• એક વર્ષથી કાઠિયાવાડ બાલાશ્રમના સંચાલકોના સ્નેહ સાથે ઉછરેલી ‘અંબા’ની દત્તકવિધિ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી
  • બાલાશ્રમનાં પ્રમુખ હરેશભાઇ વોરાએ કહ્યું હતું કે, કારા (CARA) દ્રારા ‘અંબા’ને સ્પેશિયલ નિડસની કેટેગરીમાં મુકવામાં આવી હતી
  • ઇટલીની એક હોસ્પિટલમાં વર્ષેાથી નર્સ તરીકે ફરજ બજાવતા પ્લેન્ક કેટરિન તેમજ ગુંથર નામના દંપતીએ ‘અંબા’ને દત્તક લેતા ટૂંક સમયમાં તે ઇટલી જશે

Watchgujarat. શહેરની ભાગોળે આવેલા મહિકા-ઠેબચડા ગામની વચ્ચેથી અંદાજે 15 મહિના પૂર્વે માતા-પિતાએ તરછોડેલી નવજાત ઝાડી-ઝાખરામાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. મહિનાઓ સુધી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતી આ માસુમને શહેરનાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ‘અંબા’ નામ આપ્યું હતું. અને તેનાં સ્વસ્થ થવા માટે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત સમગ્ર વિશ્વએ પ્રાર્થના કરી હતી. અંબા હાલ કાઠિયાવડ બાલાશ્રમમાં ખાતે બિલકુલ સ્વસ્થ છે. એટલું જ નહીં તેને ઇટલીનાં એક દંપતિએ દત્તક લીધી હોવાથી ત્રણ મહિનામાં તેણી ઇટલીની નાગરિક બનશે.

એક વર્ષથી કાઠિયાવાડ બાલાશ્રમના સંચાલકોના સ્નેહ સાથે ઉછરેલી ‘અંબા’ની દત્તકવિધિ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ઇટલીના એક દંપતીએ ‘અંબા’ને દત્તક લેવા માટેની કાર્યવાહી પૂરી કરી છે અને હવે ત્રણ મહિનામાં બાળકી ઇટલી પહોંચશે. આ બાલાશ્રમનાં પ્રમુખ હરેશભાઇ વોરાએ કહ્યું હતું કે, કારા (CARA) દ્રારા ‘અંબા’ને સ્પેશિયલ નિડસની કેટેગરીમાં મુકવામાં આવી હતી. તેને દત્તક લેવાની કાર્યવાહી પુરી થઇ ચૂકી છે. જેથી આ વ્હાલસોયી દીકરીને હવે પરિવાર મળશે. ઇટલીની એક હોસ્પિટલમાં વર્ષેાથી નર્સ તરીકે ફરજ બજાવતા પ્લેન્ક કેટરિન તેમજ ગુંથર નામના દંપતીએ ‘અંબા’ને દત્તક લેતા ટૂંક સમયમાં તે ઇટલી જશે. આ કપલે અગાઉ પણ ભારતમાંથી જ એક બાળક દત્તક લીધું હોઈ ‘અંબા’ તેમનું બીજું સંતાન બનશે.

બાલાશ્રમનાં સુપ્રિટેન્ડેન્ટ પ્રભાબેન ભેંસદડિયાએ કહ્યું હતું કે, ત્રણ મહિનાની સારવાર બાદ હોસ્પિટલમાંથી જયારે ‘અંબા’ને લાવવામાં આવી ત્યારે તેણી શારીરિક અને માનસિક રીતે નબળી હતી. અત્યારે સવા વર્ષની આ બાળકી નિરોગી અને સ્વસ્થ છે. અત્યાર સુધીમાં કાઠિયાવાડ બાલાશ્રમના 350 જેટલા બાળકો વિદેશ પહોંચ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. એક નિર્દયી જનેતાએ તરછોડેલી ‘અંબા’ને સમગ્ર દુનિયામાંથી સ્નેહ મળ્યો હતો. અને તેના જીવન માટે ઠેર-ઠેરથી કરવામાં આવેલી પ્રાર્થનાઓ જાણે ફળીભૂત થઈ હોય તેમ આ માસુમ ‘અંબા’નું ભવિષ્ય ઉજવળ બનવા જઇ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ માસુમ ‘અંબા’ મહિકા નજીકથી મળી આવી ત્યારે તેને કુતરાઓએ ફાડી ખાધી હતી. પરંતુ ‘રામ રાખે તેને કોણ ચાખે’ ઉક્તિને સાર્થક કરતા તેને બચાવવા મુખ્યમંત્રી રૂપાણી, કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સહિત તબીબોએ પ્રયાસો કર્યા હતાં. અને ત્રણ મહિનાની સારવાર બાદ ‘અંબા’ને નવજીવન મળ્યું હતું. રાજકોટ આવેલા CM રૂપાણીનું હૃદય પણ ‘અંબા’ને જોઇને પીગળી ગયું હતું. અને તેને મળતા જ કહ્યું હતું કે, હું સાક્ષાત મા અંબાને મળ્યો છું. આ માસુમને બચાવવા ગમે તેટલો ખર્ચ થાય તો પણ અચકાશું નહીં.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud