• ગોંડલનાં ભગવતપરા ખાતે રહેતા રફિકભાઈ થારિયાણીનું ઘોઘાવદર પાસે અકસ્માતમાં મોત નીપજ્યું
  • રફિકભાઈનાં જનાજામાં હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા
  • જનાજાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી

WatchGujarat. ગોંડલ શહેરમાં અકસ્માતે મૃત્યુ પામનારનાં જનાજામાં હજારો લોકો ઉમટી પડ્યા હોય તે પ્રકારના દૃશ્યો સામે આવ્યા છે. હજારો લોકો ઉમટી પડ્યા હોય તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ગોંડલ પોલીસ દ્વારા મૃતકના ભાઇ વિરૂદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ પણ નોંધાઈ છે. સાથે જ અટકાયતી પગલાં પણ ભરવામાં આવ્યા છે.

જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલનાં ભગવતપરા ખાતે રહેતા રફિકભાઈ થારિયાણીનું ઘોઘાવદર પાસે અકસ્માતમાં મોત નીપજ્યું હતું. જેમાં રફિકભાઈની કાર પલટી જતા ગંભીર ઇજાને કારણે તેઓ મોતને ભેંટ્યા હતાં. ઘટનાને પગલે રફિકભાઈનાં જનાજામાં હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. અને આ જનાજાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે નાના એવા ગોંડલ શહેરમાં રફીકભાઈનો જનાજો નીકળી રહ્યો છે. અને તેમાં હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયેલા જોવા મળી રહ્યા છે. જો સૂત્રોનું માનીએ તો મૃતક રફીકભાઈ સગા સ્નેહી અને મિત્રોના દુઃખમાં હરહંમેશ સહભાગી બનતા હતાં. જેને લઈને તેમના પરિવારજનો પર આવી પડેલ આ દુઃખમાં સહભાગી થવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અને એ કારણે જ આ જનાજામાં આટલી મોટી જનમેદની ઉમટી પડી હતી.

જો કે જનાજાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સમગ્ર મામલો પોલીસના ધ્યાને આવ્યો હતો. અને હાલ કોરોના મહામારીને કારણે ખાસ બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ થતો હોવાનું નજરે પડ્યું હતું. જેને લઈ પોલીસ દ્વારા મૃતક રફીક થારિયાણીનાં ભાઈ સાજીદઅલી થારિયાણી વિરૂદ્ધ જાહેરનામાનાં ભંગનો ગુનો નોંધી અટકાયત કરવામાં આવી હતી. આ બાબત હાલ માત્ર ગોંડલ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે.

નોંધનીય છે કે, હાલ કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું છે. સરકાર દ્વારા આગામી સોમવારથી તમામ વેપાર ધંધા સો ટકા કર્મચારીઓ સાથે શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. બીજી તરફ બજારોની અંદર પણ લોકોની ભીડ જોવા મળી રહી છે. સરકાર દ્વારા વેપાર ધંધા રોજગાર ત્રણ વાગ્યાની જગ્યાએ છ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની જાહેરાત કરાયા બાદ પણ બજારોમાં ઠેર-ઠેર સોશિયલ લીરેલીરા ઊડી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ત્યારે આ મામલે પણ પોલીસે કાર્યવાહી કરવી જરૂરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud