• રાજકોટ જિલ્લામાં 2 હજાર લોકોની વસ્તી ધરાવતું એક અનોખુ ગામ આવેલું છે
  • રાજકોટ-અમદાવાદ હાઇ-વે ઉપર કુવાડવા નજીક આવેલા સાતડા ગામમાં નાની ઝૂંપડી હોય કે પછી આલિશાન બંગલો ક્યાંય પણ મુખ્ય દરવાજો જોવા મળતો નથી
  • 4-5 ઘરોમાં ભૂલથી દરવાજા નાખવામાં આવ્યાં હતાં, પરંતુ બાદમાં આ તમામ ઘરોમાંથી પણ દરવાજા કાઢી નાખવામાં આવ્યાં

કુલીન પારેખ. જિલ્લામાં 2000 લોકોની વસ્તી ધરાવતું એક એવું ગામ છે જ્યાં એક પણ ઘરે દરવાજો નહીં હોવા છતાં ક્યારેય ચોરી થતી નથી. સાતડા નામના આ ગામમાં કોઈના ઘરે બારી-દરવાજા રાખવાનો રિવાજ જ નથી. ગામના લોકોની આસ્થા અહીંયા ભૈરવદાદા સાથે જોડાયેલી છે. ગામમાં ભૈરવદાદાનું મંદિર છે. અને ગ્રામજનોનો વિશ્વાસ છે કે, ભૈરવદાદા જ ઘરની રક્ષા કરે છે. એટલે અહીં કોઈપણ ઘરને દરવાજો કે બારીની જરૂર રહેતી નથી. જોકે ઘરમાં પશુઓ કે શ્વાન ન ઘૂસે તે માટે લોકો ઘર બહાર નાનું પતરું રાખે છે.

રાજકોટ-અમદાવાદ હાઇ-વે ઉપર કુવાડવા નજીક આવેલા સાતડા ગામમાં નાની ઝૂંપડી હોય કે પછી આલિશાન બંગલો ક્યાંય પણ મુખ્ય દરવાજો જોવા મળતો નથી. ગામના 200 જેટલા મકાનો ખુલ્લા જોવા મળે છે. ઘરમાં કોઈ કિંમતી ચીજવસ્તુ હોય તો પણ લોકો ચિંતા વિના ઘરેથી બહાર જાય છે. ગ્રામજનોનું કહેવું છે કે, ભૈરવદાદા છે પછી દરવાજાની કોઈ જરૂર નથી. સાતડાનાં સરપંચ લાખાભાઈ સદાદિયાનું કહેવું છે કે, ‌વડવાઓ વખતથી દરવાજા વિનાના મકાનો છે. જોકે 4-5 ઘરોમાં ભૂલથી દરવાજા નાખવામાં આવ્યાં હતાં, પરંતુ બાદમાં આ તમામ ઘરોમાંથી પણ દરવાજા કાઢી નાખવામાં આવ્યાં છે. ગામમાં હવે જે નવા મકાનો બને તેમાં પણ દરવાજા નાખવામાં નથી આવતાં.

જુના જમાનામાં ડેલીનો ઉપયોગ મહેમાનને બેસાડવા માટે પણ થતો હતો. આજે પણ દેશના તમામ ગામડા અને શહેરોમાં પણ અંગતતા સચવાય ઉપરાંત ચોરી લૂંટફાટ ન થાય તે માટે ડેલી, ખડકી કે ઝાંપો હોય છે, પરંતુ આ પ્રકારના મકાનોમાં સાતડા ગામના એક પણ ઘરનો સમાવેશ થતો નથી. નવાઈ પમાડે તેવી બીજી વાત તો એ છે કે ગામના જ્યારે એક વ્યક્તિએ ઘરની આગળ રક્ષણ માટે ઝાંપો મૂક્યો તો તેના ઘરે અપવાદ રૂપે ચોરી થઈ હતી. ત્યાર પછી તો ગામમાં આજ સુધી કોઈ માણસે ઝાંપો કે ડેલી મૂકવાની હિંમત કરી નથી.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, ભૈરવદાદા ગામની રક્ષા કરે છે. જેથી ગામમાં દરવાજા નહીં હોવા છતાંય ક્યારેય ચોરીની ઘટના બની જ નથી. એટલું જ નહીં બહારથી ચોરી કરીને આવનાર પણ ગામમાં પ્રવેશી શક્તા નથી. થોડા સમય પહેલા બીજા ગામમાંથી ભેંસની ચોરી કરી તસ્કરો સાતડા ગામમાં પ્રવેશ્યા હતા. બાદમાં તુરંત જ તે પકડાઈ જતા હવે બહારથી ચોરી કરીને પણ કોઈ આ ગામમાં પ્રવેશતું નથી. આસપાસનાં વાડી-ખેતરમાં પણ ક્યારેય ચોરીનો કોઈ બનાવ બન્યો નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud