• ગોંડલનાં પ્રસિદ્ધ શ્રીરામ બિલ્ડર્સ વાળા મનસુખભાઇ ચૌહાણના એકના એક પુત્ર અજયને વીજશોક લાગતા તેનું મોત નિપજ્યું
  • અજયે સંસારમાંથી અણધારી વિદાય લેતા બંને પરિવારો આઘાતમાં સરી પડ્યા
  • પિતાની ઈચ્છા અનુસાર અત્તર છાંટીને એકદમ રાજાની માફક મૃતક અજયને તૈયાર કરી સ્મશાનયાત્રા કાઢવામાં આવી

Watchgujarat. ગોંડલમાં એક હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં દિવાળીએ જેના લગ્ન થવાનાં હતા. ને પરિવાર આ માટે તૈયારીઓ કરી રહ્યો હતો. તેવા એક યુવકને વીજશોક લાગતા જ તેનું અકાળે અવસાન થયું છે. એકના એક પુત્રનાં અચાનક મોતથી પરિવાર સુન્ન બની ગયો હતો. જોકે બાદમાં પિતાએ વરરાજાની જેમ મૃતદેહને તૈયાર કરી ફૂલોથી શણગારેલી શબવાહીનીમાં તેની અંતિમયાત્રા કાઢી હતી. અને બહેને પણ ચોધાર આંસુએ રડતા-રડતા પીઠી ચોળતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાને પગલે પરિવાર સહિત સમગ્ર શહેરમાં શોકનો માહોલ છવાયો છે.

આ કરુણ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર, ગોંડલનાં પ્રસિદ્ધ શ્રીરામ બિલ્ડર્સ વાળા મનસુખભાઇ ચૌહાણના એકના એક પુત્ર અજયને વીજશોક લાગતા તેનું મોત નિપજ્યું હતું. અજયના લગ્ન માંડણકુંડલામાં રહેતા અને શિક્ષક મગનભાઈ મોરીની પુત્રી સાથે નક્કી કરવામાં આવ્યા હતા. અજયના પિતાની ઇચ્છા મુજબ ધામધૂમથી લગ્ન કરવાના હોઇ દિવાળી પછી કરવા માટે બંને પરિવારો સહમત થયા હતા. જો કે ઈશ્વરને જાણે કંઈક ઓર મંજૂર હોય તેમ વીજશોક લાગતા અજયનું અચાનક મોત નિપજ્યું હતું. અને અજયે સંસારમાંથી અણધારી વિદાય લેતા બંને પરિવારો આઘાતમાં સરી પડ્યા છે.

જો કે અજયનાં પિતાએ વરરાજાની માફક તેની અંતિમ વિધિ કરવાનો નિર્ણય કર્યો હતો. બ્રાહ્મણોને બોલાવી અજયને સ્નાન કરાવી વરરાજાની જેમ તૈયાર કરવામાં આવ્યો હતો. હાથમાં મીંઢળ બાંધી બહેને પીઠી ચોળી  ફૂલનો હાર પહેરાવ્યો હતો. જો કે સામાન્ય રીતે બહેન સહિતની સ્ત્રીઓ વરરાજાને પીઠી ચોળતી હોય ત્યારે પીઠીનાં મધુર ગીત ગવાતા હોય છે. પરંતુ અજયને પીઠી ચોળતી વખતે તેની બહેન ચોધાર આંસુએ રડતી હતી. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર સૌ કોઈની આંખો ભીની થઇ હતી.

બાદમાં પિતાની ઈચ્છા અનુસાર અત્તર છાંટીને એકદમ રાજાની માફક મૃતક અજયને તૈયાર કરી સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી. આ પરિવાર દ્વારા અંતિમયાત્રા માટેનાં રથને પણ મઘમઘતા ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ચૌહાણ પરિવાર દ્વારા લગ્નની તૈયારીઓ આરંભી દેવામાં આવી હતી. પરંતુ કુદરતને જાણે આ મંજૂર ન હોય તેમ અજયને નાની ઉંમરમાં પોતાની પાસે બોલાવી લેતા પરિવાર સહિત શહેરમાં પણ શોકની લાગણી જોવા મળી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud