• ધો – 12 પાસ કર્યા બાદ પુત્રીને મેડીકલ કોલેજમાં એડમિશન લેવા માટે પિતાએ પ્રયત્નો શરૂ કર્યા
  • સંબંધી મારફતે રાજકોટના કારખાનેદાર માલિક ઠગ જય ગોવાણીના સંપર્કમાં આવ્યા
  • ઠગે સુરેન્દ્ર નગરની મેડીકલ કોલેજમાં મેનેજમેન્ટ ક્વોટામાં એડમિશમન અપાવવાની લાલચે રૂપિયા ખંખેર્યા

WatchGujarat. શહેરના સાધુવાસવાણી રોડ પર આદિત્ય હાઇટ્સમાં રહેતા એક કારખાનેદારની પુત્રીને મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાની ખાતરી આપી કટકે કટકે રૂ. 20.50 લાખની છેતરપીંડી થયાની ઘટના સામે આવી છે. આ ગુનો આચરનાર પિતા-પુત્ર પૈકી પોલીસે જય ગોવાણીને ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી છે. જો કે આ આરોપીઓએ અન્ય ત્રણ જેટલા લોકો પાસેથી પણ એડમિશનના નામે મોટી રકમની છેતરપિંડી કર્યાનું ચર્ચાઈ રહ્યું છે.

રાજકોટનાં આદિત્ય હાઇટ્સમાં રહેતા શૈલેષભાઇ મગનલાલ મણવરે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ, જય ગોપાલ ગોવાણી અને તેના પિતા ગોપાલ ગોકળદાસ ગોવાણીના નામ આરોપી તરીકે આપ્યા છે. અને જણાવ્યું છે કે, વર્ષ 2018 માં તેમની પુત્રી પાનસીએ ધોરણ 12 પાસ કર્યું હતું. પુત્રીને મેડિકલમાં પ્રવેશ મળી રહે તે માટે તેઓ પ્રયાસ કરતા હતા. દરમિયાન સંબંધી મારફત તેમનો સંપર્ક જય અને તેના પિતા ગોપાલ ગોવાણી સાથે થયો હતો.

આ પિતા-પુત્રએ મેનેજમેન્ટ ક્વોટામાં એડમિશન થઇ જશે તેવી ખાતરી આપી પ્રથમ રૂ.10 લાખ આપવાની અને એડમિશન બાદ અન્ય રકમ આપવાની વાત કરતા પોતે રૂ.10 લાખ આપ્યા હતા. પંદર દિવસ બાદ જય ગોવાણી ઘરે આવ્યો હતો. અને એડમિશનમાં મોડા થયા છીએ તેમ કહી 3 લાખ પરત આપી ગયો હતો. બાદમાં વર્ષ 2019માં જય ગોવાણી કારખાનેદારના ઘરે પહોંચ્યો હતો. અને સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ ક્વોટામાં એડમિશન નક્કી થઇ ગયું છે તેમ કહી રૂ.9 લાખ લઇ ગયો હતો.

એટલું જ નહીં ત્યારબાદ કોલેજ ફી અને હોસ્ટેલ ફીના નામે કટકે કટકે રૂ.20.50 લાખ લઇ ગયા બાદ લાંબો સમય વીતી જવા છતાં પુત્રીને એલોટમેન્ટ લેટર મળ્યો નહોતો. જેને લઈ પોતે જયનો ટેલિફોનિક સંપર્ક કરતા જયે બહારગામ હોવાનું કહ્યું હતું. બાદમાં જય અને તેના પિતાએ મોબાઇલ સ્વિચ ઓફ કરી દેતા જય અને તેના પિતાએ છેતરપિંડી કરી હોવાની આશંકાએ પોતે  સુરેન્દ્રનગરની કોલેજમાં તપાસ કરતાં પુત્રીનું એડમિશન નહીં થયાનું સ્પષ્ટ થયું હતું.

મેડિકલ કોલેજમાં એડમિશનનાં નામે છેતરપિંડી થયાનું સ્પષ્ટ થતાં અંતે તેમણે બંને સામે ફરિયાદ નોંધાવી હોવાનું શૈલેષભાઇએ જણાવ્યું છે. સાથે જ આરોપી પિતા-પુત્રએ અન્ય ત્રણ વ્યક્તિ પરેશભાઇ પટેલના પુત્ર, રાજેશભાઇ ગજેરાની પુત્રી અને અશોકભાઇ ભૂવાના પુત્રને પણ એડમિશન આપવાના બહાને મોટી રકમ લીધાનો આક્ષેપ તેમણે ફરિયાદમાં કર્યો છે. જેને પગલે પોલીસે છેતરપિંડી વિશ્વાસઘાત સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જય ગોવાણીને ઝડપી પાડી સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud