• આ વર્ષે કોરોનાથી તેના માતા-પિતા કે માત્ર પિતા ગુમાવનારને તેમજ કોરોના વોરિયરનું મોત નિપજ્યું હોય તો તેમની દીકરીને પ્રથમ ચાન્સ અપાશે – મુકેશ દોશી
  • રાજકોટમાં રાજ્યનાં કોઈપણ શહેર કે ગામના શહીદ જવાનની પુત્રીનાં લગ્ન કરાવવા પણ ટીમ આતુર
  • કોરોના કાળમાં લોકોની આવક ઘટી હોવાને કારણે, સંક્રમણનાં ડરે તેમજ સંતાનોના હિત માટે માતા-પિતા જાતે જ વૃદ્ધાશ્રમમાં આવવા માટે તૈયાર – મુકેશ દોશી

WatchGujarat. રાજકોટ શહેરમાં સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટનાં નેજા હેઠળ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેમાં પણ છેલ્લા 3 વર્ષથી ‘વ્હાલુડીનાં વિવાહ’ શીર્ષક હેઠળ માતા-પિતા કે પિતા ગુમાવનાર 22 જેટલી દીકરીઓનાં ધામધૂમથી લગ્ન કરાવવાનું શરૂ કરાયું છે. ચાલુ વર્ષે પણ ડિસેમ્બર મહિનામાં ‘વ્હાલુડીનાં વિવાહ’નું આયોજન કરાયું છે. અને આ માટેના ફોર્મનું વિતરણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જો કે કોરોના મહામારીને લઈને ચાલુ વર્ષે કોરોનાને કારણે માતા-પિતા કે પિતા ગુમાવનાર દીકરીને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લેવાયો છે. સાથે-સાથે રાજ્યનાં કોઈપણ શહેર કે ગામના શહીદ જવાનની પુત્રીનાં લગ્ન કરાવવા પણ ટીમ આતુર છે.

આ અંગે ‘વ્હાલુડીનાં વિવાહ’નું સુકાન સંભાળતા મુકેશ દોશીએ જણાવ્યું હતું કે, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટનાં નેજા હેઠળ દર વર્ષની માફક આ વર્ષે પણ ડિસેમ્બરમાં ‘વ્હાલુડીનાં વિવાહ’ યોજાનાર છે. જેમાં એક શ્રીમંત પિતા કરી શકે તેવી ભવ્ય ધામધૂમથી 22 દીકરીઓનાં લગ્ન કરાવવામાં આવશે. જો કે આ વર્ષે કોરોનાથી તેના માતા-પિતા કે માત્ર પિતા ગુમાવનારને તેમજ કોરોના વોરિયરનું મોત નિપજ્યું હોય તો તેમની દીકરીને પ્રથમ ચાન્સ અપાશે. એટલું જ નહીં ગુજરાતના કોઈપણ ખૂણે દેશની રક્ષા કાજે શહીદ થયેલ જવાનની દીકરીનાં લગ્ન કરવાનાં હોય તો આ માટે તે દીકરીની ઈચ્છા મુજબ કરિયાવર સહિતની તમામ વ્યવસ્થાઓ કરવા માટે ટીમ આતુર હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

વૃદ્ધાશ્રમ અંગે જણાવતા મુકેશ દોશીએ કહ્યું હતું કે, કોરોના કાળ બાદ વૃદ્ધાશ્રમમાં આવનાર લોકોની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. હાલ અમારા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમમાં જ 47 વૃદ્ધોનું વેઇટિંગ ચાલી રહ્યું છે. અને આવી જ પરિસ્થિતિ ઠેર-ઠેર જોવા મળી રહી છે. જે ખરેખર ચિંતાજનક બાબત છે. આ માટેના કારણોની તપાસ કરતા કોરોના કાળમાં લોકોની આવક ઘટી હોવાને કારણે, સંક્રમણનાં ડરે તેમજ સંતાનોના હિત માટે માતા-પિતા જાતે જ વૃદ્ધાશ્રમમાં આવવા માટે તૈયાર થતા હોવાનું પણ સામે આવ્યું છે. અગાઉ પ્રતિ માસ માત્ર 3-4 નવા વૃદ્ધોનો સમાવેશ કરવો પડતો હતો. પરંતુ આ સંખ્યામાં અચાનક ચારથી પાંચ ગણો વધારો આવતા આ બાબત સમાજ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. અને આ માટે સૌએ સાથે મળીને જરૂરી કામગીરી કરવાની સલાહ પણ તેમણે આપી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud