• મોરબી હાઇવે, યુનિવર્સિટી રોડ, આકાશવાણી ચોક, ઈન્દિરા સર્કલ અને રૈયા રોડ સહિતના વિસ્તારોમાં 5 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો
  • ભારે વરસાદને પગલે ગોંડલનાં અનેક વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાયાં
  • ઉમવાળા અંડર બ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો 

WatchGujarat. લાંબા સમયના વિરામ બાદ આજે સવારથી શહેર અને જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે. જો કે આજે વરસેલા મામુલી વરસાદમાં જ શહેરનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જ મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. આજે સવારથી 5 વાગ્યા સુધીમાં અંદાજે 2 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. જોકે આ મામૂલી વરસાદમાં વિરાણી ચોક, પોપટપરા સહિતનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. જેને લઈને મનપાની કામગીરી સામે લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.

રાજકોટ શહેરનાં મોરબી હાઇવે, યુનિવર્સિટી રોડ, આકાશવાણી ચોક, ઈન્દિરા સર્કલ અને રૈયા રોડ સહિતના વિસ્તારોમાં 5 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.  તો ગોંડલમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યાં 5 કલાકમાં જ 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે ગોંડલનાં અનેક વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાયાં છે. અને ઉમવાળા અંડર બ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો  છે. આ ઉપરાંત કોટડા સાંગાણીમાં – 2 ઇંચ અને લોધિકામાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા 3દિવસની આગાહીને કારણે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે.  રાજકોટ જિલ્લામાં વાવણી બાદ વરસાદ ખેંચાતાં કપાસ, મગફળી, મગ, અડદ, મકાઈ સહિતના પાકો સુકાવા લાગ્યા છે. જો કે હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે વરસાદની આગાહીને લઇને ખેડૂતોમાં પાક બચી જશે તેવી આશા જાગી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud