• આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરી
  • ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

WatchGujarat શહેરની હુડકો ચોકડી નજીક કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલા એક ભંગારના ડેલામાં વહેલી સવારે 4 વાગ્યા આસપાસ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. જેને પગલે ફાયર ફાઈટરોનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને પાણીનો મારો ચલાવી કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર વિભાગની ત્વરિત કાર્યવાહીથી સદનસીબે જાનહાની ટળી છે.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ વહેલી સવારે કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલ પારેખ પસ્તી ભંડાર નામના ભંગારનાં ડેલામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ડેલામાં રહેલી પસ્તી, વાયર, પ્લાસ્ટિક અને ઓઇલનાં કેનનો મોટો જથ્થો સંગ્રહિત હોવાથી આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને પગલે આસપાસના લોકો એકઠા થયા હતાં. અને પ્રથમ તો પાણી દ્વારા આગ બુઝાવવા પ્રયાસ કર્યો હતો.

જો કે આગ ફેલાઈ રહી હોવાથી તરત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેને પગલે 7થી વધુ ફાયર ફાઈટરો દોડી ગયા હતા. અને પાણીનો મારો ચલાવવો શરૂ કર્યો હતો. જો કે ઓઇલનાં કેન સળગી ઉઠ્યા હોઈ ત્વરિત આગ બુઝાવવી જટિલ બની હતી. જેને લઈને તાત્કાલિક ફાયર ઇન્ચાર્જ ઓફિસર દ્વારા ફોમ કેમિકલ મંગાવાયું હતું. અને તેને પાણીનાં ટેન્કમાં મિશ્રિત કરીને પાંચેક કલાકની ભારે જહેમત બાદ માંડ આગ પર કાબુ મેળવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ઘટનાની જાણ થતાં સ્થાનિક રહીશો દોડી ગયા હતા. અને ફાયર વિભાગના કર્મીઓની મદદ માટે ઘરમાં રહેલી પાણીની મોટર દ્વારા પાણી છાટવામાં આવ્યું હતું. એટલું જ નહીં સ્થાનિક ભાજપ-કોંગ્રેસના આગેવાનો પણ સ્થળ પર દોડી ગયા હતા. સમયસરની કામગીરીને પગલે સદનસીબે આ દુર્ઘટનામાં જાનહાની ટળી છે. પરંતુ ડેલાનાં માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની જાણકારી સામે આવી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud