• ઉપરી અધિકારીઓ અને મધુરમ કન્સ્ટ્રક્શન વચ્ચેની તકરારમાં હું પીસાવ છું – એન્જીનીયર
  • મૃતક પરેશભાઇ જોશીના પત્નીએ પોલીસમાં નોંધાવી ફરીયાદ

WatchGujarat. મનપાનાં એન્જીનીયર પરેશ ચંદ્રકાંતભાઈ જોશીએ ગત ગુરુવારે સાંજે ન્યારી ડેમમાં પડતું મૂકી  આપઘાત કર્યો હતો. આ અંગે તાલુકા પોલીસે મૃતકના પત્નીની ફરિયાદ પરથી જૂનાગઢની મધુરમ કન્સ્ટ્રક્શન કંપનીના એન્જીનિયર હાર્દિક ચંદારાણા, સુપરવાઈઝર મયુર ઘોડાસરા સામે મરવા મજબુર કર્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકે આપઘાત પહેલા તેની પત્નીને કહ્યું હતું કે, મધુરમ કન્સ્ટ્રક્શન વાળા હાર્દિક અને મયુર જીવવા નહીં દે… ઉપરી અધિકારીઓ અને મધુરમ કન્સ્ટ્રક્શન વચ્ચેની તકરારમાં હું પીસાવ છું. હાલ તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકના 47 વર્ષીય પત્ની મિલી પરેશભાઇ જોશીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પતિ પરેશ રાજકોટ મહાનગરપાલિકાની ભાવનગર રોડ પર આવેલી ઇસ્ટ ઝોન કચેરીએ વોર્ડ નં. 5 માં એડી. આસી. એન્જીનીયર તરીકે નોકરી કરતા હતા. ગત તા.27 /12/ 2021 ના રોજ હું તથા મારા પતિ તથા મારા બાળકો ઘરે હાજર હતા ત્યારે મારા પતિ બેચેનીમાં હોય તેવું લાગતું હતું. જેથી મેં કારણ પુછતા તેમણે કહ્યું હતું કે, “નવાગામથી હાઇવે સુધી આર.સી.સી. કામ ચાલુ છે. જેમાં મધુરમ કન્સ્ટ્રક્શનનાં હાર્દિકભાઈ તથા મયુરભાઇ છે જે મને કામ કરવા દેતા નથી અને હું સાઇટ પર જઇ રોડ મેપીંગ તથા રોડ લેયરનું કામ કરતો હોય ત્યાં મારી સાથે અવાર નવાર બોલાચાલી કરે છે અને મને સાઇટ પર આવવાની ના પાડે છે.

તારીખ 27 ડિસેમ્બરની સવારે તેઓ તથા જતીનભાઇ જયસુખલાલ બન્ને સાઇટ પર ગયા હતા. ત્યારે જ આ  હાર્દિકભાઇએ ફોન કરેલ અને સાઇટ પરથી ચાલ્યા જવાનું કહીને નહીં જાય તો ગામના લોકોને ત્યાં મારા વિરૂધ્ધમાં મોકલવાની વાત કરી છે.” વધુમાં મિલીબેને જણાવ્યું કે, પતિની વાત સાંભળી મેં તેઓને સાંત્વના આપી હતી. બાદમાં તા.28ના રોજ પતિ ઓફિસેથી ઘરે આવ્યા, તેઓ ખૂબ ચિંતામાં હતા. તેમણે મને કહ્યું કે, “મધુરમ કન્સ્ટ્રક્શનનાં હાર્દિકભાઇ તથા મયુરભાઇ નવાગામની સાઇટ પર સરખું કામ કરતા નથી, હું ચેક કરવા જાવ તો મારા વિરૂદ્ધમાં ગામ લોકોને ઉશ્કેરે છે. ઉપરી અધિકારી તથા મધુરમ કન્સ્ટ્રક્શનની તકરારમાં હું પીસાવ છું અને ત્રાસી ગયો છું.

તેમની આ વાત સાંભળી મેં આ મુદ્દે ઉપરી અધિકારીને જાણ કરવાનું કહી મારા પતિને સાંત્વના આપી હતી. તારીખ 30ના રોજ સવારે ઓફિસ ગયા બાદ બપોરના આશરે 3 વાગ્યે જ મારા પતિ ઘરે જમવા આવ્યા હતા. તેઓ ખૂબ જ ચિંતામાં લાગતા હતા. મેં કેમ ચિંતામાં છો તેમ પુછતા તેમણે ફરી હાર્દિકભાઈ અને મયુરભાઈ દબાણ કરતા હોવાની વાત કરી હતી. બાદમાં તેઓ ઘરેથી ગયા પછી સાંજે સાડા છ પોણા સાતેક વાગ્યે મારા મામાજીનો મને ફોન આવેલ કે પરેશે ન્યારી ડેમમાં પડી આપઘાત કરી લીધો છે. પત્નીની ફરિયાદ પરથી રાજકોટ તાલુકા પોલીસે કંપનીના એન્જીનિયર હાર્દિક ચંદારાણા અને સુપરવાઇઝર મયુર ઘોડાસરા સામે મરવા મજબૂર કર્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંઘી વધુ તપાસ શરૂ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud