોરિકોનાઝોલ ટેબ્લેટથી થાય છે. જેની એક ટેબ્લેટની કિંમત અંદાજિત 700થી 800 રૂપિયા છે. આ ટેબ્લેટ દિવસમાં બે વખત લેવાની રહે છે. આ ફૂગની સારવાર 21 દિવસ સુધી ચાલે છે. લક્ષણોની વાત કરીએ તો આ ફૂગમાં ન્યુમોનિયા જેવાં જ લક્ષણો જોવા મળતાં હોય છે. જેમાં દર્દીઓને તાવ આવવો, કફ, કફમાં લોહી આવવું વગેરે મુખ્ય છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

એસ્પરઝિલસ રોગના નિદાન માટે દર્દીના કફનું સેમ્પલ લીધા બાદ રિપોર્ટ કરવામાં આવે છે. જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, અસ્થમા હોય, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવેલા હોય તેવા લોકોને એસ્પરઝિલસ થવાના ચાન્સ વધુ પ્રમાણમાં જોવા મળતા હોવાનું પણ ડોક્ટરો જણાવી રહ્યા છે. હાલ તો એસ્પરઝિલસનાં તમામ દર્દીઓની સ્થિતિ સામાન્ય હોવાનું હોસ્પિટલનાં સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. જો કે વધુ એક નવો રોગ સામે આવતા લોકોની સાથે તંત્રમાં પણ દોડધામ મચી ગઇ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud