• શનિવારે રાત્રીનાં 11 વાગ્યા આસપાસ માલવિયાનગર પોલીસ મથકની સામે 5 જેટલી યુવતિઓ એક યુવતિને સરાજાહેર મારી
  • તમામ યુવતિઓ નશાની હાલતમાં ગાળો બોલી ઝનૂનથી મારકૂટ કરી રહી હોય આસપાસના વિસ્તારમાં રહેતા લોકો પણ ઘરની બહાર નીકળી ગયા
  • એકબીજાનાં બોયફ્રેન્ડ મુદ્દે વાતચીત કરવાના મુદ્દે રાધિકા અને રિદ્ધિ વૈષ્ણવ વચ્ચે બોલાચાલી બાદ બંનેએ એકબીજાને પડકારતા આ ધમાલ થઇ

Watchgujarat. શહેરનાં માલવીયાનગર પોલીસ મથક સામે રાત્રી કરફ્યુ દરમિયાન 6 જેટલી યુવતિઓએ ધમાલ મચાવી હતી. રાત્રે 11 વાગ્યાના અરસામાં 5 યુવતિઓ તેમની જ એક સહેલીને મારકૂટ શરૂ કરી હતી, જેમાં સૂત્રધાર ‘તોફાની રાધા’ના નામે જાણીતી યુવતીએ તો હાથમાં છરી રાખી રોફ જમાવ્યો હતો. જોકે ઘટનાને પગલે પોલીસ દોડી ગઈ હતી. અને બધી યુવતિઓની અટકાયત કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં બોયફ્રેન્ડ મુદ્દે આ યુવતિઓ વચ્ચે ઘર્ષણ થયું હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળતી વિગત અનુસાર, શનિવારે રાત્રીનાં 11 વાગ્યા આસપાસ માલવિયાનગર પોલીસ મથકની સામે 5 જેટલી યુવતિઓ એક યુવતિને સરાજાહેર મારી રહી હતી. આ પૈકી ‘તોફાની રાધા’નાં નામેં ઓળખાતી એક યુવતીના હાથમાં છરી હતી. તેમજ તમામ યુવતિઓ નશાની હાલતમાં ગાળો બોલી ઝનૂનથી મારકૂટ કરી રહી હોય આસપાસના વિસ્તારમાં રહેતા લોકો પણ ઘરની બહાર નીકળી ગયા હતા. અને આ પૈકી કોઈએ પોલીસને જાણ કરતા જ પોલીસ કાફલો દોડી ગયો હતો.

પોલીસનાં જણાવ્યા મુજબ, આ તમામ યુવતિઓ એકબીજાની સહેલી છે. અને એકબીજાનાં બોયફ્રેન્ડ મુદ્દે વાતચીત કરવાના મુદ્દે રાધિકા અને રિદ્ધિ વૈષ્ણવ વચ્ચે બોલાચાલી બાદ બંનેએ એકબીજાને પડકારતા આ ધમાલ થઇ હતી. આ પૈકી રાધિકા ‘તોફાની રાધા’ તરીકે સોશિયલ મીડિયામાં વીડિયો બનાવતી હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે 21 વર્ષીય જાનવી પ્રફુલ મકવાણા, 21 વર્ષની રાધિકા હર્ષદ ધામેચા, 19 વર્ષીય દર્શના મુકેશ મકવાણા, 21 વર્ષીય અવની દેવાયત હડિયા, 35 વર્ષની જાનવી અજય મકવાણા અને 21 વર્ષીય રિદ્ધિ દિલીપ વૈષ્ણવની અટકાયત કરી છે. અને તમામ 6 યુવતિઓ સામે કર્ફ્યૂ ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે રાધિકા ઉર્ફે ‘તોફાની રાધા’ પાસેથી છરી મળતા તેની સામે અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud