• દંપત્તિને પોલીસે રોકતા પોતાની કઠણાઇ વર્ણવી
  • માસ્ક મુદ્દે પોલીસે રોકતા રસ્તા પર બેસી દંપતિએ વિરોધ પ્રગટ કર્યો
  • ઘટનાનો વિડીયો ઉતરતા યુવકને પણ પોલીસે જાહેરમાં ફડાકો માર્યો હોવાની ચર્ચા
  • પોલીસ પ્રજાને ખોટી રીતે હેરાન કરતી હોવાનાં આક્ષેપો

Watchgujarat. કોરોનાની મહામારીને કારણે લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત હોવા છતાં કેટલાક લોકો માસ્ક ન પહેરી જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે. ત્યારે માસ્ક ન પહેરનાર વ્યક્તિઓ સાથે પોલીસને ઘર્ષણ થતું હોય તેવા કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે. આ પ્રકારનો વધુ એક કિસ્સો પણ સામે આવ્યો છે. જેમાં શહેરનાં આમ્રપાલી બ્રીજ પાસે જ માસ્ક મુદ્દે પોલીસે રોકતા રસ્તા પર બેસી દંપતિએ વિરોધ પ્રગટ કર્યો હતો.  અને કહ્યું હતું કે, ભાડું ભરવાના અને ખાવાનાં રૂપિયા નથી, અને તમે દંડ વસુલો છો. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે.

વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, દંપતિ કહે છે કે, મેડમ તમે ખોટી રીતે હેરાન કરો છો, હવે તમે વાહનમાં જુદા-જુદા 10 ગુના કાઢશો. અત્યારે કામધંધા બંધ છે, અને વીમો ભરવાનાં, પીયુસી કઢાવવાનાં, ખાવાનાં પૈસા નથી તેમજ ભાડું ભરવાનાં પણ પૈસા નથી અને તમારે લોકોને બેઠા-બેઠા વાહનમાં વાંક કાઢવા છે. ત્યારબાદ પતિ રસ્તા પર બેસી જાય છે અને કહે છે કે, માસ્ક છે છતાં પોલીસ રોકે છે. એના પોતાનાં લોકો માસ્ક વિના ફરે છે તેને રોકતા નથી. અને લોકોને ઘરે જવા સમયે લાકડી લઈને ઉભા રહી જાય છે. દરમિયાન ઘટનાનો વિડીયો ઉતરતા યુવકને પણ પોલીસે જાહેરમાં ફડાકો માર્યો હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.

સમગ્ર ઘટનાને પગલે લોકોનાં ટોળેટોળા એકઠા થયા હતા. તેમજ પોલીસ પ્રજાને ખોટી રીતે હેરાન કરતી હોવાનાં આક્ષેપો શરૂ થયા હતા. જો કે આ ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા. અને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો. પરંતુ વિડીયો વાયરલ થવાને કારણે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે તપાસ કરશું તેવું રટણ શરૂ કરીને ઢાંકપીછોડો કરવાનો પ્રયાસ કરાયો છે. જો કે  આ પહેલા પણ પ્રજા સાથે ઘર્ષણના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ કોઇ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવતી નહીં હોવાથી લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટનામાં દંપતી રસ્તા વચ્ચે બેસી જતા એક યુવાન વીડિયો ઉતારતો હતો. પરંતુ પોલીસ દોડી આવી હતી. અને યુવાનને ફડાકો ઝીંકી દીધો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. આ યુવાન રસ્તા વચ્ચે રડતો હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે. ત્યારે પોલીસ અધિકારીઓ દ્વારા આ મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તેના પર સૌની મીટ મંડાયેલી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud