• રાજકોટમાં છેલ્લા 10 દિવસથી રસીની ભંયકર તંગી હોવાથી મોટાભાગના રસીકરણ કેન્દ્રો બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે
  • સરકાર દ્વારા પ્રથમ ડોઝ અને બીજો ડોઝ કેટલા વ્યક્તિએ પુરા કર્યા ? સહિતના સવાલોના કોઈ જવાબ આપવામાં આવતા નથી
  • રાજ્ય સરકાર દ્વારા વેપારીઓને 30 જૂન સુધીમાં વેકસીન ફરજિયાત લેવાનો નિર્ણય કરાયો

Watchgujarat. રાજ્ય સરકાર દ્વારા વધુને વધુ વેક્સિનેશન કરી રસીકરણ મહાઅભિયાન શરૂ કરવાની મોટી-મોટી વાતો કરવામાં આવી હતી. પરંતુ રાજકોટ શહેરમાં પણ લોકોને પૂરતી વેકસીન ન મળતા આ મહાઅભિયાનનો ફિયાસકો થયો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસનાં ઉપાધ્યક્ષ હેમાંગ વસાવડાએ આ મામલે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ સરકાર એકતરફ મોટી-મોટી વાતો કરે છે. બીજીતરફ CM રૂપાણીનાં હોમટાઉનમાં પણ લોકો વેકસીન માટે વલખા મારી રહ્યા છે.

વધુમાં વસાવડાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં છેલ્લા 10 દિવસથી રસીની ભંયકર તંગી હોવાથી મોટાભાગના રસીકરણ કેન્દ્રો બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. આ સરકાર વેક્સીનેશન બાબતે સતત ખોટું બોલી આંકડા છુપાવી રહી છે. સરકાર દ્વારા પ્રથમ ડોઝ અને બીજો ડોઝ કેટલા વ્યક્તિએ પુરા કર્યા ? સહિતના સવાલોના કોઈ જવાબ આપવામાં આવતા નથી. ત્યારે મારો CM રૂપાણીને સીધો સવાલ છે કે, છેલ્લા 15 દિ દરમિયાન રાજકોટને કેટલી વેકસીન અને કઈ વેકસીન અપાઈ? વિવિધ સંસ્થાઓને રસીકરણ કેમ્પ માટે કેટલી મંજૂરી આપી? હાલ કેટલી મંજૂરી પેન્ડિંગ છે? સરકાર દ્વારા જો ખરેખર સાચી કામગીરી થતી હોય તો સવાલોનાં જવાબ જાહેર કરે.

રાજ્ય સરકાર દ્વારા વેપારીઓને 30 જૂન સુધીમાં વેકસીન ફરજિયાત લેવાનો નિર્ણય કરાયો છે. પરંતુ હાલ વેકસીનનો જથ્થો પૂરતા પ્રમાણમાં નહીં હોવાથી સરકારે આ નિર્ણય રદ્દ કરવો જોઈએ. સાથે વેકસીન ન લીધી હોવાના કારણે પોલીસ કે અન્ય તંત્ર વેપારીઓને હેરાન કરે તો કોંગ્રેસે જાહેર કરેલ હેલ્પલાઇન નંબરમાં સંપર્ક કરવા અપીલ પણ વસાવડાએ કરી છે.

બીજીતરફ આકાશવાણી નજીકનાં આરોગ્ય કેન્દ્ર ખાતે એક વકીલ સ્ટાફ પર કાળઝાળ થયા હતા. અને તેમણે કહ્યું હતું કે, છેલ્લા 8 દિવસથી ધક્કા ખાઇએ છીએ. અને તમે આજે આવો અને કાલે આવોના બહાના બતાવી લોકોને ખોટા ધક્કા ખવડાવી રહ્યા છો. તમે કેન્દ્રની બહાર બંધ છે તેવું બોર્ડ મારો તો લોકો વાંચીને જ જતા રહે. પરંતુ બોર્ડના અભાવે લોકોને અંદર સુધી ધક્કા થાય છે. ઉલ્લેખનીય છે કે, આજે રાજકોટમાં 32 સેશન સાઇટ પર રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જોકે સતત 3 દિવસ બાદ કોવિશિલ્ડનો માત્ર 6000 ડોઝનો જથ્થો મળતા 30 સેન્ટરો ઉપર કોવિશિલ્ડ આપવાનો નિર્ણય કરાયો છે.

જો કે વેકસીન લેવા આવનારની સંખ્યા ઘણી મોટી હોવાથી દરેક કેન્દ્રો ઉપર લોકોનું સ્ટાફ સાથે ઘર્ષણ સર્જાઈ રહ્યું છે. શિવશક્તિ રસીકરણ કેન્દ્ર પર વેક્સિન લેવા માટે આવેલા એડવોકેટ મનીષ ડેડકીયાએ કહ્યું હતું કે, વેક્સિન લેવા માટે રોજ ધક્કા ખાવા પડી રહ્યાં છે. આજે 70 લોકોને ટોકન આપી ટોકન પુરા થઇ ગયા હોવાનું કહેવામાં આવ્યું છે. જ્યારે બાકીના લોકોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યાનું જણાવાઈ રહ્યું છે. જો સરકાર દ્વારા ઓન સાઇટ વેક્સિનેશનની જાહેરાત કરાઈ છે તો ઓનલાઈન શા માટે ? તેની કોઇ સ્પષ્ટતા કરવામાં આવતી નથી. તેમજ મેનેજમેન્ટના અભાવે લોકો હેરાન થઇ રહ્યા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો  છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud