• રાજકોટમાં પાલિકા તંત્ર દ્વારા ભરચોમાસે ડિમોલીશનની કામગીરી હાથ ધરાતા અનેક પરિવારોની ઉપર આભ અને નીચે જમીન જેવી સ્થિતી થઇ
  • મનપા દ્વારા એક વર્ષ પહેલાં મકાનધારકોને નોટિસ પાઠવવામાં આવી હતી
  • આજે વહેલી સવારે મનપા દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરાયું, જેમાં મનપાની ટી.પી.શાખા, PGVCL , મનપા વિઝિલિયન્સ, શહેર પોલીસ શહેરના વિભાગો જોડાયા

WatchGujarat. મહાનગરપાલિકા દ્વારા શહેરનાં વોર્ડ નંબર 13માં આવેલા ખોડિયાર નગર વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ખોડિયારનગરમાં ટી. પી. રોડ પસાર થવાનો હોવાથી મહાનગરપાલિકા દ્વારા 80થી વધુ મિલકતો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. જો કે ભર ચોમાસે સામાન રસ્તા પર મૂકી કરવામાં આવેલી આ કાર્યવાહીને લઈને સ્થાનિક મહિલાઓમાં આંસુ સાથે આક્રોશ જોવા મળ્યો હતો. અને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ ભોગ બનનારાઓ દ્વારા કરાઈ હતી.

જાણવા મળતી વિગત મુજબ, મનપા દ્વારા એક વર્ષ પહેલાં મકાનધારકોને નોટિસ પાઠવવામાં આવી હતી. જેનો જવાબ સ્થાનિકોએ આપ્યો હતો. પરંતુ બાદમાં ત્રણેક દિવસ પહેલા ફરી મકાન ખાલી કરવાની નોટિસ મળતા સ્થાનિકો મ્યુ. કમિશ્નરને રજૂઆત કરવા દોડી ગયા હતા. પરંતુ તેમ છતાં આજે વહેલી સવારે મનપા દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મનપાની ટી.પી.શાખા, PGVCL , મનપા વિઝિલિયન્સ, શહેર પોલીસ શહેરના વિભાગો જોડાયા હતા. તેમજ 80 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. જોકે મનપાનાં અધિકારીએ જણાવ્યા મુજબ અગાઉ પણ જાણ કરવામાં આવી હોવા છતાં કોઈએ મકાન દુકાન ખાલી કર્યા નહોતા.

મનપાની આ કાર્યવાહીને લઈને સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. એક મહિલાએ કોર્પોરેટર પર આક્ષેપ લગાવ્યા હતા. અને કહ્યું હતું કે, નીતિન રામાણી આ વિસ્તારના નેતા છે. પરંતુ તેઓ માત્ર મત લેવા જ આવે છે. અમે પાણી સહિતના વેરાઓ પણ સમયસર ભરીએ છીએ. છતાં આ વિસ્તારમાં કોઈ જ સુવિધા આપવામાં આવતી નથી. આ ડિમોલિશન પૂર્વે કોર્પોરેશન દ્વારા માત્ર 3 દિવસનો સમય અપાયો હતો. અનેક રજૂઆતો કરવા છતાં ભર ચોમાસે ડિમોલિશન કરવામાં આવતા ઘરવખરી રસ્તા વચ્ચે પલળી રહી છે. અને હવે ક્યાં જવું અને શું કરવું તે કાંઈ સમજાતું નથી. ત્યારે અમારી માંગ છે કે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે.

બીજીતરફ અન્ય એક સ્થાનિક મહિલા પારૂલબેને કહ્યું હતું કે, અમે બીજે રહેવા માટે વ્યવસ્થા કરી આપવાની રજુઆત કરી છે. હાલ ઘર પડી ગયું હોવાથી સામાન શેરી વચ્ચે રાખ્યો છે. અને ઝરમર વરસાદથી ઘરવખરી પણ પલળી ગઈ છે. અમારે તો બધુ જ લૂંટાઈ ગયું છે. હાલ કોઈ ભાડે મકાન આપતું નથી. આથી વૈકલ્પિક સુવિધા આપો જેથી ચોમાસામાં અમે અને ઘરવખરી સુરક્ષિત રહી શકે. હાલ અમે ક્યાં જઇએ, આજે કંઈ રીતે રસોઈ બનાવવી તે કંઈ સમજ પડતી નથી. નાના બાળકો ભૂખ્યા થાય તો તેને શું ખવડાવીશું તેની ચિંતા પણ કોરી ખાય છે. ચોમાસામાં ડિમોલિશન કરવામાં આવ્યું હોવાથી ઉપર આભ અને નીચે ધરતી જેવી અમારી સ્થિતિ થઇ ગઇ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud