• રાજકોટનાં બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે જ કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો દ્વારા વિવિધ બેનરો સાથે સુત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો
  • ભાજપ સરકાર કિસાન સન્માન દિવસ ઉજવીને રાજ્યનાં ખેડૂતોને ગેરમાર્ગે દોરવા તાયફાઓ કરી રહી છે. – જીતેન્દ્ર બઘેલ
  • એક બાજુ ખાતર ન મળે, બિયારણ ન મળે, સિંચાઈ, વીજળી તમામ મોંઘુ હોય તેવા સંજોગોમાં ખેડૂતોને ઉત્પાદનના પૂરતા ભાવ પણ મળતા નથી

WatchGujarat. ભાજપ દ્વારા આજે રાજ્યભરમાં કિસાન સન્માન દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. જેની સામે કોંગ્રેસે ખેતી-ખેડૂત બચાવો અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત આજે રાજકોટનાં બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે જ કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો દ્વારા વિવિધ બેનરો સાથે સુત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ સરકાર ખેડૂતોને ગેરમાર્ગે દોરવા આ પ્રકારનાં તાયફા કરતી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. કોંગ્રેસનાં વિરોધને પગલે પોલીસ દોડી ગઈ હતી. તેમજ દેખાવો કરતા કોંગ્રેસનાં ગુજરાત સહપ્રભારી જીતેન્દ્ર બઘેલની સાથે 20 જેટલા આગેવાનો-કાર્યકરોની અટકાયત કરી હતી.

આ તકે મીડિયા સાથેની વાતચીતમાં જીતેન્દ્ર બઘેલે કહ્યું હતું કે, ભાજપ સરકાર કિસાન સન્માન દિવસ ઉજવીને રાજ્યનાં ખેડૂતોને ગેરમાર્ગે દોરવા તાયફાઓ કરી રહી છે. હાલમાં ગુજરાતના ખેડૂતો પર 90 હજાર કરોડ કરતા પણ વધારે દેવું થઈ ચૂક્યું છે. ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે. એક બાજુ ખાતર ન મળે, બિયારણ ન મળે, સિંચાઈ, વીજળી તમામ મોંઘુ હોય તેવા સંજોગોમાં ખેડૂતોને ઉત્પાદનના પૂરતા ભાવ પણ મળતા નથી. સાથે જ પાક વીમાથી રક્ષણ ન મળતા ખેડૂત અને ખેતી ખતમ કરવા માટેનું ષડયંત્ર હોય તેવું લાગી રહ્યું છે. જેને પગલે કોંગ્રેસ દ્વારા ખેતી-ખેડૂત બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

આ વિરોધ પ્રદર્શન સમયે જીતેન્દ્ર બઘેલની સાથે સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, ભીખા વાળોતરીયા, કાર્યકારી પ્રમુખ પ્રદીપ ત્રિવેદી, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, જિલ્લા પ્રમુખ હિતેષ વોરા, રાજકોટ મનપા વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી અને પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. અને બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર વિરુદ્ધ ઉગ્ર સુત્રોચાર કરી વિવિધ બેનરો સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જો કે કુવાડવા પોલીસે વિરોધ પ્રદર્શન કરતા ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી સહિતનાં નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud