• કાલાવડ રોડ પર રહેતા 40 વર્ષીય વિજય ગોરધનભાઈ મકવાણા અને તેમના પત્ની કાજલ તેમજ 11 વર્ષીય દીકરી સાથે લાપતા થયા
  • પોતાના ફ્લેટનો અમુક હિસ્સો તેમના નામે કરી દીધો હોવા છતાં પઠાણી ઉઘરાણી કરવામાં આવતા પરિવરજનો પત્ર લખ્યા બાદ ગુમ થયા
  • પત્રમાં લખ્યું છે કે, 13 તારીખ સુધી તેની કોઈ ભાળ ના મળે તો ત્રણેયને મરી ગયેલા સમજવા

Watchgujarat.  શહેરમાં વ્યાજખોરીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં બિલ્ડર પાસેથી રૂ. 2.5 કરોડ વ્યાજે લેનાર ટ્યુશન કલાસનો વ્યવસાય કરતો યુવક પોલીસ કમિશ્નરને પત્ર લખી પત્ની અને 11 વર્ષની પુત્રી સાથે ગુમ થઈ ગયો છે. પોલીસ કમિશ્નરને લખેલા પત્રમાં આ યુવકે જણાવ્યું છે કે, પોતે બિલ્ડર જે.પી. જાડેજા કુલ રૂપિયા 2.5 કરોડ વ્યાજે લીધા હતા. જેના બદલામાં પ્રદ્યુમન વીલામાં પોતાના ફ્લેટનો અમુક હિસ્સો તેમના નામે કરી દીધો હોવા છતાં પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે. જેનાથી કંટાળીને તેઓ પરિવાર સાથે જતા રહ્યા છે. અને 13 તારીખ સુધીમાં ન મળીએ તો અમને મૃત સમજવા તેમજ આ માટે બિલ્ડર સંપૂર્ણ જવાબદાર રહેશે. ત્યારે આ મામલે વહેલીતકે તપાસ કરીને ત્રણેયની ભાળ મેળવવા યુવકનાં ભાઈએ માંગ કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જાણવા મળતી વિગત અનુસાર, કાલાવડ રોડ ઉપરનાં પ્રદ્યુમન વિલામાં રહેતા 40 વર્ષીય વિજય ગોરધનભાઈ મકવાણા અને તેમના પત્ની કાજલ તેમજ 11 વર્ષીય દીકરી સાથે લાપતા થયા છે. પર્સનલ ટ્યુશન વ્યવસાય સાથે સંકળાયેલા વિજયભાઈએ એક પત્ર લખ્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, પ્રદ્યુમન બિલ્ડર ગ્રુપના જે. પી જાડેજા પાસેથી તેમણે રૂ. 2.5 કરોડ વ્યાજે લીધા હતા. આ રૂપિયાના બદલામાં પ્રદ્યુમન વીલામાં પોતાના ફ્લેટનો કેટલોક હિસ્સો જે. પી. જાડેજાના નામે કરી દીધો હતો.

પરંતુ ફ્લેટનો હિસ્સો નામે કરવા છતાં બિલ્ડર દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે. જેનાથી કંટાળી પોતે ઘરે મૂકીને જતા રહ્યા છે. વિજયભાઈએ રાજકોટ પોલીસ કમિશ્નરને સંબોઘીને એક પત્ર લખ્યો છે. જેમાં તેઓએ પોતાના પર વીતેલી તમામ હકીકત જણાવી છે. ઘરેથી ક્યાંક જતા રહેલા વિજયભાઈનાં ભાઈએ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. આ સાથે જ વિજયભાઈએ લખેલો પત્ર પણ આપ્યો છે. પત્રમાં વિજયભાઈએ એવુ જણાવ્યું છે કે, તેઓ તેના પરિવાર સાથે આત્મહત્યા કરવાનું વિચારી રહ્યા છે. જો 13 તારીખ સુધી તેની કોઈ ભાળ ના મળે તો ત્રણેયને મરી ગયેલા સમજવા. જેને પગલે વહેલી તકે સમગ્ર મામલે તપાસ થાય તેવી માંગ વિજયભાઈના ભાઈએ કરી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં વારંવાર વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અનેક લોકો આપઘાત કરી લેતા હોય છે. વ્યાજખોરોની કરાતી પઠાણી ઉઘરાણીથી કંટાળી અસહાય લોકો પોલીસ પાસે જવાને બદલે મોત મીઠુ કરી લેતા હોવાના અનેક કિસ્સાઓ અગાઉ પણ સામે આવી ચુક્યા છે. ત્યારે આ પત્ર સામે આવતા પોલીસે વિજયભાઈ અને તેમના પરિવારની શોધખોળ હાથ ધરી છે. સાથે જ તેમણે લખેલા પત્ર મુદ્દે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud