• માસુમ હરીને જન્મ અપતાની સાથે જ કોઈ મજબૂરીવશ જન્મદાત્રી જ બાલાશ્રમની બહાર પારણમાં મૂકી ગઇ – બાલાશ્રમનાં પ્રમુખ હરેશ વોરા
  • સપના કપૂરે હરિની માતા બની આજીવન તેની સંભાળ લેવાનું વચન આપ્યું
  • ભાગ્યની રેખા કોને ક્યાં લઈ જાય છે તે તો ખુદ ભગવાન શ્રી કૃષ્ણને પણ ખબર ન હતી – સપના કપૂર

કુલીન પારેખ. કાઠિયાવાડ બાલાશ્રમનાં 4 મહિનાના હરીને મુંબઇની માતાએ મમતાના ખોળે બેસાડ્યો છે. અગાઉ ચાર મહિનાના આ માસૂમને બાલાશ્રમનાં સંચાલકો જ ઉછેરી રહ્યા હતા. જોકે મૂળ દિલ્હીનાં અને હાલ મુંબઈ રહી મલ્ટિનેશનલ કંપનીમાં સબ્જેક્ટ એક્સપોર્ટર તરીકે ફરજ બજાવતા સપના કપૂર આજે આ માસુમની માતા બન્યા છે. આ તકે તેમણે ‘હરી’ને કૈરવનું નામ આપતા કહ્યું હતું કે, હવે કપૂર પરિવારમાં જ હરી ‘કૈરવ’ બનીને  ખીલશે..

સપના કપૂરનાં જણાવ્યા મુજબ, ભાગ્યની રેખા કોને ક્યાં લઈ જાય છે તે તો ખુદ ભગવાન શ્રી કૃષ્ણને પણ ખબર ન હતી. એવી જ રીતે રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમના પારણામાં તરછોડાયેલા ચાર મહિનાનાં હરીની લકીર મને મુંબઈથી અહીં ખેંચી લાવી છે. હું અપરિણીત છું. અને ખાનગી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવું છું. અને મેં સિંગલ મધર બનવાનું પસંદ કર્યું હતું. જેના માટે બાળકને દત્તક લેવા માટેની તમામ પ્રક્રિયા હાથ ધરી હતી.

આ તમામ પ્રક્રિયા પૂર્ણ થતાં આજે હરિને લેવા માટે મારા ફેમિલી ફ્રેન્ડ અને માતા સાથે આવી છું. આ તકે સપના કપૂર સાથે તેમની માતાની આંખમાં પણ ખુશીના આસું સરી પડયા હતા. અને બાલાશ્રમમાં પણ ભાવુક માહોલ જોવા મળ્યો હતો. દરમિયાન સપના કપૂરે આ બાળકની માતા બનીને આજીવન તેની સંભાળ લેવાનું વચન આપ્યું હતું. અને માસુમ હરીને કૈરવનું નવું નામ પણ આપ્યું હતું.

કાઠીયાવાડ બાલાશ્રમનાં પ્રમુખ હરેશ વોરાનાં કહેવા અનુસાર, આ માસુમ હરીને જન્મ અપતાની સાથે જ કોઈ મજબૂરીવશ જન્મદાત્રી જ બાલાશ્રમની બહાર પારણમાં મૂકી ગઇ હતી. અને ત્યારથી અહીંનો સ્ટાફ જ પરિવાર બનીને તેની સંભાળ લેતો હતો. આજે આ માસુમને સુખી અને શિક્ષિત પરિવાર મળ્યો છે. તે માટે ખુશી તો છે જ પણ આ બાળક હવે અમારાથી દૂર થઈ જશે તે વાતનું દુઃખ પણ થાય છે. જો કે હવે આ હરીને મમતાના ખોળે ઝૂલાવનારી માતા મળી ગઈ છે. તે ખુશી ઘણી મોટી છે. અને આ માટે ભગવાનનો આભારી છું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud