• ઉનાળો શરૂ થતાની સાથે આગની ઘટનાઓ સતત વધી રહી છે.
  • ઘટનાની જાણ થતાં ગોંડલ નગરપાલિકાનાં ફાયરબ્રિગેડનો કાફલો પણ દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો

WatchGujarat ઉનાળો શરૂ થતાની સાથે આગની ઘટનાઓ સતત વધી રહી છે. વાહનોમાં આગ લાગવાના બનાવો તો વારંવાર સામે આવતા હોય છે. ત્યારે આજે ગોંડલ નેશનલ હાઇવે ઉપર આવેલા હાઇજિંગ ઇન્ડસ્ટ્રીઝનાં કોટન રોલ બનાવવાના કારખાનામાં ભીષણ આગની વધુ એક ઘટના સામે આવી છે. જો કે ઘટનાની જાણ થતાં ગોંડલ નગરપાલિકાનાં ફાયરબ્રિગેડનો કાફલો પણ દોડી ગયો હતો. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવાયો છે.

પરંતુ આ દુર્ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજીતરફ રાજકોટ સ્પેશિયલ બ્યુરો ઓફિસનાં પરિસરમાં પણ આગ લાગી હતી. જો કે ફાયર વિભાગ દ્વારા સમયસર આગ પર કાબુ મેળવાયો હતો.

જાણવા મળતી વિગત મુજબ આજે વહેલી સવારે હાઇજિંગ ઈન્ડસ્ટ્રીઝના કારખાનામાં અગમ્ય કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ આગ લાગવાને કારણે કારખાનામાં કામ કરતા કર્મચારીઓ ઉપરાંત આસપાસનાં લોકોમાં પણ ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટના અંગે નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી ગણતરીની કલાકોમાં જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. અને સદનસીબે કોઈ જાનહાની પણ થઈ નહોતી.

જો કે અચાનક ભભૂકી ઉઠેલી આ ભીષણ આગમાં કારખાનામાં રહેલો કોટન રોલનો જથ્થો મોટા પ્રમાણમાં બળીને ખાખ થઇ ગયો હતો. તેમજ કારખાનામાં પડેલી મશીનરીને પણ મોટું નુકસાન પહોંચતા લાખોનું નુકસાન થયાનું અનુમાન છે. પ્રાથમિક તપાસમાં કોઈ મશીનરીમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે સત્તાવાર રીતે કોઈપણ ચોક્કસ કારણ અપાયું નથી. ફાયર ફાઇટરના જવાનો દ્વારા સમયસર આગ પર કાબુ મેળવી લેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી છે.

રાજકોટ સ્પેશિયલ બ્યુરો ઓફિસના પરિસરમાં આગ

આજરોજ રાજકોટમાં સ્પેશિયલ બ્યુરો ઓફિસના પરિસરમાં પણ અચાનક આગ લાગી હતી. પરિસરમાં સુકા ઘાસમાં આગ લાગતા ચારેતરફ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે અહીં પણ મનપાના ફાયર વિભાગનો કાફલો દોડી ગયો હતો. અને સમયસર આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ મોટું નુકસાન કે જાનહાનિ પણ નહીં થતા સૌકોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud