• સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા કરવામાં આવેલી કામગીરી બદલ WORLD RECORD OF INDIAમાં બે રેકોર્ડ નોંધાયા
  • મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ,  ડો. ધારા દોશી, ડો. ડિમ્પલ રામાણી, ડો. હસમુખ ચાવડા, પીએચડી વિદ્યાર્થીઓ જાદવ તૌફીક અને એન. આર. પટેલ દ્વારા કોવીડ રિલેટેડ ત્રણ પુસ્તકો લખાયા
  • મનોવિજ્ઞાન ભવનના ઈતિહાસમાં પ્રથમ ઘટના હોવાથી કુલપતિ ડો. નિતિન પેથાણી અને ઉપકુલપતિ ડો. વિજય દેશાણીએ પણ મનોવિજ્ઞાન ભવનની કામગીરીને બિરદાવી

WatchGujarat. કોરોના મહામારીના કપરા કાળમાં લોકોને જીવવું દોહ્યલુ થઈ ગયું હતું અને લોકો માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયા હતા. તેવા લોકોનું કાઉન્સેલીંગ કરી તેને માનસિક રીતે સ્વસ્થ કરી ફરી સમાજના પ્રવાહમાં જોડતા કરી દેવા સહિતની સમાજ ઉપયોગી કામગીરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા કરવામાં આવી હતી. આ કામગીરી બદલ મનોવિજ્ઞાન ભવનનાં WORLD RECORD OF INDIAમાં બે રેકોર્ડ નોંધાયા છે. જેમાં પ્રથમ રાષ્ટ્રીય મનોવિજ્ઞાન મેળો અને  બીજો કોવિડનાં સમયમાં વિવિધ લોકોનું કાઉન્સેલિંગ અને 126 મનોવૈજ્ઞાનિક આર્ટિકલ તેમજ સર્વે કરવા બદલ રેકોર્ડ નોંધાતા આ અંગેના પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.

આજે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાની ટીમ મનોવિજ્ઞાન ભવન ખાતે પહોંચી હતી. અને મનોવિજ્ઞાન ભવનના ઇતિહાસમાં પ્રથમ ઘટના બની જેમાં બે રેકોર્ડ ભવનને નામે નોંધાયા. પહેલો રેકોર્ડ ફર્સ્ટ સાયકોલોજીકલ ફેર  (રાષ્ટ્રીય મનોવિજ્ઞાન મેળો -2020) અને માર્ચ 26 -2020થી આજ સુધીમાં મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો, વિદ્યાર્થીઓ  અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એ 81000 થી વઘુ લોકોનું ટેલિફોનિક તેમજ રૂબરૂ કાઉન્સેલિંગ કર્યું,  126 થી વઘુ સમાજ ઉપયોગી સર્વે તેમજ આર્ટિકલ લખ્યા અને ગ્રામ્ય પ્રજામાં કોરોના વિશેની સાચી સમજ તેમજ જાગૃતિ ઉપરાંત વેક્સિનેશન માટે પ્રેરણા પુરી પાડવા જિલ્લા વહીવટી તંત્રને મદદ પુરી પાડી ગામડાના લોકોની અંધશ્રદ્ધા દૂર કરવા 54 થી વઘુ ગામડાઓમા સ્વખર્ચે મુલાકાત કરી. કોવીડ દરમ્યાન ઓનલાઇન 27 થી વઘુ પ્રોગ્રામ કરીને મનોવિજ્ઞાન ભવનની ટીમે વિદ્યાર્થીઓમાં જોમ જુસ્સો કાયમ રાખ્યો હતો.

મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ,  ડો. ધારા દોશી, ડો. ડિમ્પલ રામાણી, ડો. હસમુખ ચાવડા, પીએચડી વિદ્યાર્થીઓ જાદવ તૌફીક અને એન. આર. પટેલ દ્વારા કોવીડ રિલેટેડ ત્રણ પુસ્તકો લખવામાં આવ્યા હતા. આ તમામ સમાજ ઉપયોગી કાર્ય વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાની નજરે આવ્યા અને તેઓએ ભવન પાસેથી જરૂરી તમામ દસ્તાવેજ મંગાવ્યા હતા. જેની બાદ તેઓએ જાહેર કર્યું હતું કે, બે રેકોર્ડ મનોવિજ્ઞાન ભવનને નામે બને છે.

આ પૈકી એક તો મનોવિજ્ઞાન મેળો, ભારતમાં અત્યાર સુધીમાં કોઈપણ જગ્યાએ 9  હજાર લોકોએ મુલાકાત લીધી હોય એવો કોઈએ કર્યો નથી તો એ મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનો પ્રથમ રેકોર્ડ છે. સાથે કોવીડ દરમ્યાન સતત માનસિક સધિયારો આપીને સમગ્ર ટીમે 81,000 થી વઘુ લોકોનું કાઉન્સેલિંગ કર્યું હોય તેવું પણ ભારતમાં બીજે ક્યાંય બન્યું નથી માટે બન્ને રેકોર્ડ મનોવિજ્ઞાન ભવનના નામે નોંધાયા છે. વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડીયાના પ્રેસિડેન્ટ પાવન સોલંકીએ કહ્યું હતું કે, પ્રથમ વખત આ પ્રકારના કાર્યને બિરદાવતા સંસ્થા આનંદ અનુભવે છે. અત્યાર સુધી આવું કાર્ય કોઈએ કર્યું નથી.

ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં લોકો માનસિક રીતે ભારે હેરાન-પરેશાન થયા હતા. અને વિવિધ બિમારીનો ભોગ બની સતત પીડા અનુભવવાની સાથે કોરોનાથી ડરી રહ્યા હતા. ત્યારે આ કપરા સમયમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં કાઉન્સેલીંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં દરરોજનાં 100થી વધુ લોકોના માર્ગદર્શન મેળવવા માટે ફોન આવતા હતા તેને યોગ્ય અને સંતોષ કારણ જ્વાળ આપી માનસિક રિતે સ્વસ્થ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અને આ કામગીરી હાલ પણ શરૂ છે.

મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગરાણના નેતૃત્વમાં પો. હસમુખભાઈ ચાવડા, ડો. ધારા દોષી અને ડો. ડિમ્પલ રામાણીના માર્ગદર્શન હેઠળ પીએચડીના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ 126 જેટલા આર્ટીકલ અને સર્વે કરવામાં આવ્યા હતા. જે પણ સમાજ ઉપયોગી સાબિત થયા છે. અને માનસિકરીતે પીડાતા લોકોને આ આર્ટિકલ દ્વારા માનસિક સધિયારો મળ્યો છે. કોરોના કાળમાં કરાયેલી આ કામગીરીની સરકારે પણ નોંધ લીધી છે. અને આ બન્ને કામગીરીને વર્લ્ડ રેકોર્ડઝ બુક ઓફ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે. આ ઘટના મનોવિજ્ઞાન ભવનના ઈતિહાસમાં પ્રથમ ઘટના હોવાથી કુલપતિ ડો. નિતિન પેથાણી અને ઉપકુલપતિ ડો. વિજય દેશાણીએ પણ મનોવિજ્ઞાન ભવનની કામગીરીને બિરદાવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud