• ગુનેગારોમાં પોલીસનો ખોફ ઓસરી રહ્યો હોય તેમ ચોરી અને લૂંટફાટની ઘટનાઓ સામે આવી છે.
  • ગઈકાલે થયેલ પાંચથી વધુ દુકાનો અને મહિલા સાથેની ચિલઝડપની ઘટનાનો ભેદ હજુ ઉકેલાયો નથી.
  • ઘટનામાં ઘાયલ યુવકને હાલ સારવાર માટે ખસેડાયો છે. અને પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

WatchGujarat ગુનેગારોમાં પોલીસનો ખોફ ઓસરી રહ્યો હોય તેમ ચોરી અને લૂંટફાટની ઘટનાઓ સામે આવી છે. ગઈકાલે થયેલ પાંચથી વધુ દુકાનો અને મહિલા સાથેની ચિલઝડપની ઘટનાનો ભેદ હજુ ઉકેલાયો નથી. ત્યારે હવે કોઠારીયા વિસ્તારની સ્વાતિ રેસિડેન્સી નજીક એક એન્જીનીયર યુવકને સરેઆમ છરીનાં ઘા ઝીંકીને ચાર જેટલા શખ્સોએ મોબાઈલ અને પાકીટની લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં ઘાયલ યુવકને હાલ સારવાર માટે ખસેડાયો છે. અને પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત અનુસાર ગત સાંજે આઠેક વાગ્યે દિલીપ જગદીશભાઈ મોડાશીયા નોકરી પરથી છુટીને કોઠારીયાનાં રેલ્વેના પાટા નજીકથી પગપાળા ઘરે જઈ રહ્યો હતો. દરમિયાન ચાર અજાણ્યા શખ્સો આવી ચડ્યા હતા. જેમાં બે શખ્સોએ તેને પાછળથી મજબૂત પકડી લીધો હતો. અને બાકીના બે પૈકી એકે છાતીમાં છરીનો ઘા ઝીંકી હતી. જ્યારે બીજાએ તેના ખિસ્સામાંથી મોબાઈલ અને પાકીટ કાઢી લીધા હતા. અને બાદમાં માલધારી ફાટક તરફથી દસેક છોકરાને આવતા જોઈને ચારેય નાસી છૂટ્યા હતા.

ભોગ બનનાર દિલીપ મોડાશીયાનાં જણાવ્યા મુજબ, પોતે નોકરી માટે છેલ્લા એક મહિનાથી રાજકોટ અને મોરબી વચ્ચે અપડાઉન કરે છે. બુધવારે રૂટીન મુજબ નોકરીએ ગયો હતો. સાંજે આઠેક વાગ્યે બાલાજી હોલે ઉતરી ત્યાંથી રિક્ષામાં બેસી ગોંડલ રોડ ચોકડીએ ઉતરી પગપાળા ઘર તરફ શોર્ટકટ રસ્તેથી જતો હતો. ત્યારે જ આ ઘટના બની હતી. આરોપીઓએ છરી પેટ પાસે રાખી વન પલસ મોબાઇલ ફોન, પેન્ટના ખિસ્સામાંથી વૂડલેન્ડનું પર્સ પણ કાઢી નાસી છૂટ્યા હતા. પર્સમાં રૂપિયા 700 રોકડા હતાં. તેમજ ડ્રાઇવીંગ લાયસન્સ, આધાર કાર્ડ, માતા-પિતાના ફોટા, બેંકોના ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ હતાં.

વધુમાં તેણે જણાવ્યું હતું કે, ચારમાંથી એક પાતળા બાંધાનો હતો અને એક જણાએ નાઇટ ડ્રેસ પહેર્યો હતો. કાઠીયાવાડી ગુજરાતી ભાષા બોલતાં હતાં. હું રાડારાડી કરી વંડી ટપી શ્વાતિ સોસાયટીના રસ્તા તરફ જતાં એક બાઇક ચાલક મળતા તેને અટકાવી મેં મારા મોટાભાઇ અશ્વિનભાઇને ફોન કર્યો હતો. મને છાતી પાસેથી લોહી નીકળતું હોઇ છરીથી ઇજા થયાની ખબર પડી હતી. મારા મોટાભાઇ આવી જતાં 108 મારફત પ્રથમ દોશી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હોવાનું પણ તેણે કહ્યું છે.

હાલ પોલીસે દિલીપની ફરિયાદને આધારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ છેલ્લા બે દિવસમાં જે રીતે ચોરી અને લૂંટફાટની ઘટનાઓ જે રીતે વધી રહી છે. તેને લઈ લોકોમાં ભયનો માહોલ છવાયો છે. અને મુખ્યમંત્રીનાં હોમટાઉનમાં પોલીસનાં પેટ્રોલિંગ સહિતની કામગીરી મુદ્દે અનેક સવાલો પણ લોકોમાં ઉઠી રહ્યા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud