• રવિવારે કિસાનપરા ચોક પાસે આવેલા આમ્રપાલી બ્રિજ નજીક ટ્રાફિક જામ સર્જાયો
  • ફરજ પર હાજર રહેલા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર સુખવિન્દર સિંહ ગડું જાતે મહિલાની મદદે આવ્યા
  • મહિલાને ટ્રાફિકને કારણે ગભરાયેલા જોઈ હું ત્યાં ગયો હતો. અને તેમની સહમતિ મેળવી મેં પોતે કાર ચલાવી ટ્રાફિકમાંથી બહાર કાઢી – પોલીસ ઇસ્પેક્ટર સુખવિંદર સિંહ ગડુ

Watchgujarat. પોલીસ એટલે કડકાઈ એવી છાપ હવે ધીમે ધીમે ઓછી થઈ રહી છે. અને કોરોનાકાળ બાદ હાલ પોલીસની એક નવી છબી સામે આવી છે. જે પોલીસ પ્રજાનો મિત્ર હોવાની વાત સાર્થક કરે છે. જરૂર પડ્યે પોલીસે પ્રજાની મદદ કરી હોવાના અનેક કિસ્સાઓ છેલ્લા થોડા સમયમાં જ સામે આવી ચુક્યા છે. ત્યારે આજે વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં ટ્રાફિક પોલીસ અધિકારી સુખવિન્દર સિંહ ગડુ ફંસાયેલી મહિલાની મદદે આવ્યા હતા. એટલું જ નહીં તેમણે જાતે આ મહિલાની કાર ટ્રાફિકમાંથી બહાર કાઢી આપી હતી. જેને પગલે મહિલાએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

જાણવા મળતી વિગત મુજબ, ગત રવિવારે કિસાનપરા ચોક પાસે આવેલા આમ્રપાલી બ્રિજ નજીક ટ્રાફિકજામ સર્જાયો હતો. આ સમયે એક મહિલા કારચાલક તેની કારમાં ત્યાંથી પસાર થતા હતા. જો કે આ દરમિયાન મહિલાની કાર ટ્રાફિકમાં અટવાઇ જતા વાહનોની લાંબી કતારો લાગી હતી. અને આ કારણે મહિલા પણ ભારે ગભરાઈ ગઈ હતી. આ સમયે ફરજ પર હાજર રહેલા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર સુખવિન્દર સિંહ ગડું જાતે મહિલાની મદદે આવ્યા હતા. એટલું જ નહીં તેઓએ જાતે કાર ચલાવી ટ્રાફિકમાંથી કારને બહાર કાઢી હતી. અને ત્યારબાદ ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતો.

આ અંગે પોલીસ ઇસ્પેક્ટર સુખવિંદર સિંહ ગડુએ કહ્યું હતું કે, રવિવારે હું અને મારો સ્ટાફ રેસકોર્સ રિંગરોડ પર અમારી ફરજ બજાવતા હતા. ત્યારે એક કાર ટ્રાફિકમાં અટવાઈ હતી. આ કાર મહિલા ચલાવી રહી હતી. અને તેની પાછળના ભાગમાં વૃદ્ધા અને બાળકો બેઠાં હતાં. મહિલાને ટ્રાફિકને કારણે ગભરાયેલા જોઈ હું ત્યાં ગયો હતો. અને તેમની સહમતિ મેળવી મેં પોતે કાર ચલાવી ટ્રાફિકમાંથી બહાર કાઢી હતી. મહિલા, વૃદ્ધા ઉપરાંત બાળકોને ટ્રાફિકમાંથી બહાર કાઢતા તેઓએ આભાર પણ વ્યક્ત કર્યો હતો. જોકે ગડુએ તો અત્યંત નમ્રતા પૂર્વક આ પોતાની ફરજનો એક ભાગ હોવાનું કહ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud