• મૃતકના લગ્ન ચાર વર્ષ પહેલાં થયા હતાં અને સંતાનમાં ત્રણ વર્ષનો પુત્ર છે
  • મૃતકનાં પતિ વસંતનાં કહેવા મુજબ, ઘરકંકાસનાં કારણે તેણીએ આ પગલું ભર્યું છે
  • મહિલાનાં ભાઇ-ભાભીએ પતિ દ્વારા એસિડ પીવડાવી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો
  • પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી

WatchGujarat. ભીચરી અમરગઢ ગામની જીવુબેન સોલંકી નામની મહિલા ગઇકાલે એસિડ પી જતાં તેને સિવિલ અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન તેણીનું મોત નિપજતાં ગર્ભમાં રહેલા બે સંતાનોનાં પણ મોત નિપજ્યા હતા. અને આ મહિલાનાં ત્રણ વર્ષનાં માસુમ પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી છે. આ મામલે મૃતકનાં પતિ વસંતનાં કહેવા મુજબ, ઘરકંકાસનાં કારણે તેણીએ આ પગલું ભર્યું છે. જ્યારે મહિલાનાં ભાઇ-ભાભીએ પતિ દ્વારા એસિડ પીવડાવી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. જેને લઈને પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

આ કરુણ બનાવની જાણવા મળતી વિગત અનુસાર, મૃતકના લગ્ન ચાર વર્ષ પહેલાં થયા હતાં અને સંતાનમાં ત્રણ વર્ષનો પુત્ર છે. તેનાં ભાઇ-ભાભી ઉનાના જરગલી ગામે રહે છે. ભાઇ ભરતભાઇ કાનાભાઇ શિયાળ અને ભાભી સહિતનાં સ્વજનો બનાવની જાણ થતાં જ દોડી આવ્યાં હતાં. અને કહ્યું હતું કે, બહેનનો પતિ વસંત નરસીભાઇ સોલંકી મૂળ મેંદરડાના અંબાળા ગામનો છે.  અને હાલ ભીચરી ગામે રહી છૂટક મજૂરી કરે છે. હાલ અમારી બહેન જીવુને પતિ અને સસરાનો સતત ત્રાસ હતો. પતિ નાની નાની વાતે વારંવાર ઝઘડા કરતો હતો. ગઇકાલે પણ તેણે અમને ફોન કરીને કહ્યું હતું કે તમારી બહેનને તેડી જાઓ, નહીંતર પૂરી થઇ જશે. અમારી બહેન આપઘાત કરે તેમ નહોતી.  તેને બળજબરીથી એસિડ પીવડાવી દેવામાં આવ્યું છે.

બીજીતરફ પતિ વસંતનાં જણાવ્યા મુજબ તેનો પૈસા બાબતે પત્ની સાથે ઝઘડો થયો હતો. જેને લઈને તેને માઠું લાગી જતાં તે એસિડ પી ગઇ હતી. આ અંગેની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ, જીવુબેન સગર્ભા હતા. અને સોનોગ્રાફી રિપોર્ટમાં ગર્ભમાં બે બાળક ઊછરી રહ્યાનું જણાવાયું હોવાનું પણ જાણવા મળ્યું છે. જેને લઈને જીવુબેનનાં મોત સાથે ગર્ભમાં રહેલાં જુડવા સંતાનોનાં પણ મોત થયાં છે. હાલ તો કુવાડવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અને પતિની સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધાયો છે. જો ભાઈ-ભાભીનાં આક્ષેપમાં સચ્ચાઈ જણાશે તો આગળ જતાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud