• 18માર્ચનાં રોજ બેડલા સરકારી શાળાના વિડીયો સામે આવ્યા હતાં
  • વીડિયોમાં પ્રિન્સીપાલ અને એક શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે રેતી-કપચી ઉપાડવા જેવી વેઠિયા મજૂરી કરાવી હતી
  • શાળાના વિદ્યાર્થીઓ પાસે આવું કામ કરાવવા બાબતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી

WatchGujarat ગત તારીખ 18માર્ચનાં રોજ બેડલા સરકારી શાળાના વિડીયો સામે આવ્યા હતાં. જેમાં પ્રિન્સીપાલ અને એક શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે રેતી-કપચી ઉપાડવા જેવી વેઠિયા મજૂરી કરાવી હોવાનું સામે આવતા લોકો તેમજ વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. શાળામાં ભણવા આવતા વિદ્યાર્થીઓ પાસે આવું કામ કરાવવા બાબતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં પ્રિન્સીપાલ જતીન પરમાર અને શિક્ષક ઉપેન્દ્ર ભટ્ટે વિદ્યાર્થીઓને પાવડા પકડાવી વેઠીયા મજૂરી કરાવી હોવાનું ખુલતા બંનેની બદલી કરવામાં આવી છે. જેમાં પ્રિન્સીપાલ જતીન પરમારની ઢાંક ખાતે તો શિક્ષક ઉપેન્દ્ર ભટ્ટની ભડલી ગામે બદલી કરવામાં આવી છે.

સરકારી શાળામાં વિદ્યાર્થીઓની પાસે બાળ મજૂરી કરાવાઈ

બેડલા સરકારી શાળામાં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીની પરીક્ષા ચાલુ હતી. દરમિયાન બપોરના 2થી 5 વાગ્યા સુધી પરીક્ષા હતી, તે પહેલાં 11 વાગ્યા આસપાસ એક વિદ્યાર્થી પહોંચી જતા આચાર્ય જતીન પરમાર તેમજ અન્ય એક શિક્ષક ઉપેન્દ્ર ભટ્ટે વિદ્યાર્થી પાસે રેતી-કપચી એક જગ્યાથી ભરી બીજી જગ્યાએ ઠાલવવાનું કામ કરાવ્યું હતું. સતત દોઢ કલાક સુધી વિદ્યાર્થીએ મજૂરી કામ કર્યું હતું. એટલું જ નહિં પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ અન્ય બેથી ત્રણ છાત્રોની મદદ લઇ મજૂરી કામ કરાવાયું હોવાના વિડીયો પણ સામે આવ્યા હતા.

પ્રિન્સીપાલે કહ્યું હતું- ભૂલથી કામ અપાઈ ગયું હશે !

આ વિડીયો વાયરલ થયા બાદ પણ સમગ્ર મામલે ઢાંક પીછાડો કરવાનાં પ્રયાસો કરાયા હતા. તેમજ સ્કૂલનાં પ્રિન્સીપાલ જતીન પરમારે જણાવ્યું હતું કે, શાળામાં પીવાના પાણીના સ્ટેન્ડ પાસે જ પેવર બ્લોક પાથરવાનું કામ ચાલી રહ્યું છે. કડીયાની સાથે આવતો મજૂર માઠા પ્રસંગને કારણે રજા પર હતો. આથી મેં અને એક અન્ય શિક્ષક ભટ્ટ સાહેબે જાતે રેતી-કપચી પાથરવાનું કામ કર્યુ હતું. આ દરમિયાન એક વિદ્યાર્થી પણ આવતા તેને પણ ભૂલથી કામ અપાઇ ગયું હશે. જેવો લુલો બચાવ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રાજકોટની બેડલા પ્રાથમિક સ્કૂલમાં અગાઉ તત્કાલિન CM આનંદીબેન પટેલના ગુણોત્સવ કાર્યક્રમમાં બાળકો પાસે વાસણ સાફ કરાવાયા હતા. આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે રેતી-કપચી ઉપડાવતા હોવાનાં અમુક વીડિયો વાઇરલ થયા હતા. જેને લઈને શાળામાં પાવડો પકડાવી મજૂરી કામ કરાવાયું હોવાનું સામે આવતા વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો. અને કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud