• સૌરાષ્ટ્રમાં વર્ષોથી જ્ઞાતિ આધારિત ચૂંટણી થતી આવે છે
  • પાટીદાર અને કોળી સમાજની જેમ કારડિયા રાજપૂત સમાજ પણ મોટી વોટબેંક ધરાવે છે
  • આગામી 2022ની વિધાનસભાની ચૂંટણી માટે પક્ષ દ્વારા જે કોઈપણ જવાબદારી આપવામાં આવે તે નિભાવવા તૈયાર છું – વજુભાઇ વાળા
  • જાન્યુઆરી-2022 આસપાસ યોજાનારા આ સંમેલનમાં કારડિયા રાજપૂત સમાજ રાજકીય દિશા-નિર્દેશ પણ નક્કી કરે એવી ચર્ચા

WatchGujarat. કર્ણાટકનાં રાજ્યપાલ પદેથી નિવૃત થતાની સાથે જ ભાજપનાં દિગ્ગજ નેતા વજુભાઇ વાળાએ સ્થાનિક રાજકારણમાં જંપલાવ્યું છે. અને સમાજને એક તાંતણે બાંધવાથી પોતાના કામની શરૂઆત પણ કરી દીધી છે. જેમાં કારડીયા રાજપૂત સમાજની એક બેઠક યોજી ‘ખોડલધામ’ની જેમ સુરેન્દ્રનગર નજીક 35 એકરમાં કારડિયા રાજપૂત સમાજના કુળદેવી ભવાની માતાજીનાં મંદિરનું નિર્માણ કરવાની કવાયત હાથ ધરી છે. મીડિયા સાથેની વાતચીતમાં વજુભાઇ વાળાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, હું રાજકારણમાં સક્રિય હતો, છું અને રહીશ જ, પક્ષ જે પણ જવાબદારી આપે તે નિભાવવા તૈયાર હોવાનું જણાવત વજુભાઇ વાળાએ સીએમ રૂપાણીની ભારોભાર પ્રશંસા કરી હતી.

વજુભાઇ વાળાએ કહ્યું હતું કે, મારો રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો કોઈ સવાલ જ નથી. રાજકારણમાં સક્રિય હતો છું અને આવનારા સમયમાં પણ સક્રિય રહીશ. આગામી 2022ની વિધાનસભાની ચૂંટણી માટે પક્ષ દ્વારા જે કોઈપણ જવાબદારી આપવામાં આવે તે નિભાવવા તૈયાર છું. જો કે મુખ્યમંત્રી પદની પોતાને કોઈ પ્રકારની ઈચ્છા નહીં હોવાનું જણાવતા તેમણે હાલના CM રૂપાણીની કામગીરીની ભારોભાર પ્રશંસા  કરી હતી. અને કહ્યું હતું કે તેઓ દરેક સમાજને સાથે લઈને ચાલે છે. જેને લઈને કારડીયા રાજપૂત કે અન્ય કોઈ સમાજને અન્યાય થયો હોવાનો સવાલ જ નથી. તો 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત હોવાનો દાવો પણ તેમણે કર્યો છે.

સૌરાષ્ટ્રમાં વર્ષોથી જ્ઞાતિ આધારિત ચૂંટણી થતી આવે છે. ખોડલધામ સંસ્થા બનાવી નરેશ પટેલે પાટીદારોને એક કરવાની પહેલ કરી છે. 2022 વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે હવે વજુભાઇએ કારડિયા રાજપૂત સમાજને એક કરવાનું બીડું ઝડપ્યું છે. આ માટે સુરેન્દ્રનગર પાસે 20 એકરમાં કારડિયા રાજપૂત સમાજના કુળદેવી ભવાની માતાજીનું મંદિર બનાવવામાં આવનાર છે. આ માટે સાયલા તાલુકાના લખતર ગામ નજીક જમીન ખરીદી લેવામાં આવી છે. અને ટ્રસ્ટની રચના પણ થઈ ચુકી છે. હવે સમાજમાંથી ફાળો એકત્ર કરીને આસ્થાના પ્રતીક સમાન ભવાની માતાજીનું મંદિર મૂર્તિમંત કરવા વજુભાઇ જાતે મેદાને આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પાટીદાર અને કોળી સમાજની જેમ કારડિયા રાજપૂત સમાજ પણ મોટી વોટબેંક ધરાવે છે. અને સૌરાષ્ટ્રમાં જ્ઞાતિ આધારિત ગણિતને વધુ મજબૂત માનવામાં આવે છે. ત્યારે ખોડલધામ – ઉમિયાધામની માફક કારડિયા રાજપૂત સમાજ દ્વારા ‘ભવાની મંદિર’નું નિર્માણ કરી વજુભાઈ વાળા ફરી રાજકારણમાં સક્રિય થશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કારડિયા રાજપૂત સમાજની વિવિધ પેટાજ્ઞાતિઓ સાથે બેઠકો યોજી ભવાની માતાજીના મંદિર માટે સહમતી સાધ્યા બાદ મંદિર માટે અમદાવાદ હાઈવે ઉપર દર્શન હોટલ સામે ખરીદવામાં આવેલી જમીન ઉપર જ સમસ્ત કારડિયા રાજપૂત સમાજનું એક વિશાળ સંમેલન પણ યોજવાનું આયોજન છે. આગામી જાન્યુઆરી-2022 આસપાસ યોજાનારા આ સંમેલનમાં કારડિયા રાજપૂત સમાજ રાજકીય દિશા-નિર્દેશ પણ નક્કી કરે એવી ચર્ચા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud