• પોલીસે કૌભાંડનો પર્દાફાશ કરી 4ને ઝડપી લીધા
  • જિલ્લાનાં સ્પે. ઓપરેશન ગ્રુપને સોમ પીપળિયા રહેતા યુવકે મકાનમાં નકલી વિદેશી દારૂની ફેક્ટરી શરૂ કરી હોવાની માહિતી મળી હતી
  • પોલીસે નકલી દારૂ બનાવવાની સાધનસામગ્રી, તૈયાર વિદેશી દારૂની નાની બોટલો અને બેરલ મળી 9 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

WatchGujarat જસદણ પંથકમાં ચાલતા નકલી વિદેશી દારૂ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કરી પોલીસે ચાર શખ્સોને દબોચી લીધા છે. જિલ્લાનાં સ્પે. ઓપરેશન ગ્રુપને સોમ પીપળિયાના દિનેશ કુકા ડાભીએ તેમના મકાનમાં નકલી વિદેશી દારૂની ફેક્ટરી શરૂ કરી હોવાની ચોક્કસ જાણકારી મળી હતી. જેના આધારે દરોડો પાડી પોલીસે દિનેશ ઉપરાંત રાજસ્થાનના પંકજ માનજી પાટીદાર, સુરેશ જાંગીડ અને વીંછિયાના હસમુખ ઉર્ફે હસો કુંભાર ઉર્ફે ભગત સહિત ચારને રૂપિયા 9 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

આ અંગે રાજકોટ ગ્રામ્ય એલસીબી PI અજયસિંહ ગોહિલનાં જણાવ્યા મુજબ, સોમ પીપળીયા ગામે દિનેશભાઈ કુકાભાઈ ડાભીના રહેણાંક મકાનમાં રેડ કરી વિદેશી દારૂની ફેક્ટરી ચલાવતા ચાર વ્યક્તિઓને ઝડપી લેવાયા છે. દરમિયાન નકલી દારૂ બનાવવાની સાધનસામગ્રી, તૈયાર વિદેશી દારૂની નાની બોટલો અને બેરલ તેમજ કેરબામાં રહેલ વિદેશી દારૂ, swift કાર અને મોબાઈલ ફોન સહિત કુલ 9,34,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આરોપીની મોડસ ઓપરેન્ડી વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે, હસમુખભાઈ ઉર્ફે હસો ઉર્ફે કુંભાર ઉર્ફે ભગત પોતાના મળતિયાઓ સાથે મળીને ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાનો કલર, સીલ કરવા માટેના મશીન, ખાલી બોટલો તથા બોટલ પર ઢાંકણા તથા શીલ તેમજ બોટલ પર લગાવવાના સ્ટીકર વગેરે જેવો કાચોમાલ બહારના રાજ્યમાંથી મંગાવી અહીં ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવીને વેચતો હતો. આરોપી હસમુખ ઉર્ફે હસો ઉર્ફે ભગત વિરુદ્ધ ભૂતકાળમાં ચાર જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે. જ્યારે કે પંકજ માંજી પાટીદાર વિરુદ્ધ રાજસ્થાનમાં નકલી વિદેશી દારૂ બનાવવાનો ગુનો નોંધાઇ ચુક્યો છે.

આરોપીઓ નકલી શરાબ બનાવવા કાચો માલ અન્ય રાજ્યોમાંથી લઇ આવતા હતા. તેઓ સ્પિરિટની અંદર વ્હિસ્કી જેવું લાગતું ફ્લેવર અને રંગને પાણીમાં ભેળવી તૈયાર કરતા. વિદેશી દારૂ અસલી લાગે તે માટે બ્રાન્ડેડ કંપનીની શરાબની બોટલ, સ્ટિકર, ઢાંકણા લગાવી સીલ મારતા. નકલી શરાબમાં આલ્કોહોલનું 42 ટકા પ્રમાણ રાખતા હોવાનું ચારેય આરોપીએ કહ્યું છે. હાલ પોલીસે આ મકાનમાંથી તમામ સામગ્રી, નકલી શરાબ ભરેલી 1394 બોટલ, કેરબામાં ભરેલો નકલી દારૂ મળી 9.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud