• મવડી વિસ્તાની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાથી કોરોનાના 6 દર્દી ભડથું થઇ ગયા હતા
  • જે હોસ્પિટલમાં ફાયરના સાધનો અને સુવિધા ઉભી નથી કરાઇ તેને વહેલામાં વહેલી તકે સુવિધા ઉભી કરવા સૂચના આપવામાં આવી – પ્રદિપ ડવ, મેયર
  • 29 કોવિડ હોસ્પિટલમાં NOC નહીં હોવાનું સામે આવતા આવી હોસ્પિટલમાં આગ લાગે તો તેના માટે જવાબદારી કોણ?

WatchGujarat. શહેરમાં કોરોના મહામારી દરમિયાન અનેક કોવિડ હોસ્પિટલો કાર્યરત થઈ છે. જો કે આવી દર 3 હોસ્પિટલ પૈકી 1 પાસે ફાયર NOC નહીં હોવાનું સામે આવ્યું છે. જેને લઈ મહાનગપાલિકા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. હાલ શહેરમાં અંદાજે 88 હોસ્પિટલો કાર્યરત છે. આ પૈકી 29 પાસે ફાયર NOC સર્ટીફીકેટ નહીં હોવાનું સામે આવ્યું છે. જેને લઈને IMAના પ્રમુખ ડો.પ્રફુલ કમાણીએ આવી હોસ્પિટલોની માન્યતા રદ્દ કરી તેને બંધ કરવાની સલાહ આપી છે.

ડો.પ્રફુલ કમાણીએ જણાવ્યું હતું કે, NOC માટે 10 નોર્મ્સ હોય છે તે બધા કમ્પ્લીટ થાય પછી જ NOC મળી શકે છે. ત્યારે જે હોસ્પિટલ પાસે NOC નથી, ત્યાં અમુક નોર્મ્સ પુરા થતા ન હોય તેવું બની શકે છે. કારણ કે કુલ 10 પૈકી બે-ત્રણ વસ્તુ ન હોવાથી પણ NOCમળતી નથી. બીજુ હોસ્પિટલની અંદર જરૂરી સગવડતા ન હોય તો પણ NOC મળતી નથી. ઉપરાંત હોસ્પિટલનું બિલ્ડિંગ કોમર્શિયલ કોમ્પલેક્સ કે શેરીમાં હોય તો એક્ઝિટ બારી ન પણ હોવાથી ફાયર NOC મળતી નથી. અમુક હોસ્પિટલો સાંકડી શેરીમાં હોય છે કે ત્યાં ફાયરની ગાડી પણ પહોંચી શકતી નથી. આવી હોસ્પિટલોને ફાયર NOC મળે પછી જ મંજૂરી આપવી જોઇએ. દર્દીઓના સગાઓને આવી હોસ્પિટલ બદલી નાખવાની સલાહ પણ તેમણે આપી છે.

બીજી તરફ આ મુદ્દે મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, જે હોસ્પિટલ પાસે ફાયર NOC નથી તેવી હોસ્પિટલોને આપણે અગાઉ નોટિસ આપી છે. આ મુદ્દે ફાયરબ્રિગેડ શાખા દ્વારા પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે હોસ્પિટલમાં ફાયરના સાધનો અને સુવિધા ઉભી નથી કરાઇ તેને વહેલામાં વહેલી તકે સુવિધા ઉભી કરવા સૂચના આપવામાં આવી છે. બીજી લહેરમાં દર્દીઓની સંખ્યા વધતા તેમને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે ફાયર NOC નહોતું તેવી હોસ્પિટલોને પણ મંજૂરી આપી હતી. પણ હવે ફાયર NOC હશે તેને જ મંજૂરી આપવામાં આવશે. ફાયર NOCને લઇ ક્યાંય બાંધછોડ કરવમાં નહીં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

નોંધનીય છે કે, મવડી વિસ્તાની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાથી કોરોનાના 6 દર્દી ભડથું થઇ ગયા હતા. આ કેસમાં હજુ સુધી મૃતકના પરિવારને ન્યાય મળ્યો નથી. આગ ક્યાં કારણોસર લાગી તે પણ હજી સુધી તંત્ર શોધી શક્યું નથી. ત્યારે હવે 29 કોવિડ હોસ્પિટલમાં NOC નહીં હોવાનું સામે આવતા આવી હોસ્પિટલમાં આગ લાગે તો તેના માટે જવાબદારી કોણ?, દર્દીના જીવ પર જોખમ આવે તો શું ? સહિતના સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud