• પેઢીનો માલ બે ટ્રકમાં રાજકોટથી બામણબોર જી.આઇ.ડી.સી ખાતે જતો હોય દરમ્યાન ટ્રકોને રોકી ટ્રકો સાથે રહેલ માલના બિલ તથા ઇ-વે બિલ ખોટા હોવાનું જણાવાયું
  • માલ ભરેલી બંને ટ્રકો જી.એસ.ટી.ના કાયદા મુજબ ડીટેઇન ન કરવા અને જવા દેવા બદલ પૈસા માંગવામાં આવ્યા
  • પહેલા 50 હજાર લીધા અને બાકીના પૈસા માટે કડક ઉઘરાણી શરૂ કરી
  • આખરે ફરિયાદીએ સમગ્ર મામલે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરતા કાર્યવાહી થઇ

WatchGujarat. GST વિભાગના 2 અધિકારી સહિત ત્રણ રૂ. 3.50 લાખની લાંચ લેતા ACBનાં હાથે ઝડપાયા છે. અધિકારીઓએ માલ ભરેલ ગાડી જવા દેવા વેપારીની પાસે રૂ. 4.00 લાખની માંગ કરી હતી. અને આ પૈકી રૂ. 50 હજાર અગાઉ વસુલ્યા હતા. બાકીના રૂ. 3.50 લાખ વસૂલવા વચેટિયા મારફત વારંવાર ઉઘરાણી શરૂ કરવામાં આવી હતી. જોકે વેપારીએ ACBને જાણ કરી દેતા ભૂતખાના ચોક નજીક એક ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં એક કલાસ-2 અધિકારી, એક વર્ગ 3નો કર્મચારી અને એક વચેટીયો સહિત ત્રણ આબાદ  ઝડપાયા છે.

જાણવા મળતી વિગત મુજબ ફરીયાદીની પેઢીનો માલ બે ટ્રકમાં રાજકોટથી બામણબોર જી.આઇ.ડી.સી ખાતે જતો હોય દરમ્યાન રાજય વેરા અધિકારી વિક્રમભાઈ દેવરખીભાઇ કનારા અને રાજ્ય વેરા નિરીક્ષક અજય શીવશંકરભાઇ મહેતાએ બંને ટ્રકોને રોકી ટ્રકો સાથે રહેલ માલના બિલ તથા ઇ-વે બિલ ખોટા હોવાનું જણાવી, જી.એસ.ટી.ની કલમ હેઠળ ડીટેઇન કરવાનું કહ્યું હતું. આ અંગે ફરીયાદી તથા તેના ભાગીદાર દ્વારા બિલ સાચા છે તેવી રજુઆત કરવામાં આવી હતી.

જો કે તેમ છતાં માલ ભરેલી બંને ટ્રકો જી.એસ.ટી.ના કાયદા મુજબ ડીટેઇન ન કરવા અને જવા દેવા બદલ આ બંને અધિકારીએ મનસુખલાલ બચુભાઇ હીરપરા મારફત ફરિયાદી અને તેના ભાગીદાર સાથે વાતચીત કરી, રૂ. ૮,૦૦,૦૦૦/- લાંચની માંગ કરી હતી. બાદમાં રકઝકના અંતે ત્રણેયે ફરીયાદી તેમજ તેના ભાગીદાર પાસેથી રૂ.૪,૦૦,૦૦૦/-ની લાંચ લેવાનું નકકી કરી, બંને ટ્રકો જવા દીધી હતી. અને લાંચના નાણાં પૈકી રૂ. 50 હજાર જે-તે વખતે જ મનસુખલાલ મારફત વસુલ્યા પણ હતા.

ત્યારબાદ મનસુખલાલે બાકીના રૂ. 3.50 લાખ માટે ફરીયાદી તથા તેના ભાગીદાર પાસે સતત ઉઘરાણી કરવાનું શરૂ કર્યું હતું. જો કે ફરીયાદી આ રકમ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.માં ફરીયાદ કરી હતી. જે અંતર્ગત આજરોજ  એ.સી.બી. દ્વારા ગોઠવાયેલ એક છટકામાં શહેરનાં ભુતખાના ચોક પાસે આવેલ ઉપલેટા હિન્દ મોઝેક ટાઇલ્સ ખાતે જ જીએસટી અધિકારીઓ વતી લાંચ લેતા મનસુખલાલ રંગેહાથ ઝડપાઈ ગયો છે. અને એસીબીએ ગણતરીની કલાકોમાં કલાસ-2 વિક્રમ દેવરખીભાઇ કનારા અને વર્ગ-3નાં અજય શીવશંકર મહેતાને પણ ઝડપી લીધા છે. હાલ રાજકોટ એસીબી દ્વારા આ ત્રણેય વિરુદ્ધ વેપારી પાસેથી ખોટી રીતે લાંચ લેવા બદલ ધોરણસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud