- હાલના સમયમાં મિલકત સહિતની બાબતો માટે ભાઈઓનાં ઝઘડા કોર્ટ સુધી પહોંચી જવા સામાન્ય બાબત બની ગઈ છે.
- શહેરનાં મવડી પ્લોટ નજીક રહેતા ભાઈએ નાનાભાઈનેને પોતાની કિડની દાન કરી
- એક ભાઈ પ્રત્યે બીજા ભાઈનું સમર્પણ જોઈને પરિવાર સહિતનાં લોકોએ બંને ભાઈઓને રામ અને લક્ષ્મણની જોડી ગણાવી બિરદાવી
WatchGujarat હાલ ઘોર કળિયુગ ચાલી રહ્યો છે. અને તેમાં મિલકત સહિતની બાબતો માટે ભાઈઓનાં ઝઘડા કોર્ટ સુધી પહોંચી જવા સામાન્ય બાબત બની ગઈ છે. પણ આવા સમયમાં પણ જાણે ખુદ રામ પ્રગટયા હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં મોટાભાઈએ તેમના નાનાભાઈને કિડનીનું દાન કરીને નવજીવન આપ્યું છે. શહેરનાં મવડી પ્લોટ નજીક રહેતા હરિભાઈ સુરાણીએ નાનાભાઈ હરસુખ સુરાણીને પોતાની કિડની દાન કરી છે. જેને લઈ એક ભાઈ પ્રત્યે બીજા ભાઈનું સમર્પણ જોઈને પરિવાર સહિતનાં લોકોએ બંને ભાઈઓને રામ અને લક્ષ્મણની જોડી ગણાવી બિરદાવી રહ્યા છે.
જાણવા મળતી વિગત મુજબ, મવડી પ્લોટ વિસ્તારનાં સંસ્કાર સીટી હાઇટ્સ ખાતે રહેતા હરીભાઈ સુરાણીએ પોતાના નાનાભાઈ હરસુખભાઈને કિડની ડોનેટ કરી છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. હરીભાઈનાં પરિવારમાં કુલ પાંચ ભાઈઓ છે. જેમાં સૌથી મોટા હરીભાઈ સુરાણીએ ત્રીજા નંબરના ભાઈને તેની કિડની ડોનેટ કરી છે. તેમજ હાલમાં બંને ભાઈઓની તબિયત પણ સ્વસ્થ છે.
આ અંગે હરસુખભાઈ અને હરિભાઈનાં ભાઈ અરૂણ સુરાણીએ જણાવ્યું હતું કે, જણાવ્યું હતું કે, તેમના ભાઈ રાજકોટમાં ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે. પરંતુ ત્રણ વર્ષ પહેલાં તેમને ફ્રેક્ચર થયા બાદ શરીરમાં કિડનીની તકલીફ પણ સામે આવી હતી. અને કોવિડ આવ્યાં પહેલાનાં એક વર્ષથી તેમની કિડનીમાં ડાયાલીસીસની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તેમજ બન્ને કિડનીમાં આ અસર જોવા મળી હતી. તેનું આ દુઃખ મોટાભાઈ હરીભાઈથી જોવાતું નહોતું. જેને લઈને તેમણે નાના ભાઈને કિડની ડોનેટ કરવાનો નિર્ણય કર્યો હતો.
હરસુખભાઈનાં પુત્ર પુત્ર ડો. દર્શન સુરાણીનાં જણાવ્યા મુજબ, મંગળવારે અમદાવાદ ખાતે જ સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા બાદ બંને ભાઈઓની તબિયત બિલકુલ સ્વસ્થ છે. કિડની ડોનર (મોટા પપ્પા) હરીભાઈને જનરલ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. જ્યારે તેઓના પિતાને યુરિન પાસ થઈ ગયું હોવાથી ઓપરેશન નોર્મલ થઈ ગયું છે. આમ છતાં 10 દિવસ માત્ર ઓબઝર્વેશન માટે આઈસીયુમાં રાખવામાં આવનાર છે.