• સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા ઉપરાંત વિકટ પરિસ્થિતિમાં સમાજના દરેક વર્ગને મદદરૂપ થવા હમેશાં માનવીય અભિગમ સાથે તત્પર
  • સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન, ઉપરાંત ગિરિરાજ હોસ્પિટલ અને ખ્યાતનામ ડો.કમલ પરીખના સંયુક્ત ઉપક્રમે કોરોના કેર ટેકર વર્ચ્યુલ તાલીમ શિબિર શરૂ કરવામાં આવી
  • જ્યારે વ્યક્તિ માનસિક, શારીરિક અને શૈક્ષણિક આ ત્રણેય પાસામાં મજબૂત હોય ત્યારે જ સ્થિર સમાજ જીવન પ્રાપ્ત થાય – શિક્ષણવીદ ડી.વી.મહેતા

WatchGujarat. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, મનોવિજ્ઞાન ભવન અને ડૉ.કમલ પરીખના સંયુક્ત ઉપક્રમે સંકટ નિવારક કોરોનાં કેર ટેકર શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે વર્ચ્યુઅલ રીતે તાલીમ શિબિરનું ઉદ્ઘાટન કરાયું હતું. આ શિબિરમાં તાલીમના માધ્યમથી સમાજને મનોવૈજ્ઞાનિક, સામાજિક અને શારીરિક સુદ્રઢ બનાવી શકાશે. જેમાં વિધાર્થીઓ,શિક્ષકો,ગૃહિણીઓ અને વ્યવસાયિકો પણ જોડાઈ શકશે. આગામી 3 મહિના દરમિયાન સ્ટ્રેસ મેનેજમેન્ટ, આત્મવિશ્વાસનો વિકાસ, અને સ્વ નિયંત્રણની સાથે ખુદની ઓળખ વગેરે બાબત આ શિબિરમાં તાલીમ આપવામાં આવશે. શિબિરના પ્રારંભ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ, ઉપકુલપતિ, મનોવૈજ્ઞાનિક ભવનના અધ્યાપકો, DEO, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદેદારો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા ઉપરાંત વિકટ પરિસ્થિતિમાં સમાજના દરેક વર્ગને મદદરૂપ થવા હમેશાં માનવીય અભિગમ સાથે તત્પર રહેતું મજબૂત અને જાગૃત સંગઠન છે. તેમજ  મનોવિજ્ઞાન ભવન છેલ્લા બે વર્ષથી સતત કાઉન્સેલિંગ સેવા કરી રહ્યું છે. જેમાં અત્યાર સુધી આશરે 81,000 લોકોનું કાઉન્સેલિંગ કરી માનસિક સધિયારો આપ્યો છે. ત્યારે સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન, ઉપરાંત ગિરિરાજ હોસ્પિટલ અને ખ્યાતનામ ડો.કમલ પરીખના સંયુક્ત ઉપક્રમે કોરોના કેર ટેકર વર્ચ્યુલ તાલીમ શિબિર શરૂ કરવામાં આવી છે. જેનો હેતુ આ સમાજને પ્રવર્તમાન પરિસ્થિતિમાં માનસિક, સામાજિક અને શારીરિક મજબૂત બનાવવાનો છે.

આ શિબિરનાં પ્રારંભ સમયે સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ ના પ્રમુખ અને શિક્ષણવીદ ડી.વી.મહેતાએ કહ્યું હતું કે, મજબૂત સમાજનું ઘડતર સમાજમાં રહેનાર વ્યક્તિઓના વિકાસ અને સ્થિરતાથી જ શક્ય બને છે. જ્યારે વ્યક્તિ માનસિક, શારીરિક અને શૈક્ષણિક આ ત્રણેય પાસામાં મજબૂત હોય ત્યારે જ સ્થિર સમાજ જીવન પ્રાપ્ત થાય છે. શિક્ષણ દ્વારા તે ઉત્તમ કારકિર્દી બનાવીને જીવન નિર્વાહ કરી શકે છે. સાથે માનસિક સ્થિરતાને કારણે તેના જીવનમાં સાચા નિર્ણયો લેવાની ક્ષમતામાં વધારો થાય છે. અને શારીરિક રીતે મજબૂત હોવાને કારણે કપરી પરિસ્થિતિમાં પણ મહેનત કરવા માટે ક્ષમતા પ્રાપ્ત કરી શકે છે. શિબિર દ્વારા લોકોના આ ત્રણેય પાસાને મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

તો મનોવિજ્ઞાન ભવનના વડા ડો. યોગેશ એ.જોગસણ કહે છે કે, કોરોનાની શારીરિક કરતા માનસિક અસર વધુ જોવા મળી છે. સતત દોઢ-બે વર્ષથી કાઉન્સેલિંગ દરમિયાન જોવા મળ્યું કે શરીર કરતા મનની બીમારીથી લોકો વધુ પીડાઈ રહ્યા છે. અને તેની અસર વ્યક્તિના સામાજિક, આર્થિક અને સમાયોજન એમ દરેક પાસા પર પડતી જોવા મળી છે. આમ વ્યક્તિને માનસિક, સામાજિક, શૈક્ષણિક અને શારીરિક તાલીમ મળે અને મજબૂતી મળે એ હેતુથી આ આયોજન સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે.

આ તાલીમનો મુખ્ય હેતુ સમાજને મજબૂત માનવી મળી રહે અને જેથી સમાજને મજબૂત બનાવી શકાય. સમાજને મનોવૈજ્ઞાનિક, સામાજિક, શારીરિક સુદ્રઢ બનાવી શકાય તે છે. વિદ્યાર્થીઓથી લઈને શિક્ષકો, ગૃહિણીઓ, વ્યવસાયિકો અને રસ ધરાવનાર તમામ વ્યક્તિઓ જોડાઈ શકશે. આ તાલીમને દ્વારા લોકોને ઘણા ફાયદાઓ પણ થશે. જેમ કે, કપરી પરિસ્થિતિમા માનસિક વ્યવસ્થાપન સાથે નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો, વ્યક્તિત્વની ઓળખ, સમાયોજન સાધવાની ક્ષમતામા વધારો અને સ્ટ્રેસ સામે લડવાની ક્ષમતામાં વધારો થશે. ત્યારે વધુમાં વધુ લોકોને આ શિબિર સાથે જોડાવાની અપીલ પણ તેમણે કરી છે.

ઉલ્લેખનીય છે કે, તાલીમ કાર્યક્રમ તા.30 જુલાઈથી 30 ઓક્ટોબર (3 મહિના ) દરમિયાન દર શુક્રવાર અને શનિવારના સાંજે 5:00થી 6:00 કલાકે વર્ચ્યુઅલી યોજાશે. જેમાં દર શનિવારે એક નાનું પણ સર્જનાત્મક અસાઈન્મેન્ટ ગૂગલ ફોર્મના માધ્યમથી સબમિટ કરવાનું રહેશે. તાલીમના અંતે એક  કસોટી યોજાશે. જેના અંતે તાલીમાર્થીઓને ગ્રેડ મુજબ સર્ટિફિકેટ એનાયત કરાશે. આ તાલીમ શિબિર તદ્દન નિઃશુલ્ક છે. પરંતુ રજીસ્ટ્રેશન કરાવવું અને દર શુક્રવાર અને શનિવારે તાલીમ લેવી અનિવાર્ય છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud