• રાજકોટ જિલ્લામાં ગતવર્ષે જાન્યુ. થી મેં મહિના વચ્ચે માત્ર 9 મેલેરિયા કેસો નોંધાયા
  • જૂન મહિનો મેલેરિયા વિરોધી તરીકે ઉજવવામાં આવે છે. આ મહિનામાં મેલેરિયા નાબૂદ કરવા માતે વિવિધ કામગીરી કરવામાં આવે છે – ગૌરાંગ ઉપાધ્યાય
  • 2015માં 390 ગામો મેલેરિયા મુક્ત હતા
  • લોકો સહકાર આપશે અને મચ્છરની ઉત્પત્તિને રોકવાના પ્રયત્નોમાં ભાગીદાર બનશે તો ચાલુ વર્ષે જ મેલેરિયા સંપૂર્ણપણે નાબૂદ થશે

Watchgujarat. કોરોનાની સાથે જિલ્લાનાં ગામડાઓમાંથી મેલેરિયા નાબૂદ કરવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જૂન મહિનામાં મેલેરિયા નાબુદી અભિયાન હાથ ધરવામાં આવે છે. અને આ મહિનાને મેલેરિયા વિરોધી તરીકે ઉજવવામાં આવે છે. જેમાં જિલ્લાનાં આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયાનાં મચ્છરોની ઉત્પત્તિ રોકવા માટે સઘન કામગીરી કરવામાં આવે છે. હાલ આરોગ્ય વિભાગની આ કામગીરીને લઈને રાજકોટ જિલ્લાના 600 પૈકી 593 ગામ મેલેરિયા મુક્ત બની ચુક્યા છે. અને ચાલુવર્ષે તમામ ગામોમાંથી મેલેરિયાનો ખાત્મો કરવાની દિશામાં ઝડપભેર કામગીરી કરવામાં આવી રહી છે.

રાજકોટ જિલ્લા મેલેરિયા અધિકારી ગૌરાંગ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, જૂન મહિનો મેલેરિયા વિરોધી તરીકે ઉજવવામાં આવે છે. આ મહિનામાં મેલેરિયા નાબૂદ કરવા માતે વિવિધ કામગીરી કરવામાં આવે છે. જેમાં આરોગ્ય વિભાગનાં ભાઈઓ-બહેનો ઘરે-ઘરે પહોંચીને તાવનાં કેસોની શોધ કરે છે. અને જે-તે ઘરના ટાંકા વગેરેની તપાસ કરીને તેમાં મચ્છરની ઉત્પત્તિ રોકવાની દવાનો છટકાવ કરવામાં આવે છે. સાથે ગામનાં ખાડા અને ખાબોચિયામાં પણ દવાઓ છાટવામાં આવે છે. તો મોટા તળાવોમાં મેલેરિયાનાં પોરાનો નાશ કરી શકે તેવી માછલી મુકવામાં આવતી હોય છે.

રાજકોટ જિલ્લામાં ગતવર્ષે જાન્યુ. થી મેં મહિના વચ્ચે માત્ર 9 મેલેરિયા કેસો નોંધાયા હતા. અને ચાલુ વર્ષે 8 કેસો નોંધાયા છે. છેલ્લા 5-7 વર્ષની વાત કરીએ તો વર્ષ 2015માં રાજકોટ જિલ્લામાં 900 જેટલા કેસ હતા. જે ઘટીને ગતવર્ષે માત્ર 89 થતા 90 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. 2015માં 390 ગામો મેલેરિયા મુક્ત હતા. જેની સામે ગતવર્ષે 593 ગામોમાં મેલેરિયાનો એકપણ કેસ નોંધાયો નહોતો. હાલ તમામ ગામોમાંથી મેલેરિયા નાબૂદ થાય તે પ્રકારના પ્રયાસો ચાલી રહ્યા છે. જેમાં રાજ્ય સરકારનો પૂરતો સહયોગ મળી રહ્યો છે. જો લોકો પણ સહકાર આપશે અને મચ્છરની ઉત્પત્તિને રોકવાના પ્રયત્નોમાં ભાગીદાર બનશે તો ચાલુ વર્ષે જ મેલેરિયા સંપૂર્ણપણે નાબૂદ થશે તે નિશ્ચિત છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud