• પતિના વાયરલ વિડીયોમાં પત્ની જલ્પાબેન પર ગંભીર આક્ષેપો કરી આવા લોકો દર 2-3 વર્ષે પતિ બદલી નાખતા હોવાનું પણ જણાવ્યું
  • પતિ કેતન ત્રાંબડીયા ફીનાઇલ પી ઢળી પડયાની જાણ થતાં જ ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઈ ધાખડા સહિતનો સ્ટાફ દોડી ગયો
  • અગાઉ કેતનભાઇ ત્રાંબડીયાએ પત્ની જલ્પાબેન ઉપર શંકા કરી માર માર્યો હોવાની ઘટના બની હતી

WatchGujarat. શહેરની જાણીતી સેવાકીય સંસ્થા સાથી સેવા ગ્રુપ દ્વારા અનેક જરૂરિયાતમંદોને મદદ કરવામાં આવી ચુકી છે. જો કે આ ગ્રુપનાં સૂત્રધાર જલ્પાબેન પટેલનો પતિ કેતનભાઇ ત્રાંબડીયા સાથેનો ઝઘડો આ પહેલા પણ પોલીસ મથક સુધી પહોંચી ચુક્યો છે. ત્યારે આજે જલ્પાબેનનાં પતિ કેતન ત્રાંબડીયાએ ફેસબુકમાં એક વિડીયો દ્વારા પત્ની પર ગંભીર આક્ષેપ કર્યા હતા. અને બાદમાં પોલીસ કમિશ્નર કચેરી ખાતે ફીનાઇલ ગટગટાવી લીધું છે. જો કે ત્યાં ફરજ પરનાં પોલીસ કર્મચારીઓ દ્વારા 108ની મદદથી તેમને તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

જાણવા મળતી વિગત મુજબ આજે કેતન ત્રાંબડીયા દ્વારા ફેસબુકનાં માધ્યમથી એક વિડિયો વાયરલ કરાયો હતો. જેમાં પત્ની જલ્પાબેન પર ગંભીર આક્ષેપો કરી આવા લોકો દર 2-3 વર્ષે પતિ બદલી નાખતા હોવાનું પણ જણાવ્યું હતું. સાથે જ પોતાના માતા-પિતા અને બાળકોને હેરાન નહીં કરવાની અપીલ કરી હતી. અને બાદમાં તેઓ પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં કોઈ કંઈ સમજે તે પહેલાં ફિનાઇલ ગટગટાવી લીધું હતું. તેઓ ફીનાઇલ પી ઢળી પડયાની જાણ થતાં જ ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઈ ધાખડા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને 108 બોલાવી તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બીજીતરફ સાથી સેવા ગ્રુપનાં જલ્પાબેન પટેલે પણ ચોધાર આંસુએ રડતા રડતા ફેસબુક દ્વારા પોતાના ઉપર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા ગણાવ્યા હતા. અને પોતે રૂપિયા માટે નહીં પરંતું સેવા માટે ટ્રસ્ટ ચલાવી રહ્યા હોવાનું કહ્યું હતું. સાથે જ કેતન પટેલ જે કંઈપણ કરે તેના માટે પોતે જવાબદાર નહીં હોવાનું પણ જણાવ્યું હતું. અને કેતન પોતાની કુટેવોને લઈને આ કક્ષાએ પહોંચ્યો હોવાનો વળતો પ્રહાર કર્યો હતો. ઘટનાને પગલે પ્રદ્યુમનનગર પોલીસના એએસઆઈ હરેશભાઇ રત્નોતર સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો છે. અને હાલ કેતનનું નિવેદન લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છેકે અગાઉ કેતનભાઇ ત્રાંબડીયાએ પત્ની જલ્પાબેન ઉપર શંકા કરી માર માર્યો હોવાની ઘટના બની હતી. તે અંગે તેના ઉપર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. અને આ મામલાની તપાસ ચાલી રહી છે. ત્યારે જ કેતને વિડીયો બનાવી પોલીસ કમિશ્નર કચેરીમાં ફિનાઇલ ગટગટાવી લેતા લોકોમાં અનેક સવાલો ઉઠયા છે. જો કે જલ્પા પટેલનો ચોધાર આંસુએ રડતા-રડતા બનાવેલો વિડીયો પણ તેમના નિર્દોષ હોવાનું જણાવી રહ્યો છે. ત્યારે પતિ-પત્નીના આ ઝઘડામાં સાચું કોણ છે તે તો પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ જાણી શકાશે. પરંતુ હાલ આ બંને વિડીયો લોકોમાં ચર્ચાનો વિષય બની ગયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud