• ગૌ રક્ષકોએ રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો
  • કેટલાક ગૌરક્ષકોએ પોતના લોહીથી ‘ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો’નું લખાણ પણ લખ્યું
  • કેન્દ્ર સરકારે પોતાના ચૂંટણી ઢંઢેરામાં રામ મંદિર મુદ્દો, કશ્મીરમાં 370 નાબૂદનો મુદ્દો અને ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવાનો મુદ્દો આપ્યો
  • ભગવતીપરાના મિયાણાવાસની ઓરડીમાં ગેરકાયદે કતલખાનું ધમધમતું હોવાની તેમજ અહીં ગૌમાંસ પણ હોવાની બાતમી ગૌરક્ષકોને મળી
  • હુસૈન ગૌમાંસ બીજે ક્યાંયથી લાવતો હતો કે જ્યાંથી માંસ મળ્યું ત્યાં જ કતલ કરતો હતો? તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી
Gujarat, Rajkot
Gujarat, Rajkot

Watchgujarat. શહેરમાં આજરોજ વિવિધ સંસ્થાઓ દ્વારા ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે ઉગ્ર દેખાવો સાથે રજૂઆત કરવામાં આવી હતી. આ તકે અમુક ગૌરક્ષકોએ તો પોતાનું લોહી રેડી આ માંગ લખી હતી. સાથે જ ગૌરક્ષકોએ પોતાની માંગને લઈ કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. જેને પગલે થોડો સમય માટે માહોલ ઉગ્ર બની ગયો હતો. તો બીજીતરફ શહેરનાં ભગવતીપરા વિસ્તારનાં જાહેર શૌચાલય પાસે 100કિલો ગૌમાંસનો જથ્થો મળી આવતા પોલીસ ત્યાં દોડી ગઈ હતી. અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

આજરોજ રાજકોટના ગૌ રક્ષકોએ રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જેમાં કેટલાક ગૌરક્ષકોએ પોતના લોહીથી ‘ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો’નું લખાણ પણ લખ્યું હતું. તેમજ વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી જિલ્લા કલેક્ટરને લેખિત આવેદન પાઠવવામાં આવ્યું હતું.

આ અંગે ગૌરક્ષક કલ્પેશ ગમારા અને કાના કુબાવતે જણાવ્યુ કે કેન્દ્ર સરકારે પોતાના ચૂંટણી ઢંઢેરામાં રામ મંદિર મુદ્દો, કશ્મીરમાં 370 નાબૂદનો મુદ્દો અને ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવાનો મુદ્દો આપ્યો હતો. જેમાંથી કશ્મીર 370 કલમની નાબુદી અને રામમંદિર નિર્માણનો મુદ્દો પૂર્ણ કર્યો છે. ત્યારે વહેલી તકે ગાયને રાષ્ટ્ર્રમાતા જાહેર કરવાનો ચૂંટણી ઢંઢેરો પણ પૂરો કરવામાં આવે જેથી કરીને સમગ્ર ભારતમાંથી જે ગાયો કતલખાને જાય છે તેના પર અંકુશ લાગી શકે. આ મુદ્દાને લઈને છેલ્લા ઘણા સમયથી ગૌરક્ષક દિલ્હી ખાતે ધરણા પર બેઠા છે. જેની સરકારે અત્યાર સુધી નોંધ નથી લીધી. જો આગામી સમયમાં ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત નહિ કરવામાં આવે તો સમગ્ર ભારતભરના ગૌરક્ષકો ઉગ્ર વિરોધ નોંધાવશે.

બીજીતરફ ભગવતીપરાના મિયાણાવાસની ઓરડીમાં ગેરકાયદે કતલખાનું ધમધમતું હોવાની તેમજ અહીં ગૌમાંસ પણ હોવાની બાતમી ગૌરક્ષકોને મળી હતી. જેને લઈને પોલીસને સાથે રાખી દરોડો પાડવામાં આવતા આ ઓરડીમાંથી ગૌમાંસ મળી આવ્યું હતું. બાદમાં  FSLની ટીમોને બોલાવી પરીક્ષણ કરતાં રૂપિયા 20,000 હજારનું અંદાજીત 100 કિલો ગૌમાંસ હોવાનું સામે આવ્યું હતું.

આ સાથે જ ગેરકાયદે કતલખાનું ચલાવતાં શખ્સની પૂછતાછ કરતાં તેણે પોતાનું નામ હુસૈન જમાલભાઇ લાખાણી હોવાનું અને પોતે ભગવતીપરામાં ભાડાની ઓરડીમાં કતલખાનુ ચલાવતો હોવાનું કબૂલ્યું હતું. તેની સાથે એક સગીર પણ મળી આવ્યો હતો. પોલીસે આ મામલે હુસૈન સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. અને હુસૈન આ ગૌમાંસ બીજે ક્યાંયથી લાવતો હતો કે જ્યાંથી માંસ મળ્યું ત્યાં જ કતલ કરતો હતો? તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud