• રાજકોટ સહિત રાજ્યમાં કોરોના કાળમાં શિક્ષણ એકાએક ઓનલાઇન કરી દેવામાં આવતા અનેક પરિવારોમાં સીમિત સંસાધનોને કારણે મુશ્કેલી સર્જાઇ
  • ઘરકામ કરવા જાઉં ત્યારે દિકરીને સાથે રાખું છું, હું કામ કરૂ અને દિકરી મોબાઇલમાં અભ્યાસ કરી લે છે – જયાબા જાડેજા
  • બાળકનાં અભ્યાસ માટે મોબાઈલ-ઈન્ટરનેટ સહિતની વ્યવસ્થાઓ કરવી ફરજીયાત બની જતા ગરીબ વર્ગનાં લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે

કુલીન પારેખ. કોરોનાકાળમાં શાળાઓ બંધ હોવાથી લાંબા સમયથી શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે. જેને કારણે બાળક માટે મોબાઈલ અનિવાર્ય બની ચુક્યો છે. જેમાં આર્થિક સધ્ધર હોય તેવા લોકો દ્વારા તો પોતાના બાળકોને અલગ મોબાઈલ ઉપરાંત ઈન્ટરનેટની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી છે. પરંતુ ગરીબ વર્ગનાં લોકોને અલગ મોબાઈલ ખરીદવો પરવડે તેમ નહીં હોવાથી ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. શહેરમાં રહેતી આવી એક બાળકી પાસે પણ અલગ મોબાઈલની સગવડ નથી. માસુમનાં પિતા મેન્ટલ છે અને માતા ઘરકામ કરે છે. જેને લઈને આ માસુમ ઘરકામ કરતી માતા સાથે જઈને અભ્યાસ કરે છે.

આ અંગે ઘરકામ કરતા આ બાળકીના માતા જયાબા પ્રવિણસિંહ જાડેજા કહે છે કે, મારા પતિ માનસિક રીતે અસ્થિર હોવાથી હું પારકા ઘરનાં કામ કરૂં છું. અમારી આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી અમારી પાસે માત્ર એક જ મોબાઇલ છે. જેની મારે જરૂરિયાત રહેતી હોય છે. બીજીતરફ હાલ ઓનલાઈન શિક્ષણ ચાલતું હોઈ મારી દીકરી માટે પણ મોબાઈલ ખૂબ જરૂરી બની ગયો છે. આ કારણે હું જ્યારે ઘરકામ કરવા જાઉં ત્યારે મારી દીકરીને સાથે રાખું છું. અને હું જ્યારે અન્ય ઘરમાં કામ કરૂં છું ત્યારે આ મોબાઈલમાં જ દીકરી તેનો અભ્યાસ પણ કરે છે. હું જે ઘરોમાં કામ કરૂં છુ, તે લોકોએ પણ મને દીકરીને સાથે લાવવાની મંજૂરી આપી દેતા કોઈ મુશ્કેલી વિના દીકરીનો અભ્યાસ ચાલી રહ્યો છે. જોકે તેના કલાસ ચાલતા હોય ત્યારે જ મારા ફોન આવતા હોવાથી તેણીને અભ્યાસમાં ખલેલ પડે છે. પરંતુ હવે દિકરીએ પણ આ વાત સ્વીકારીને પોતાનો અભ્યાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં એક તો લોકોની આવક ઘટી છે. બીજીતરફ સ્કૂલ ફીમાં પણ સરકારે માત્ર 25% રાહત આપી છે. જેની સામે લોકોને તેમના બાળકનાં અભ્યાસ માટે મોબાઈલ-ઈન્ટરનેટ સહિતની વ્યવસ્થાઓ કરવી ફરજીયાત બની જતા ગરીબ વર્ગનાં લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે આવી અનેક મુશ્કેલીઓ સામે લડીને પણ મોટા ભાગનાં વાલીઓ પોતાના બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે. તો કેટલાક માતા-પિતા મોબાઈલ અને ઈન્ટરનેટની વ્યવસ્થા નહીં કરી શકતા તેમના બાળકોએ અભ્યાસ છોડવાની પણ ફરજ પડી છે. ત્યારે ખરેખર સરકારે આ દિશામાં વિચારી ગરીબ વર્ગના બાળકોની માટે કંઈક અલાયદી વ્યવસ્થા કરવાની જરૂર છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud