• ભાજપના કાર્યકર્તાઓ તેમજ વજુબાપાના સમર્થકો મોટી સંખ્યામાં એરપોર્ટ ખાતે પહોંચ્યા
  • પ્રોટોકોલ મુજબ રાજકોટ શહેર પોલીસ દ્વારા વજુભાઈ વાળાને ગાર્ડ ઓફ ઓનર આપવા માટે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ તેમજ જવાનોને એરપોર્ટ ખાતે તૈનાત કરવામાં આવ્યા
  • પોલીસ અધિકારીઓ અને જવાનો વરસાદમાં પલળી ન જાય તે માટે ગાર્ડ ઓફ ઓનર સ્વીકારવાની ના પાડવામાં આવી
  • રાજકોટના હેમુ ગઢવી હોલમાં આપણે ડાયરો અને નાટકની મજા માણવાની ઇચ્છા છે – વજુબાપા
  • હાલના વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન એવા નરેન્દ્ર મોદીને પણ ધારાસભ્યની ચૂંટણી લડવા માટે વર્ષ 2001માં વજુભાઈ વાળાએ પોતાની બેઠક ખાલી કરી આપી હતી

WatchGujarat. કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઈ વાળાનો કાર્યકાળ પૂરો થતાં તેઓ ગતસાંજે હોમટાઉન આવી પહોંચ્યા હતા. અહીં વરસતા વરસાદે વજુબાપાનું આગમન થયું હતું. અને એરપોર્ટ પર પોલીસ બેન્ડ તેમજ સ્થાનિક ભાજપનાં અગ્રણીઓ દ્વારા તેઓનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાષણ તેમજ કામ કરવાની આગવી શૈલી માટે જાણીતા વજુભાઈ વાળા આવતા જ ભાજપના કાર્યકરોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે વજુબાપાએ મીડિયા સાથે વાતચીત કરવાનું ટાળ્યું હતું. આ તકે સરગમ ક્લબનાં સભ્યોએ પણ ફુલહારથી વજુભાઈનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તો તેમના ખાસ મિત્ર અને સરગમ ક્લબનાં ગુણવંતભાઈ ડેલાવાળાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હવે વજુભાઈ હેમુગઢવી હોલ ખાતે સંગીતનાં કર્યક્રમો મન ભરીને માણશે. ત્યારબાદ વજુબાપા પોતાના અમીન માર્ગ સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા.

રાજકોટનાં એરપોર્ટ વિસ્તારમાં ગતસાંજના સમયે ભારે વરસાદ ખાબક્યો હતો. દરમિયાન કર્ણાટકના ભૂતપૂર્વ ગવર્નર એવા વજુભાઈ વાળા રાજકોટ એરપોર્ટ ઉપર આવ્યા હતા. જેને લઇને ભાજપના કાર્યકર્તાઓ તેમજ વજુબાપાના સમર્થકો મોટી સંખ્યામાં એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં વજુભાઈની કાર જેવી એરપોર્ટની બહાર આવી ત્યાં ભાજપના કાર્યકર્તાઓ અને મિત્રોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રોટોકોલ મુજબ રાજકોટ શહેર પોલીસ દ્વારા વજુભાઈ વાળાને ગાર્ડ ઓફ ઓનર આપવા માટે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ તેમજ જવાનોને એરપોર્ટ ખાતે તૈનાત કરવામાં આવ્યા હતા. પરંતુ વરસાદ ચાલુ હોવાને લઈ વજુભાઈ દ્વારા ગાર્ડ ઓફ ઓનર દરમિયાન પોલીસ અધિકારીઓ અને જવાનો વરસાદમાં પલળી ન જાય તે માટે ગાર્ડ ઓફ ઓનર સ્વીકારવાની ના પાડવામાં આવી હતી. આમ, વધુ એક વખત વજુભાઈ વાળાનો માનવીય ચહેરો લોકોની સમક્ષ આવ્યો હતો.

જ્યારે વજુભાઈ વાળાનો રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ હવે પૂરો થયો ત્યારે તેઓએ રાજકોટના તેમના જુના મિત્ર એવા સરગમ કલબના પ્રમુખ ગુણુભાઈ ડેલાવાળા સાથે ફોનમાં વાતચીત કરી હતી. જેમાં વજુબાપાએ જણાવ્યું હતું કે હવે રાજકોટના હેમુ ગઢવી હોલમાં આપણે ડાયરો અને નાટકની મજા માણવાની ઇચ્છા છે. વજુબાપાને ડાયરો અને નાટક જોવું ખૂબ જ ગમે છે. ત્યારે હવે રાજકોટમાં તેઓ ડાયરા અને નાટકની મજા માણશે તેવું પોતાના મિત્રને જણાવ્યું હતું. તેમના રાજકોટ પરત આવતા તેમના સમર્થકો અને મિત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, હાલના વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન એવા નરેન્દ્ર મોદીને પણ ધારાસભ્યની ચૂંટણી લડવા માટે વર્ષ 2001માં વજુભાઈ વાળાએ પોતાની બેઠક ખાલી કરી આપી હતી. અને મોદી આ બેઠક પરથી જંગી બહુમતીથી વિજેતા બન્યા બાદ પ્રથમ CM અને બાદમાં PM પણ બન્યા છે. આ વાતને હજુ ભાજપના દિગ્ગજ નેતાઓ ભૂલ્યા નથી. વજુભાઈ વાળાને સંઘના પાયાના કાર્યકર્તા અને ભાજપના દિગ્ગજ નેતા માનવામાં આવે છે. ત્યારે તેઓ ગુજરાતના નાણાપ્રધાન તેમજ ગુજરાત વિધાનસભાના સ્પીકર પણ રહી ચૂક્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud