• ગુજરાતમાં હાલમાં ખૂબ ખરાબ સમય ચાલી રહ્યો છે. મોંઘવારી,ભ્રષ્ટાચાર સહિતની બાબતથી પ્રજા હેરાન છે – અમિત ચાવડા
  • જે શાસકોએ નલિયા કાંડ, જાસૂસી, હોસ્પિટલમાં મેડીકલ સ્ટાફ પર યૌન શોષણમાં કોઈ ચોક્કસ પગલાં લીધા નથી. તે સરકાર હાલ નારી સન્માનની વાત કરે છે
  • લિંગ ભેદના કારણે ગુજરાતમાં દર વર્ષે 9 હજારથી વધુ બાળકીઓની હત્યા

WatchGujarat. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા આજે રાજકોટની મુલાકાતે છે. અહીં તેમણે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે ભાજપ દ્વારા કરવામાં આવી રહેલી નારી દિવસની ઉજવણી મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા. અને કહ્યું હતું કે, મહિલા મુખ્યમંત્રીને ષડયંત્ર કરી હટાવનાર નારી શક્તિની વાતો કરે છે ! સાથે કોરોનાની બીજી લહેરમાં સરકારની નિષ્ફળતા સહિત વિવિધ મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા. અને મહિલાઓને સાચા અર્થમાં ઝડપથી ન્યાય મળે તે માટે મહિલા પોલીસ મથકની સંખ્યા વધારવાની સલાહ પણ આપી હતી.

અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલમાં ખૂબ ખરાબ સમય ચાલી રહ્યો છે. મોંઘવારી,ભ્રષ્ટાચાર સહિતની બાબતથી પ્રજા હેરાન છે. જેના માટે રાજ્ય સરકાર જવાબદાર છે. પણ ભાજપ દ્વારા સરકારની નિષફળતા છુપાવવા માટે સફળતાનાં નામે ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રથમ મહિલા મુખ્યમંત્રીને ષડયંત્ર દ્વારા હટાવીને અપમાન કરનાર લોકો આજે નારી શક્તિની ઉજવણી કરે છે. જે શાસકોએ નલિયા કાંડ, જાસૂસી, હોસ્પિટલમાં મેડીકલ સ્ટાફ પર યૌન શોષણમાં કોઈ ચોક્કસ પગલાં લીધા નથી. તે સરકાર હાલ નારી સન્માનની વાત કરે છે…

વધુમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં બેટી બચાવોની વાત વચ્ચે જેન્ડર રેશિયો વધ્યો છે. રાજ્યમાં દિવસેને દિવસે રેપ-છેડતીના બનાવો વધે છે અને સરકાર નારી સન્માનની વાત કરે છે. લિંગ ભેદના કારણે ગુજરાતમાં દર વર્ષે 9 હજારથી વધુ બાળકીઓની હત્યા થાય છે. જે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ જ મહિલા યૌન શોષણ બાબતે મજાક કરી રહ્યા છે, તે સરકાર નારી સન્માનની વાત કરે છે. ગુજરાતમાં 40 ટકાથી વધુ મહિલાઓ કુપોષણનો ભોગ બનતી હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.

મહિલાઓ માટે કરવા જરૂરી કામો અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, રાજકોટ સહિત ગુજરાતભરમાં મહિલા પોલીસ સ્ટેશનની સંખ્યા વધવી જોઈએ. અને મહિલાની ફરિયાદમાં ત્વરિત ન્યાય મળે તેના માટે ખાસ અદાલતો બનાવવી જોઈએ. તો મોટા શહેરમાં વર્કિંગ વુમનને રહેવા માટે સારી વ્યવસ્થા કરવી જોઇએ. આ ઉપરાંત આંગણવાડી, આશા વર્કર અને મધ્યાનભોજન સહિત સરકારના ફિક્સ વેતનથી કામ કરતી બહેનોને પૂરતું વેતન આપવામાં આવે ત્યારે સાચું મહિલા સન્માન કહેવાય. પ્રજાના પૈસે માત્ર ઉત્સવો કરવાથી મહિલાને સન્માન નહિ મળી શકે. અને આવા તાયફાઓ સામે સવાલ ઉઠાવી કોંગ્રેસ લોકોના પ્રશ્નોને ઉજાગર કરશે.

સુરતની ગજેરા સ્કૂલમાં ધોરણ 6 થી 9 ના વિધાર્થીઓ માટે શાળા શરૂ કરવા બાબતે તેમણે જણાવ્યું હતું કે, ભાજપના નેતોની સ્કૂલો હોય તો તેમની પાસે તમામ પ્રકારના પરવાના હોય તેવું માને છે. તમામ શાળાએ સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ તેમજ સરકારે ત્રીજી લહેર આવતા કઈ રીતે અટકાવી શકાય તેનાં માટે જરૂરી પ્રયાસ કરવા જોઈએ. શિક્ષણ ફી મુદ્દે તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા પહેલેથી જ અમારી માંગ હતી કે આ મહામારીમાં સરકારે રાહત આપવી જોઈએ. સામાન્ય વ્યક્તિ આજે આર્થિક સ્થિતિના કારણે મુશ્કેલમાં છે ત્યારે સરકાર શાળા સંચાલકોની વકીલાત કરે છે તે યોગ્ય નથી. ઉધોગપતિઓને રાહત આપી શકાતી હોય તો શિક્ષણ ફીમાં રાહત શા માટે નથી આપવામાં આવતી ?

તો સાથે જ કોરોનામાં સરકાર નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ લગાવતા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં એવરેજ એક ગામમાં કોરોનાથી 10 મોત નિપજ્યા છે. તમામ ગામ,શહેરોના આંકડા મેળવીએ તો 2 લાખથી વધુ લોકોના કોરોનાથી મોત થયા છે. કોરોનાથી મોત થયા તેના કરતા વધુ લોકોના મોત સરકારની વ્યવસ્થા, અણઆવડત, વિચિત્ર નીતિઓથી થયા છે. લોકોને  ઓક્સિજન, બેડ અને ઇન્જેક્શન નહીં મળવાના લીધે જીવ ગુમાવવો પડ્યો હોવાના અનેક દાખલાઓ સામે આવી ચુક્યા છે. ગુજરાતનું કોઈ ગામ કે શહેર એવું નહોતું કે જ્યાં ઓક્સિજન તેમજ બેડ માટે લાઇન ન હોય, છતાં સરકાર ખોટું બોલે છે. ધૂતરાષ્ટ્ની નીતિથી કામ કરતી સરકારને મોત અને પ્રજાની પીડા દેખાતી ન હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud