• પશ્ચિમ રેલવેનાં રાજકોટ સર્કલ ઇન્સપેક્ટર દ્વારા અમદાવાદથી રાજકોટ-જુનાગઢ સુધીના સ્ટેશનો પરનાં સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરાઇ
  • સોનીબજારમાં પણ દાગીનાં કોઈ વેચવા આવે તો પોલીસને જાણ કરવા તાકીદ કરવામાં આવી

WatchGujarat બાંદ્રા-વેરાવળ ટ્રેનમાંથી દિક્ષા પૂર્વે ટ્રેનમાં જૈન યાત્રાએ નિકળેલી યુવતિનાં 19 લાખથી વધુનાં સોનાના દાગીનાની ચોરીની ઘટના સામે આવી છે. જેને લઈને પશ્ચિમ રેલવેનાં રાજકોટ સર્કલ ઇન્સપેક્ટર દ્વારા અમદાવાદથી રાજકોટ-જુનાગઢ સુધીના સ્ટેશનો પરનાં સીસીટીવી કેમેરા ચકાસીને તપાસ હાથ ધરવામાં આવી છે. સોનીબજારમાં પણ દાગીનાં કોઈ વેચવા આવે તો પોલીસને જાણ કરવા તાકીદ કરવામાં આવી છે.

જાણવા મળતી વિગત મુજબ મુંબઈના વાલકેશ્વરમાં રહેતા પરીશીબેન ભરતભાઈ મહેતા દીક્ષા લેવાના હોઈ તે પૂર્વે જૈનયાત્રા કરવા માતા હેતલબેન તથા ભાઈ જૈનમ સાથે ટ્રેનમાં મુંબઈથી જુનાગઢ આવવા નિકળ્યા હતા. અમદાવાદ એક દિવસના રોકાણ બાદ તેઓ ટ્રેન મારફત બાંદ્રા-વેરાવળ ટ્રેનમાં જુનાગઢ જવા નિકળ્યા હતા. દરમિયાન તેઓ પાસે બેગમાં રૂા.19.60 લાખની કિંમતના સોનાના ઘરેણા હતા. જુનાગઢમી કાંતાબા સંકુલન ધર્મશાળામાં પહોંચ્યા બાદ બેગ ખોલતાં જ સોનાના દાગીના ભરેલા પ્લાસ્ટીકનાં બે બોકસ ગાયબ હોવાનું માલુમ પડયુ હતું. જેને પગલે જુનાગઢ રેલવે પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

અમદાવાદથી જુનાગઢ બાંદ્રા-વેરાવળ ટ્રેનના એસી કોચમાં પ્રવાસ દરમિયાન સોનાના આ દાગીનાની ચોરી થયાની શંકાના આધારે જુનાગઢ રેલવે પોલીસે ગુન્હો દાખલ કર્યો છે. બનાવ અમદાવાદથી જુનાગઢ સુધીનાં માર્ગમાં બન્યો હોવાના અનુમાનના આધારે હાલ તપાસ પશ્ચિમ રેલવે રાજકોટનાં સર્કલ ઈન્સ્પેકટર વસાવાને સોંપવામાં આવી છે. રેલવે પોલીસના સુત્રોએ કહ્યું કે તસ્કર ગેંગને પકડવા માટે અમદાવાદ, જુનાગઢ અને રાજકોટ સહીતનાં રેલવે સ્ટેશનોનાં સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત અમદાવાદથી પણ અધિકારી તપાસ માટે રાજકોટ આવ્યા છે. રેલવે પોલીસ એકબીજા સાથે સંકલન સાધીને તપાસ કરતી હોવા છતાં હજુ સુધી કોઈ કડી હાથ લાગી નથી. ચોરાયેલા દાગીનાના ફોટા ફરીયાદી પાસે હોવાથી તે રેલવે પોલીસને સોંપ્યા હતા. જેના આધારે રેલવે પોલીસ રાજકોટ સોનીબજારમાં પણ પહોંચી હતી અને ફોટાવાળા દાગીનાં કોઈ વેચવા આવે તો પોલીસને જાણ કરવા તાકીદ પણ કરવામાં આવી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud