• 8 જુનની સાંજે 4 વાગ્યા આસપાસ આયૂષી નામની માસુમનું મૃત્યુ થયું
  • અઢી વાગ્યે કાવ્યા-માનવ ઓનલાઈન ક્લાસ પર અભ્યાસ કરવા લાગ્યા
  • થોડીવારમાં આયૂષી ઓરડાનો દરવાજો બંધ કરીને હોલમાં ટીવી જોવા ગઈ ત્યારે  કિરણબેન પોતાના રૂમમાં સુઈ ગયા
  • વંદનાએ રાડારાડ કરતા કિરણબેને બહાર જોયું તો આયૂષી સીડીના પગથિયાં પર લોહીથી લછબથ હાલતમાં પડી હતી

Watchgujarat. ઉપલેટાની સર્વોદય સોસાયટીમાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં 9 વર્ષની માસુમ ભત્રીજીને કાકીએ દસ્તાના ઝીંકી પતાવી દીધી હતી. અને પિતા-કાકાએ લોહીનાં ડાઘ સાફ કર્યા હતા. એટલું જ નહીં બે દિવસ પહેલાં થયેલી આ હત્યાને આકસ્મિક ઘટનામાં ખપાવી બાળકીના અંતિમસંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હતા. જોકે બાળકીની માતાને જોવા મળેલા લોહીના આછા ડાઘ પરથી શંકા જતાં બનાવ સામે આવ્યો હતો. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસની પ્રાથમિક તાપસ મુજબ, 8 જુનની સાંજે 4 વાગ્યા આસપાસ આયૂષી નામની માસુમનું મૃત્યુ થયું હતું. બે દિવસ બાદ ગુરુવારે તેની માતા કિરણબેન ચેતનભાઈ નિમાવતે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે આયૂષીની કાકી વંદના મયૂરભાઈ નિમાવત, પિતા ચેતન હસમુખભાઈ નિમાવત ઉપરાંત કાકા મયૂર હસમુખભાઈ નિમાવતનાં નામ આપ્યા હતા. જેને આધારે પોલીસે ત્રણેય વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા અનુસાર બનાવની સવારે  ચેતન અને મયૂર એમની દુકાને ગયા હતા. બાકી અન્ય પરિવારજનો ઘરે હતા. બપોરે કિરણબેન તેમની દીકરી આયૂષી અને કાવ્યા તેમજ એમના દિયરના પુત્રો માનવ તથા મંત્ર, સાસુ શારદાબેન, સસરા હસમુખભાઈ અને દેરાણી વંદના બધા નીચેના માળે જમવા બેઠા હતા.

દરમિયાન સૌથી પહેલાં વંદના જમીને ઉપરના માળે એના રૂમમાં ગઈ હતી. બાદમાં કિરણબેન, આયૂષી, કાવ્યા, માનવ તેમજ મંત્ર પાંચેય ઉપર કિરણબેનના રૂમમાં ગયા હતા. અઢી વાગ્યે કાવ્યા-માનવ ઓનલાઈન ક્લાસ પર અભ્યાસ કરવા લાગ્યા હતા. થોડીવારમાં આયૂષી ઓરડાનો દરવાજો બંધ કરીને હોલમાં ટીવી જોવા ગઈ ત્યારે  કિરણબેન પોતાના રૂમમાં સુઈ ગયા હતા. સાડા ચાર વાગ્યાના અરસામાં વંદના રાડારાડ કરતી એમના એમના રૂમમાં આવી હતી. જેને લઈને ગભરાયેલા કિરણબેને બહાર જોયું તો આયૂષી સીડીના પગથિયાં પર પડી હતી. તેનું માથું ફાટી ગયું હતું અને ખૂબ લોહી નીકળતું હતું.

પાડોશીની મદદથી વંદના તેને ખાનગી હોસ્પિટલે લઈ ગઈ. પાછળથી તેના માતા, પિતા, કાકા પણ હોસ્પિટલે પહોંચ્યા. ડોક્ટરે તેને મૃત જાહેર કરી એટલે પરિવાર તેના મૃતદેહને ઘરે લાવ્યો હતો. અન્ય સગાસંબંધી અને પાડોશીઓ ઘરે આવી ગયા હતા. બાદમાં રાતે આઠેક વાગ્યે અંતિમવિધિ કરી નાખવામાં આવી હતી. બાદમાં 9 તારીખે રાત્રે કિરણબેનને મકાનની અગાશી ઉપર જ લોહીના આછા ડાઘ જોવા મળ્યા હતા. અને કોઈએ લોહીને સાફ કરવાનો પ્રયાસ કર્યો હોય એવું જણાયું હતું. એટલું જ નહીં લાલ રંગનો બ્લેન્કેટ પણ કોઈએ ત્યાં ધોઈને સૂકવ્યો હતો. અને એમાં પણ લોહીના આછા ડાઘ દેખાયા હોવાથી આયૂષી સાથે અગાશીમાં કોઈ અજૂગતી ઘટના બની હોય એવી આશંકા જતાં કિરણબેને એ વિશે પતિ ચેતન અને દિયર મયૂરને વાત કરી હતી.

કિરણબેનની વાત સાંભળી ગભરાયેલા ચેતન- મયૂરે કહ્યું હતું કે, અમે ગઈકાલે સાંજે અગાશી પર ડાઘા જોયા હતા અને માલૂમ પડયું કે વંદનાએ જ આયૂષીને અગાશી પર કોઈ વસ્તુનો ઘા મારીને મોત નીપજાવીને સીડીએ ફેંકી દીધી છે, જેથી અમે બન્ને જણાએ આ વાત કોઈને ધ્યાને ન આવે તે માટે અગાશી પર અને સીડી પર પડેલા લોહીના ડાઘાઓ પાણી અને કપડાંથી સાફ કરી નાખ્યા હતા. પતિ અને દિયરે લોહીના ડાઘ સાફ કરી પુરાવાનો નાશ કર્યો અને અંતિમ સંસ્કાર પહેલાં લાશનું પીએમ પણ ન કરાવ્યાની હકીકતોથી દેરાણીએ આયૂષીની હત્યા કર્યાની શંકા દૃઢ બનતાં છેવટે કિરણબેને આ અંગે પોલીસને જાણ કરી હતી.  અને ઉપલેટા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ કરી હત્યાનો ગુનો નોંધીને ત્રણેય આરોપીને સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud