• બુટલેગરોએ જાણે પોલીસનું કોઈ અસ્તિત્વ જ ન હોય તેમ ફરી એકવાર આ સ્થળે જ ખુલ્લેઆમ દેશી દારૂનો ધંધો શરૂ કરી દીધો
  • એક મહિલા બુટલેગર તેમના ઝૂંપડામાં અને ઝૂંપડાની બહાર બેસી આરામથી ખુલ્લેઆમ દેશી દારુનું વહેંચાણ કરી રહી હોવાનું સ્પષ્ટ વિડીયોમાં જોવા મળી રહ્યું છે
  • ખુલ્લેઆમ દેશી દારૂનો વેપાર કરતા બુટલેગરો સહિત તેમના ગ્રાહકો દ્વારા નજીકમાં આવેલી એવરેસ્ટ પાર્ક સોસાયટીનાં લોકોની વિવિધ રીતે હેરાનગતિ કરવામાં આવે

WatchGujarat. શહેરમાં બુટલેગરોને જાણે પોલીસનો કોઈ ભય જ ન હોય તેમ દેશી-વિદેશી દારૂનો વેપલો ચાલી રહ્યો હોવાનું અનેકવાર સામે આવી ચૂક્યું છે. થોડા જ દિવસો પૂર્વે શહેરના કાલાવડ રોડ પર કલેક્ટર હસ્તકની જગ્યામાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે તરત જ આ સ્થળે ઉભા થયેલા ઝૂપડાઓ બાળી નાખીને અહીં રહેતા તમામને હાંકી કાઢ્યા હતા. જો કે બુટલેગરોએ જાણે પોલીસનું કોઈ અસ્તિત્વ જ ન હોય તેમ ફરી એકવાર આ સ્થળે જ ખુલ્લેઆમ દેશી દારૂનો ધંધો શરૂ કરી દીધો છે. અને જાગૃત નાગરિકે બનાવેલો આ અંગેનો વિડીયો સામે આવ્યો છે. એટલું જ નહીં આ પ્લોટ નજીકની સોસા. માં રહેતા લોકોએ પણ મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.

વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કાલાવડ રોડ ઉપર ખુદ કલેક્ટર હસ્તકની સરકારી જગ્યાને બુટલેગરોએ પોતાનો અડ્ડો બનાવી દીધો છે. અહીં સરાજાહેર દારૂ વેચવામાં આવી રહ્યો છે. આ વીડિયો રવિવાર સાંજના સમયનો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં એક મહિલા બુટલેગર તેમના ઝૂંપડામાં અને ઝૂંપડાની બહાર બેસી આરામથી ખુલ્લેઆમ દેશી દારુનું વહેંચાણ કરી રહી હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે.

ખુલ્લેઆમ દેશી દારૂનો વેપાર કરતા બુટલેગરો સહિત તેમના ગ્રાહકો દ્વારા નજીકમાં આવેલી એવરેસ્ટ પાર્ક સોસાયટીનાં લોકોની વિવિધ રીતે હેરાનગતિ કરવામાં આવે છે. જેને લઈને અહીં રહેતા લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. મહત્વની વાત એ છે કે, આ જગ્યા પર થોડા દિવસ પૂર્વે આવો એક વિડીયો વાયરલ થયા બાદ પોલીસે દબાણ કરતા ઝુંપડા સળગાવી દીધા હતા. જો કે ફરી આ જ સ્થળે બેરોકટોક દારૂનો વેપલો શરૂ થઈ ગયો છે. ત્યારે હવે માસ્ક માટે સિંઘમ બનતી પોલીસ આ બુટલેગરો સામે ક્યારે ત્રીજું નેત્ર ખોલશે તે જોવું રહ્યું

ઉલ્લેખનીય છે કે એવરેસ્ટ પાર્કમાં રહેતા લોકો દ્વારા અગાઉ પોલીસ કમિશ્નરને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાં લોકોની રજુઆત કે ફરિયાદનો કોઇ ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોનું કહેવું છે કે, આ સમસ્યાનો કાયમી ઉકેલ નહિ આવે તો આ મામલે હવે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud