• ગત 4 ઓગસ્ટના રોજ પારુલ યુનિવર્સિટી સંચાલિત હોમિયોપેથીક કોલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ ખીરસરા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે ગયા હતા
  • કારમાં પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાતા ત્રણના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા
  • કૃપાલીને સર્જરીની જરૂર હોય વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી હતી
  • આવતી કાલે સર્જરી પહેલા જ કૃપાલીએ દમ તોડ્યો

WatchGujarat. મેટોડા જીઆઇડીસીના ગેટ પાસે ગત તા. 4 ઓગસ્ટના રોજ હોન્ડા અમેઝ કાર અને એસટી બસ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર પાંચ પૈકી ત્રણ ભાવિ તબીબોનાં ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા. તેમજ મેડિકલની બે છાત્રાઓને ગંભીર ઇજાને પગલે સારવાર માટે ખસેડવામાં આવી હતી. જો કે આ પૈકી પણ ટૂંકી સારવાર બાદ સિમરન ગિલાણી નામની યુવતીનું હોસ્પિટલમાં 4 ઓગસ્ટના રોજ જ મોત નીપજ્યું હતું. તો આજે વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવેલી કૃપાલી ગજ્જર નામની યુવતિનું પણ સર્જરી થાય તે પહેલાં મોત થતા આ અકસ્માતનો કુલ મૃત્યુઆંક 5 પર પહોંચ્યો છે. આ યુવતિનાં મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગત 4 ઓગસ્ટના રોજ પારુલ યુનિવર્સિટી સંચાલિત હોમિયોપેથીક કોલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ ખીરસરા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે ગયા હતાં. બાદમાં હોન્ડા અમેઝ કારમાં નિશાંત દાવડા, સિમરન ગિલાણી, ફોરમ, આદર્શ અને કૃપાલી પરત ફરી રહ્યા હતા. નિશાંત દાવડા કાર ચલાવી રહ્યો હતો, ત્યારે કોઈ કારણોસર તેણે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતાં કાર રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી. અને સામેથી આવી રહેલી એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

આ સમયે કારની ઝડપ એટલી હતી કે જેના કારણે તે એસટી બસના આગળના ભાગમાં ઘુસી ગઈ હતી. આ કારણે ઘટના સ્થળ પર જ નિશાંત દાવડા, ફોરમ તેમજ આદર્શ ગોસ્વામીના મોત નિપજયા હતા. જ્યારે સમગ્ર ઘટનામાં ઈજાગ્રસ્ત સિમરન તેમજ કૃપાલીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે ટૂંકી સારવાર બાદ જ સિમરને પણ મોડીસાંજે દમ તોડયો હતો. જ્યારે કૃપાલીને સર્જરીની જરૂર હોય વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી હતી. અને આવતીકાલે તેની સર્જરી કરવામાં આવનાર હતી. પરંતુ આ પહેલા જ કૃપાલીએ દમ તોડી દીધો છે.

ઉલ્લેખનીય છે કે, તમામ મૃતકો મેડિકલનાં વિદ્યાર્થીઓ હતા. અને કોરોનામા અનેક લોકોની જિંદગી બચાવી હતી. એટલું જ નહીં તમામ મૃતકોએ કોરોના સામેની લડતમાં 6 મહિના સુધી રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવી હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તો સમગ્ર મામલે લોધીકા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે જેના ડોક્ટર બનવાના સપના જોવાઈ રહ્યા હતા, તેવા પાંચ-પાંચ આશાસ્પદ યુવક-યુવતીઓના અકાળે મોતથી બધાના પરિવારમાં કાળો કલ્પાંત છવાયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud