• રાજકોટમાં શિવલિંગ જેવા પુષ્પો ધરાવતુ ખાસ વૃક્ષ આવેલું છે
  • બીલીની જેમ શિવલિંગી નામનું આ વૃક્ષ પણ એટલું જ પવિત્ર અને મહાદેવનું જ વૃક્ષ ગણાય – મનોજભાઈ બોરીચા
  • સામાન્ય રીતે સૌરાષ્ટ્રની આબોહવા આ વૃક્ષને ઓછી માફક આવતી હોવાથી શિવલિંગીનાં વૃક્ષ ભાગ્યે જ જોવા મળે છે
  • વૃક્ષનાં મૂળમાં દૂધ રેડવા સહિતની બાબતોથી તેના મૂળિયા ખરાબ થવાની શક્યતા હોય એ માટે પણ મનાઈ ફરમાવવામાં આવી

કુલીન પારેખ. શહેરના આજીડેમ ખાતે અતિદુર્લભ તેમજ શિવલિંગી-શિવપતિ તરીકે ઓળખાતું શહેરનું સૌપ્રથમ વૃક્ષ આવેલું છે. બીલીપત્રની જેમ જ આ વૃક્ષનાં ફૂલ વડે ભોળાનાથની પૂજા કરવામાં આવે છે. આ વૃક્ષની ખાસિયત છે કે, તેના પુષ્પોનો આકાર શિવલિંગ જેવો હોય છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં આ વૃક્ષ નહીં થવાની માન્યતા છે. પરંતુ આજીડેમનાં દુધેશ્વર મહાદેવ મંદિર ખાતે મહામહેનતે આ વૃક્ષ ઉગાડવામાં આવ્યા છે. અને તેનું જીવની જેમ જતન પણ કરવામાં આવી રહ્યું છે. જો કે આ વૃક્ષમાં પુષ્પો 20 વર્ષે આવતા હોય છે. અને આ વૃક્ષને માત્ર 10 વર્ષ થયાં હોવાથી હજુ અહીં પુષ્પો આવ્યા નથી.

આ અંગે મનોજભાઈ બોરીચાએ જણાવ્યું હતું કે, આ વૃક્ષનું નામ શિવલિંગી-શિવપતિ છે. જેમ બીલીનું ઝાડ અતિ પવિત્ર અને મહાદેવનું વૃક્ષ ગણાય છે તે જ પ્રકારે શિવલિંગી નામનું આ વૃક્ષ પણ એટલું જ પવિત્ર અને મહાદેવનું જ વૃક્ષ ગણાય છે. તેના પુષ્પોનો આકાર પણ શિવલિંગ જેવો હોય છે. ફુલમાં વચ્ચે એક લિંગ અને તેના ઉપર શેષનાગ હોય તેવું આ વૃક્ષનું ફૂલ હોય છે. આ પુષ્પો ભગવાન ભોળાનાથને અતિપ્રિય છે. તેમજ આ પુષ્પો વડે મહાદેવની પૂજા કરવામાં આવે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે સૌરાષ્ટ્રની આબોહવા આ વૃક્ષને ઓછી માફક આવતી હોવાથી શિવલિંગીનાં વૃક્ષ ભાગ્યે જ જોવા મળે છે. રાજકોટનું સૌપ્રથમ અને કદાચ એકમાત્ર શિવલિંગી દુધેશ્વર મંદિર ખાતે આવેલું છે. 10 વર્ષ પહેલાં જાણવા મળ્યું હતું કે, શિવલિંગી સૌરાષ્ટ્રમાં થતા નથી અને દુર્લભ પ્રજાતિ છે. ત્યારથી અહીં આ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું. હાલ સૌરાષ્ટ્રમાં માત્ર મોરબી તેમજ જૂનાગઢ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર સિવાય ક્યાંય આ વૃક્ષ જોવા મળતા ન હોવાનું પણ તેમણે કહ્યું હતું.

શિવલિંગીની માવજત અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, અહીં જીવની જેમ આ વૃક્ષની માવજત કરવામાં આવે છે. આ માટે સમયસર પાણી તેમજ માત્ર કુદરતી છાણ સહિતનાં ખાતરનો ઉપયોગ કરી તેની જાળવણી કરવામાં આવી રહી છે. સાથે જ શિવલિંગીને નુકસાન ન થાય તે માટે લોકોનાં અહીં આવવા ઉપર પ્રતિબંધ છે. એટલું જ નહીં વૃક્ષનાં મૂળમાં દૂધ રેડવા સહિતની બાબતોથી તેના મૂળિયા ખરાબ થવાની શક્યતા હોય એ માટે પણ મનાઈ ફરમાવવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud